રાજકોટ
News of Monday, 8th August 2022

સને ૨૦૨૦માં મહામારી અને સને ૨૦૨૧માં ગાઇડલાઇન યથાવત રહેતા જુલૂસો મોકૂફ રહ્યાની ઐતિહાસિક ઘટના બાદ

બે વર્ષ બાદ તાજીયા ફરશે : રાત્રે સર્વત્ર જુલૂસ : કાલે આશૂરાહ

કાલે સવારે વિશેષ નમાઝ અને કબ્રસ્‍તાનમાં શ્રાધ્‍ધ તર્પણના કાર્યક્રમ સાથે કરબલાના શહીદોને અપાઇ રહેલી ભવ્‍ય શ્રધ્‍ધાંજલિ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ઇમામખાનામાંથી બહાર આવેલા તાજીયા : જાહેર દર્શનનો લાભ : રાબેતા મુજબના રૂટો ઉપર આજે રાત્રે તાજીયા ફરી વહેલી સવારે પુનઃ માજલમાં આવી જશે : મુસ્‍લિમ વિસ્‍તારોમાં ચાલતી હુસૈની મજાલિસોમાં ઉમટતી મેદની : સબિલો ઉપરથી વિના ભેદભાવે ખાણીપીણીનું ભરપૂર વિતરણ : સતત બાવીસમાં વર્ષે પણ રઝાનગરના તાજીયા નહીં ફરે : મુસ્‍લિમ સમાજનો જબરો નિર્ણય

રાજકોટ તા. ૮ : ઇસ્‍લામ ધર્મના મહાન અંતિમ પયગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭ર સાથીદારો સાથે ઇરાકના રેતાળ પ્રદેશના કરબલામાં ભવ્‍ય યુધ્‍ધ ખેલી શહીદી વ્‍હોરી લીધાની દુઃખ ભરી ઐતિહાસિક ઘટનાના શોકમાં બની રહેલતા ‘તાજીયા' આજે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ગામે ગામ ઇમામખાનામાંથી બહાર આવી ગયા છે અને આજે રાત્રે જૂલૂસરૂપે આ તાજીયા જાહેરમાં રાબેતા મુજબ ફરનાર છે.
ગતા તા. ૩૦-૭-ર૦રર ને શનિવારના રોજ ઇસ્‍લામી પંચાગના ૧રમા મહીના જીલ હજજની ૩૦ મી તારીખે આકાશમાં ચંદ્ર દર્શન થતા એ સાથે જ તા. ૩૧-૭-રર ને રવિવારના ઇસ્‍લામી નૂતન વર્ષ હિજરી ૧૪૪૪ નો પ્રારંભ થયો છે અને એ સાથે ઇસ્‍લામી પંચાયગનો પ્રથમ મહીનો ‘મહોર્રમ' માસ શરૂ થયો છે જે મહોર્રમના ૧૦મા દીવસે ‘આશૂરાહ' પર્વ મનાવવામાં આવે છે.
ખાસ કરીને કરબલાના શહીદોની સ્‍મુતિમાં આ માસમાં તાજીયા બનાવવામાં આવે છે અને તે ૯મી મહોર્રમના જાહેર દર્શને મૂકાય છે અને એ જ રાતે જાહેરમાં ફરે છે જે મુજબ આ વખતે બનેલા તાજીયા આજે રાત્રે ફરશે અને કાલે મંગળવારે સવારે ફરી માતમમાં આવી જઇ મંગળવારે બપોરે ફરી ને રાત્રિના ૧ર વાગ્‍યે ઇમામખાનામાં ફરી પુર્ણાૂહતિ પામશે.
અત્રે એ નોંધનીય છે કે, સને ર૦ર૦ માં કોરોના ફેલાઇ જતા ઇતિહાસમાં પહેલી જવાર કયાંય તાજીયા ફર્યા ન હતા અને તે પછી સને ર૦ર૧ માં મહામારીના લીધે ગાઇડલાઇન યથાવત હોઇ સતત બીજા વર્ષે પણ તાજીયા પોતપોતાના માતમમાં જ રહ્યા હતા અને બહાર ફર્યા ન હતા એ જોતા આ વખતે બે વર્ષ બાદ તાજીયા જુલૂસરૂપે ફરનાર છે.
અત્રે એ નોંધનીય છે કે મહોર્રમ માસ આવતા જ મુસ્‍લીમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્‍મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે અને તેને ૯ મી મહોર્રમના દિવસે સાંજે જાહેર દર્શનાર્થે બહાર લાવી ૧૦ મી મહોર્રમના રાત્રે પરત ઇમામ ખાનામાં મુકવામાં આવે છે.
તાજીયા ઉપરાંત કરબલાના શહીદોની સ્‍મૃતિમાં દરેક મુસ્‍લિમ વિસ્‍તારમાં સળંગ ૧૦ રાત્રી હુસેની મજાલિસો યોજાય છે અને ઠેરઠેર સબિલો બનાવી તેના દ્વારા ખાણી-પીણીની વસ્‍તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં સાંજ પડતાં જ જે તે સબિલો ઉપર ધમધમાટ પ્રવર્તે છે અને હુસેની મજાલિસોમાં પણ ભાઇ-બહેનો મોટી  માત્રામાં ઉમટી વાઅઝ સાંભળી રહ્યા છે.
બીજી તરફ ૧૦મી મહોર્રમનો દિવસ આશૂરાહ તરીકે ઓળખાય છે. જેમાં તમામ મસ્‍જીદોમાં કાલે સવારે (મંગળવારના રોજ)  વિશેષ નમાઝ પઢવામાં આવશે અને તે પછી મુસ્‍લિમ બિરાદરો કબ્રસ્‍તાનમાં ઉમટી પોતાના  સ્‍વજનો, આપ્તજનો માટે શ્રાધ્‍ધ તર્પણ કરશે. જયારે શહીદોની સ્‍મૃતિમાં લોકો આજે અનેકાલે લે બે દિ' રોઝા રાખશે. જો કે કેટલાક લોકો તો ૧૦ દિ' ના રોઝા કરી રહ્યા છે.
એ જગજાહેર છે કે દર વર્ષે મહોર્રમ માસનો પ્રારંભ થતા જ કરબલાના શહીદોની યાદ તાજી કરવામાં આવે છે. અને તેમાં પણ ખાસ કરીને જે તાજીયા સ્‍મૃતિના પ્રતિકરૂપ બનાવવામાં આવે છે તેને નિહાળવા હિન્‍દુ - મુસ્‍લીમ સમાજનો સમુહ ઉમટી પડે છે.
ઇસ્‍લામી પંચાગનો ૧ર મો મહીનો જીલ હજજમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જે પર્વ બલીદાનની ભાવના પ્રકટ કરે છે. જયારે ઇસ્‍લામી મહિના મહોર્રમ માસમાં પણ ઘણી ઘટનાઓ અંકીત થઇ છે અને આ મહિનાનું અનેરૂ મહત્‍વ છે.
જેમાં પણ ખાસ કરીને ઇરાક દેશના કરબલા શહેરની ધગધગતી ધરા ઉપર ૧૩૮૪ વર્ષો પહેલા બનેલી કરૂણ ઘટના પણ બલીદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્‍લામી વર્ષની શરૂઆત અને તેનો અંત હંમેશા બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.
આશૂરાહના દિવસે અનેક ઘટનાઓ અંકિત થઇ છે પરંતુ ખાસ કરીને આ મહિનામાં ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસેન અને પોતાના ૭ર સાથીદારો પરિવારજનો સાથે ઇસ્‍લામ ધર્મની કાજે આપેલી ભવ્‍ય આહૂતિને યાદ કરવામાં આવે છે. જેનો મુખ્‍ય દિવસ જ ‘આશૂરાહ' નો દિવસ છે.

શહેર વિસ્‍તારની લાઇનદોરી આજે રાત્રીનો ઝૂલૂસનો રૂટ
રાજકોટ : રાજકોટ શહેર વિસ્‍તારમાં પણ તાજીયાનું જબરૂ ઝૂલૂસ નિકળે છે. આ પૈકીના તમામ તાજીયાઓ આજે રાત્રીના ૧ર વાગ્‍યે પોતપોતાના માતમમાંથી ઉઠીને જીલ્લા ગાર્ડન ચોક પાસે રાત્રીના બે વાગ્‍યે પહોંચશે. અને સામા કાંઠા વિસ્‍તારના તાજીયા રામનાથપરા જેલના ઝાંપા પાસે રાત્રે બે વાગ્‍યે પહોંચશે અને ત્‍યાંથી તમામ તાજીયા રામનાથપરા થઇ કોઠારીયા નાકા ચોક ઉપર જમા થશે.
જયાંથી બે લાઇન દોરીનું વિભાજન થશે. જેમાં એક લાઇન દોરી સોની બજારની છે અને બીજી પેલેસ રોડ ઉપરની છે અને રાત્રે ૪ વાગ્‍યે આ લાઇન દોરીઓમાં તાજીયા સવારે પરત પોતપોતાના માતમમાં આવી જશે.

કાલે દિવસનો રૂટ
શહેરી વિસ્‍તારના તાજીયા કાલે બપોરે ર.૩૦ વાગ્‍યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્‍યે એકત્ર થશે અને રામનાથપરા જેલના ઝાપા પાસે પ.૩૦ વાગ્‍યે આવશે.
સાંજે ૬.૩૦ વાગ્‍યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે. કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્‍યે આવશે. ત્‍યાંથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોની બજારમાં જશે. બીજી લાઇનદોરી પેસેલ રોડ ઉપર જશે. સ્‍વામીનારાયણ મંદિરના ચોક પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્‍યે પહોંચશે. ૯ વાગ્‍યે આશાપુરા મંદિર પાસે પહોંચશે. ૧૦ વાગ્‍યે સંતોષ ડેરી પાસે પહોંચશે. ત્‍યાંથી આ તાજીયાઓનું વિસર્જન થશે. ત્‍યાંથી આ લાઇન દોરીમાં અલગ-અલગ વિસ્‍તારમાં પરત ફરશે અને મંગળવારે રાત્રીના ૧ર વાગ્‍યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્‍તારમાં પહોંચી પોતપોતાના ઇમામ ખાનાઓમાં ટાઢા થશે.


સદર વિસ્‍તારના તાજીયા ઝૂલૂસનો બે દિ'નો રૂટ
રાજકોટ : સદર વિસ્‍તારમાં ૧પ જેટલા તાજીયાઓનું નિર્માણ થયું છે. જેમાં નહેરૂનગર, લક્ષ્મીનગર, રૈયા સહિતના વિસ્‍તારોના તાજીયાઓનો સમાવેશ થાય છે. આ તમામ તાજીયાઓ આજે સાંજે ૬ વાગ્‍યા આસપાસ ઇમામખાનામાંથી બહાર આવી જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકશે. જે તાજીયાઓ પોતપોતાના વિસ્‍તારમાંથી નિકળી રાત્રીના ફુલછાબ ચોકમાં એકત્ર થશે.
અહીંથી એકત્ર થઇ રાત્રીના ૧ર વાગ્‍યાથી ઝૂલૂસરૂપે આગળ વધશે અને ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, બેન્‍ક ચોક, જયુબેલી ચોક, કબ્રસ્‍તાન રોડ, હરીહર ચોક, સદર બજાર મેઇન રોડ, થઇ પરત વ્‍હેલી સવારે પોતપોતાના મુકામે પહોંચશે.
જયારે કાલે મંગળવારે બપોરે ફરી એજ રીતે ચાલી ફુલછાબ ચોકમાં સાંજે એકત્ર થઇ ઉપર મુજબના નિયત રૂટ ઉપર ચાલી રાત્રીના ૧ વાગ્‍યે પરત ફુછલાબ ચોકમાં પહોંચી સમાપ્તી જાહેર કરશે.

ચોતરફ હુસેની માહોલ છવાયોઃ હિન્‍દુ મુસ્‍લિમો દ્વારા એક સાથે થતા દર્શન
રાજકોટ : સૌરાષ્‍ટ્રભરમાં આજે સાંજે ૬ વાગ્‍યે તો કયાંક રાત્રે તાજીયા જાહેરમાં આવી જશે રાત્રે ૧ર વાગ્‍યે જે તે ગામ શહેરમાં તાજીયા ઝૂલૂસરૂપે ફરનાર છે. એ સાથે જ આજે આશૂરાની રાત્રી મનાવાશે.
જાણવા મળ્‍યા મુજબ ભાવનગર-૩પ, જામનગર-૬૦૦, પોરબંદર-૩૬, ધોરાજી -૮૦, ઉના-૪પ, અમરેલી-૮૦, વાંકાનેર ૧૧, મોરબી-૧૧, જુનાગઢ-રપ૦ અને રાજકોટમાં ૧૭પ જેટલા તાજીયા બન્‍યા છે. આ તમામમાં રાજકોટના જાણીતા વિશાળ મુસ્‍લિમ બહુમતવાળા જંગલેશ્વર વિસ્‍તારના રઝાનગરમાં બનેલા તમામ તાજીયા ઝૂલૂસરૂપે ફરતા નથી. અને સતત બાવીસમાં વર્ષે પણ તાજીયા પોતપોતાના વિસ્‍તારના માતમમાં જ રહેશે. જો કે જાહેર નિયાઝના ભરપૂર વિતરણ ઉપરાંત આજે અને કાલે રોઝા રાખવાના લીધે બે દિ' સવાર-સાંજ ઇફતારી અને સહેરીના પણ જાહેર કાર્યક્રમો યોજાયા છે.  
ઠેરઠેર હિન્‍દુ-મુસ્‍લિમોને ભારે માત્રામાં પ્રસાદ વિતરણ થઇ રહ્યું હોય ભાઇચારા અને કોમી એકતાના ભવ્‍ય દર્શન થઇ રહ્યા છે તો અનેક હિન્‍દુ ભાઇ-બહેનો પણ તાજીયાના દર્શન કરી માનતાઓ પુરી કરી રહ્યા છે.

 

(12:02 pm IST)