રાજકોટ
News of Monday, 8th August 2022

મહાકાલેશ્વર મહાદેવ મંદિરે,આજે રાત્રે ધુન ભજન-શિવતાંડવ

કૌશલ કિશોર ધૂન મંડળની સ્થાપના ૧૯૫૭માં સ્વ. કેશુભાઇ વાગડીયાએ કરેલી : બાળ કલાકાર નયન વાગડીયા શિવતાંડવ નૃત્ય રજૂ કરશે

રાજકોટઃ કૌશલ કિશોર ધુન મંડળ,રાજકોટના સ્થાપક પ્રમુખ સ્વ. કેશુભાઇ રૃડાભાઇ વાગડિયાએ સને ૧૯૫૭માં આ ધુન મંડળની સ્થાપના કરેલ. આજ ૬૫ વર્ષ બાદ પણ સ્વ. કેશુ વાગડિયાની ચોથી પેઢીના વારસદારો ધુન-ભજનની સરવાણી ચાલુ રહે તે બાબતે સતત પ્રયત્નશીલ રહી જવાબદારી સંભાળી રહ્યા છે. જેના હાલના પ્રમુખ રમેશભાઇ કેશુભાઇ વાગડિયા (મહાદેવ)ના ફાળે જાય છે.

સ્થાપક પ્રમુખ સ્વ. કેશુભાઇએ રાજકોટના માલવિયા ચોક-ગોંડલ રોડ પર આવેલા મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે વર્ષમાં એક વખત ધુન-ભજન કરવાની પ્રણાલી શરૃ કરેલ, તદ્-અનુસાર આજે ત્રેપન વર્ષ બાદ પણ સ્વ. કેશુભાઇ વાગડિયાની ચોથી પેઢીના વારસદારોએ આ પ્રણાલી જાળવી રાખેલ છે. જે કૌશલ કિશોર ધુન-મંડળની અકલ્પ્ય અને અનેરી સિધ્ધિ ગણી શકાય. આ જયોતને પ્રજવલ્લિત રાખવાના પ્રયાસ રૃપે આજરોજ તા. ૮ને સોમવારે રાત્રે ૯ વાગ્યે કૌશલ કિશોર ધૂન મંડળના રાસ-ગરબા અને ભોળાનાથને પ્રિય એવા ધૂન-ભજનનો કાર્યક્રમ-મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં, ગોંડલ રોડ, માલવિયા ચોક, માલવિયા પેટ્રોલ પંપ સામે રાખવામા આવેલ છે.

વિશેષમાં સ્થાપક પ્રમુખ સ્વ. કેશુભાઇ વાગડિયાની ચોથી પેઢીનો પૌત્ર કે હાલ જેમની ઉંમર માત્ર ૧૪ વર્ષની છે. તેવા બાળ કલાકાર નયન રાજુભાઇ વાગડિયાનો ''શિવ-તાંડવ'' નૃત્યનો સુંદર, અલૌકિક અને નયનરમ્ય કાર્યક્રમ ધુન ભજન દરમ્યાન રાત્રિના દસ વાગ્યે રાખવામાં આવેલ છે.

મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં દરેક શ્રાવણ માસના બીજા સોમવારે કરવામા આવતા ધુન-ભજનની ખાસ વિશિષ્ટતાએ છે કે-આ દિવસે વર્ષમાં માત્ર એક જ વખત ધુન મંડળના સભ્યો કુટુંબ સહિત(સહ પરિવાર) મંદિરે ધુન-ભજન કરવા માટે આવે છે.

શહેરની ધર્મ-પ્રેમી જનતાને આ અલભ્ય લાભ લેવા માટે મંડળના પ્રમુખ રમેશભાઇ કેશુભાઇ વાગડિયા (મહાદેવ) મો.નંબર ૯૯૨૪૧ ૪૭૦૫૯ તથા ઉપ-પ્રમુખ નટુભાઇ બી. અઢિયા મો. ૯૪૨૮૦ ૬૨૭૯૧ તરફથી અનુરોધ કરવામા આવેલ છે.

(4:04 pm IST)