રાજકોટ
News of Monday, 8th August 2022

રતનપરમાં વિધિના બહાને સાસુ, વહુની આંખો બંધ કરાવી મોબાઇલ ચોરનાર શખ્‍સ સકંજામાં

કુવાડવા રોડ પોલીસે મામાવાડીમાં રહેતા શખ્‍સને પકડી પૂછપરછ હાથ ધરી

રાજકોટ તા. ૮: મોરબી રોડ પરના ભારત પાર્કમાં અયોધ્‍યા રેસીડેન્‍સીમાં સાસુ, વહુને વિધિના બહાને આંખો બંધ કરાવી બે મોબાઇલ સહિત ૩૩ હજારનો મુદ્દામાલ ચોરી કરનાર શખ્‍સને કુવાડવા રોડ પોલીસે પકડી લઇ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ભારત પાર્ક-૧માં આવેલ અયોધ્‍યા રેસીડેન્‍સીમાં રહેતા ચાંદનીબેન મોીહતભાઇ જોશી અને તેના સાસુ ભાવનાબેન ગઇ તા. પના રોજ સવારે ઘરે હતા ત્‍યારે એક ભીક્ષુક આવ્‍યો હતો. જેને ચા બનાવવાનું કહેતા તેને ચા પીવડાવી હતી. તે સાથે જ તે ભીક્ષુકે જાળ ફેલાવી બંનેને કહ્યું કે, હું તમને વિધિ કરી આપીશ જેથી તમારૂં દુઃખ, દર્દ મટી જશે. તેમ કહ્યા બાદ તેણે ભાવનાબેનના હાથમાં કંકુ, ચોખા આપ્‍યા હતા. પાણીનો લોટો મંગાવી ભાવનાબેન ઉપર સાત વાર ઉતાર્યો હતો. બાદમાં અડધો લોટો પી લીધો હતો. ભીક્ષુકે ભાવનાબેન અને તેની પુત્રવધુ ચાંદનીબેનને કહ્યું કે, હવે તમે બંને આંખો બંધ કરી દો, બંનેએ આંખો બંધ કરી દેતાજ ભીક્ષુક ઘરમાં ઘુસ્‍યો હતો અને બંનેના મોબાઇલ ફોન તથા રૂા. ૬૦૦ની રોકડ લઇ ભાગી ગયો હતો. બંને એ આંખો ખોલી ત્‍યારે ભીક્ષુક ગાયબ થઇ ગયો હતો. તપાસ કરતા બંનેના મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ જોવા ન મળતા તે શખ્‍સ ચોરી ગયો હોવાની ખબર પડતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે ગણતરીની કલાકોમાંજ એક શખ્‍સને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

 

(3:52 pm IST)