રાજકોટ
News of Wednesday, 8th February 2023

માંડા ડુંગર પાછળ આવાસ ક્‍વાર્ટરમાં છોડનું કુંડુ મુકવા પ્રશ્ને મારામારીઃ તોડફોડ

રીનાબેન માલણને ઇજાઃ ગત સાંજે પડોશી પ્રતિક સાથે ઝઘડો થતાં તેને પોલીસ લઇ ગઇ હતીઃ આજે અજાણ્‍યા આવીને તૂટી પડયા

રાજકોટ તા. ૮: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાછળના ભાગે આવેલા સદ્દગુરૂ નવા આવાસમાં રહેતા પરિવારના ઘરે આજે સવારે ચાર અજાણ્‍યા શખ્‍સોએ ધસી આવી બહાર નીકળો...એવા બૂમ બરાડા પાડી બારીમાં અને વાહનમાં તોડફોડ કરી ધોકાવાળી કરતાં એક મહિલાને ઇજા થઇ હતી.

હુમલામાં ઘાયલ રીનાબેન રવિભાઇ માલણ (ઉ.વ.૨૨) સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. તેના પતિ રવિભાઇ માલણ બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે અમારી બાજુમાં જ પ્રતિકભાઇ રહે છે. અમારા અને તેના ઘરની દિવાલ એક જ છે. મારા પત્‍નિએ દિવાલ પર ફુલછોડનું કુંડુ રાખ્‍યું હોઇ તે હટાવી લેવા કહી ગત સાંજે પ્રતિકે ઝઘડો કરી કુંડી તોડી નાંખતા અમે પોલીસ બોલાવતાં પોલીસ તેને લઇ ગઇ હતી.

આ પછી આજે સવારે અચાનક જ અજાણ્‍યા શખ્‍સોએ આવી ઘરની બારી, બે ટુવ્‍હીલરમાં તોડફોડ કરી હતી અને મારા પત્‍નિને કંઇક મારી દેતાં લોહીલુહાણ થઇ હતી. અજાણ્‍યા શખ્‍સો પ્રતિકના પરિચીતો હોવાની અમને શંકા છે તેમ વધુમાં રવિભાઇએ જણાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. તસ્‍વીરમાં ઇજાગ્રસ્‍ત રીનાબેન, બારી અને કુંડામાં થયેલી તોડફોડ જોઇ શકાય છે.

(4:30 pm IST)