રાજકોટ
News of Monday, 8th August 2022

રાજકોટ સહિત રાજયભરના ૧૬ હજાર આરોગ્‍ય કર્મચારીઓની બેમુદતી હડતાલઃ અનેક સેવાને માઠી અસર

રાજકોટ જીલ્લાના ૪૦૦ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કોરોના-મેલેરીયા-સ્‍વાઇન ફલૂ-રસીકરણ સહિતની કામગીરી ખોરવાઇ

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત રાજયભરમાં પંચાયત વિભાગનાં મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર અને સુપરવાઇઝર સહિતનાં ચાર કેડરનાં કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી જતા હોય આરોગ્‍ય કેન્‍દ્રોમાં કામગીરી ખોરવાઇ જતા દેકારો બોલી ગયો છે.

ગ્રેડ-પે વધારવા, ફેરણી ભથ્‍થુ અને કોરોના વોરિયર્સ તરીકે ૯૮ દિવસ કામ કર્યુ તેનું ભથ્‍થુ અથવા રજા વળતર ચૂકવવા સહિતની માગણી સાથે આરોગ્‍ય કર્મચારીઓએ રાજયવ્‍યાપી હડતાલનું એલાન આપ્‍યું છે. રાજકોટ જિલ્લામાં ૪૦૦ થી વધુ કર્મચારીઓ અને રાજયમાં આશરે ૧૬ હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. કોરોના, મેલેરીયા, સ્‍વાઇન ફલુ સહિતનો રોગ વકરી રહયો છે અને રસીકરણની કામગીરી ચાલી રહી છે ઉપરાંત લમ્‍પી રોગની કામગીરી પણ આરોગ્‍ય કર્મચારીઓ કરી રહ્યા છે તે હડતાળને કારણે ખોરવાઇ છે. જિલ્લા મથકે બપોરે આરોગ્‍ય કર્મચારીઓ એકત્ર થયા હતા, અને આગળનાં કાર્યક્રમો નકકી કરવા અંગે મીટીંગ બોલાવી નિર્ણય લેશે.

(12:13 pm IST)