રાજકોટ
News of Monday, 8th August 2022

વિજય પર પૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધો. આપણો ઉદ્દેશ સાચો છે, આપણો રસ્‍તો યોગ્‍ય છેઃ શહિદ સૂર્ય સેન

‘‘આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ'' : બ્રિટીશ શાસન માટે કહેવાતું હતું કે તેમનાં સામ્રાજયનો સૂર્યાસ્‍ત કદી નહિ થાય, જે ભારતનાં ક્રાંતિકારીઓ તથા સ્‍વાતંત્ર્ય સૈનિકોએ સૂર્યાસ્‍ત કરી બતાવ્‍યો : ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે કે જેણે શાંતિપૂર્ણ સંઘર્ષનાં માધ્‍યમથી આઝાદી મેળવીઃ જો કે, સંઘર્ષમાં સેંકડો ક્રાંતિકારીઓ પણ જોડાયા હતા અને બલિદાન પણ આપેલ : આઝાદીનાં સંઘર્ષમાં સમૂહો, સંગઠનોનાં બલિદાન ભારતનાં ઈતિહાસમાં ગૌરવશાળી સ્‍થાપિત થયા છે : આઝાદીની લડતમાં હજારો લોકો જોડાયા હતા, બલિદાન આપેલ, પણ ઘણા ક્રાંતિકારીઓ ઈતિહાસમાં ભૂલાઈ ગયા છે

ભારતની આઝાદીનાં સંઘર્ષમાં સત્‍યાગ્રહ, અસહયોગ આંદોલન, ઈ. તો હતા જ પરંતુ ૨૦૦ વર્ષનો ઈતિહાસ જાણીએ તો ખબર પડે કે આઝાદીની લડાઈ પૂર્વે દેશનાં સેંકડો લોકોને ફાંસી થઈ હતી, જેલવાસ થયો હતો, પરિવારોને સહન કરવાનું આવ્‍યું, તે ભૂલાઈ ગયું છે. અલબત્ત, ક્રાંતિકારીઓનાં બલિદાન ઈતિહાસમાં લખાયેલ છે અને દેશને આઝાદી મેળવવા સદીઓ સુધી રાહ જોવી પડી હતી. વિદેશી શાસનની વિરૂદ્ધ વિદ્રોહની ગતિવિધી અલગ-અલગ હતી. વિરોધાભાસ હોવા છતાં સૌને માતૃભૂમિને આઝાદ બનાવવાની ખેવના હતી. આઝાદી મળ્‍યે ૭૫ વર્ષ થયા ત્‍યારે દેશની પરિસ્‍થિતિ બદલાઈ. નેતાઓ, રાજકારણીઓએની દેશ પ્રતિની પ્રતિક્રિયા બદલાતી જાય છે. આઝાદી પૂર્વે જે ક્રાંતિકારીઓ હતા તેમણે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના નિઃસ્‍વાર્થભાવે ફાંસીએ ચડ્‍યા, જેલવાસ, ઈ. ભોગવ્‍યા અને દેશે આઝાદી મેળવી. વર્તમાન આગેવાનોએ વિદાય લઈ ગયેલ ક્રાંતિકારીઓની સેવામાંથી પ્રેરણા લેવી અનિવાર્ય છે. માત્ર બંગલા, પગાર, પેન્‍શનની કોઈ કિંમત નથી.

સૂર્ય સેન (૧૮૯૪-૧૯૩૪, ફાંસી)

ચટગાંવમાં અધ્‍યાપક તરીકે કાર્યરત સૂર્યસેન ‘માસ્‍ટર-દા' તરીકે લોકપ્રિય હતા. પ્રભાવશાળી ક્રાંતિકારી સંગઠનની સ્‍થાપના કરી.

આસામ બંગલા રેલ્‍વે (પરદેશી કંપની) પર સૂર્ય સેને છાપા માર્યા અને ત્‍યારબાદ અનેક ક્રાંતિકારી ગતિવિધિઓમાં સક્રિય રહ્યા. વારંવાર જેલમાં જવું પડ્‍યું. આ ઉપરાંત ‘ચટગાંવ રિપબ્‍લિક આર્મી'ને સક્રિય કરેલ અને મૃત્‍યુની ચિંતા કર્યા વિના સક્રિય રહ્યા. લોકો દ્વારા ખૂબ જ પ્રોત્‍સાહન પણ મળ્‍યું. ૧૮મી એપ્રીલ ૧૯૩૦ માં સૂર્ય સેનની આર્મીએ ચટગાંવમાં હુમલો કર્યો અને સત્તા મેળવી અને થોડાક સમય માટે બ્રિટીશ શાસનને સમાપ્ત કરી દીધું હતું. દરમ્‍યાનમાં બ્રિટીશ શાસનની મોટી સંખ્‍યામાં આર્મીનાં સૈનિકો ચટગાંવમાં પહોંચ્‍યા પણ સૂર્ય સેનને પકડી ન શક્‍યા. જો કે ઈ.સ. ૧૯૩૩ માં સૂર્ય સેન ગિરફ્‌તાર થયા અને તા. ૧૨મી જાન્‍યુઆરી ૧૯૩૪ માં મધ્‍યરાત્રીએ તેમને ફાંસી અપાઈ.

સૂર્ય સેને પોતાના સાથીઓને વિદાય લેતા પહેલાં સંદેશ આપ્‍યો કે ‘વિજય પર પૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધો. આપણો ઉદ્દેશ સાચો છે, આપણો રસ્‍તો યોગ્‍ય છે...!'

હેમૂ કાલાણી (૧૯૨૩-૧૯૪૩, ફાંસી)

બ્રિટીશ સલ્‍તનતને દેશમાંથી કાઢવા માટે ક્રાંતિની પ્રક્રિયા ચાલુ હતી. ૨૦ વર્ષની નાની ઉંમરનાં હેમૂ કાલાણી ક્રાંતિકારી ગતિવિધિઓ આકર્ષિત થયા હતા અને તેમણે દ્યણા આંદોલનોમાં ભાગ લીધો હતો અને સરકારની દમનકારી કાર્યોનાં વિરોધમાં જબરદસ્‍ત પ્રદર્શન આયોજીત કર્યું. તેમનાં પ્રેરણાદાયક નેતૃત્‍વ નીચે સિંધમાં ઈ.સ. ૧૯૪૨ નાં આંદોલનમાં લોકો જોડાયા અને બ્રિટીશ શાસને યુરોપિયન બટાલિયનને બોલાવી. બ્રિટીશ શાસનની આર્મીનાં આગમનને રોકવા હેમૂ તથા અન્‍ય સાથીદારો આર્મીનાં જે સંચાર માધ્‍યમો હતા તેને ધ્‍વસ્‍ત કરવા આરંભ કર્યો.

પોતાનાં સાથીદારોને બચાવવા વીરતાપૂર્ણ પ્રયાસ કરતાં હેમૂ કાલાણી પકડાઈ ગયા અને તેમને મૃત્‍યુદંડ અપાયો. જો કે મૃત્‍યુથી જરાપણ ભયભીત ન્‍હોતા. જેલમાં જીવનનાં અંતિમ દિવસોમાં તેમનું વજન પણ દ્યણું વધી ગયું હતું. હેમૂએ ભારતની સ્‍વતંત્રતા માટે કુરબાન કરેલ જીવન ચરિતાર્થ થાય તેવી ઈચ્‍છા વ્‍યક્‍ત કરી. સિંધમાં તા. ૨૩મી માર્ચ ૧૯૨૩ માં જન્‍મેલ હેમૂને તા. ૨૧મી જાન્‍યુઆરી ૧૯૪૩ માં ફાંસી અપાઈ.

માત્ર ૨૦ વર્ષનાં યુવાન ક્રાંતિકારી બન્‍યા અને પોતાની જાતને હોમી દીધી. નવી પેઢી માટે તેમનું બલિદાન અવશ્‍ય નોંધનિય રહેશે. અંગ્રેજ શાસને સેકડો યુવાનોને ફાંસી અને જેલવાસ દીધા હતા.

સંકલનઃ નવીન ઠકકર, મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(3:36 pm IST)