રાજકોટ
News of Saturday, 8th May 2021

શહેરનાં ૧૯ વોંકળામાંથી ૧૧પ૪ ટન કચરાનો નિકાલ

બાકી વોંકળા ચોમાસા પૂર્વે ચોખ્ખા ચણાંક કરવા મેયર તથા મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ પદાધિકારીઓની તાકિદ

રાજકોટ, તા. ૮ : આગામી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા શહેરના તમામ વોંકળાની તેમજ તમામ વોર્ડમાં મેનહોલની સફાઈ કામગીરી કરતા ૧૯ વોંકળામાંથી ૧૧પ૪ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.

 મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સેનીટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ કમિટીના ચેરમેન હિરેનભાઈ ખીમાણીયાની યાદીમાં જણાવે છે કે, આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે. તેમજ આ વખતે ચોમાસાની ઋતુ વહેલી શરૂ થાય તેવા અહેવાલ આવી રહ્યા છે. જેથી ચોમાસા દરમ્યાન જે જે વિસ્તારોમાં પાણી ભરવાના તેમજ શહેરના તમામ વોંકળાઓની સફાઈ થાય તે જરૂરી છે. હાલમાં, શહેરમાં પૂર્વ ઝોનમાં નાના ૧૨, મોટા ૦૬,  સેન્ટ્રલ ઝોનમાં નાના ૧૩, મોટા ૧૦, પશ્ચિમ ઝોનમાં નાના ૦૪, મોટા ૦૭, કુલ નાના ૨૯  અને મોટા ૨૩ વોંકળાઓ આવેલ છે. આ વોંકળાની સફાઈની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે કામગીરી ચાલી રહેલ છે.

જેમાં, પૂર્વ ઝોનમાં નાના ૦૫ અને મોટા ૦૨ વોંકળા, અને સેન્ટ્રલ ઝોનમાં નાના ૦૪, મોટા ૦૩ વોંકળા અને પશ્ચિમ ઝોનમાં નાના ૦૨, અને મોટા ૦૩ વોંકળા એમ કુલ ૧૧ નાના અને ૦૮ મોટા વોંકળાની સફાઈ કામગીરી કરાવેલ છે. આ વોંકળાની સફાઈમાં કુલ ૧૨૨૦૦/૪૫૦૫૦ મીટર કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં તા.૦૧ એપ્રિલ થી તા.૦૮ને સુધી ૧૦૧ ડમ્પરના તેમજ ૧૪૪ ટેકટરના ફેરા મળી કુલ ૧૧૫૪ ટન કચરો કાઢવામાં આવેલ છે. વિશેષમાં, તા.૩૧મે પહેલા આ કામગીરી પૂર્ણ થાય તે માટે દરેક ઝોનમાં ૨ જેસીબી ફાળવવામાં આવેલ છે.

હાલમાં, શહેરના ૧૯ વોંકળાની સફાઈની કામગીરી પૂરી થયેલ છે અને બાકીના વોંકળાની સફાઈની કામગીરી કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં ડ્રેનેજના મેનહોલ સફાઈની કામગીરી પણ શરૂ કરી લીધેલ છે. આ ઉપરાંત ચોમસા દરમ્યાન નીચાણ વિસ્તાર તથા નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાય છે તેવા વિસ્તારમાં લોકોને મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી શરૂ કરવા ઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગને પણ આ માટે જરૂરી એકશન પ્લાન મુજબ તૈયારી રાખવા જણાવવામાં આવેલ છે. વિશેષમાં, જે જે વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્ન થાય છે તેવા વિસ્તારોમાં કોઈ દબાણ હોઈ તો તે દુર કરવા પણ જણાવવામાં આવેલ છે.

આગામી ચોમાસા દરમ્યાન લોકોને મુશ્કેલી ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સંબધક અધિકારીશ્રીઓને જણાવેલ છે.

(4:09 pm IST)