રાજકોટ
News of Tuesday, 8th September 2020

તાવ, શરદી, ઉધરસની દવા લેવા આવનાર પાસે વિગતો માંગવામાં આવે તો બહાનું બતાવી દર્દી થઇ જાય છે છૂ!

કોઇપણ વ્યકિત પોતાના વોર્ડમાં સરકારી કેન્દ્રમાં ડોકટર પાસે પ્રીસ્ક્રીપ્શન લખાવીને દવા લેવા જાય તે જરૂરીઃ અનેક લોકોને સંક્રમણથી બચાવી શકાય

રાજકોટઃ તા.૮, લોકો સામાન્ય તાવ, શરદી, ઉધરસની દવા લેવા તબીબો પાસે જતા નથી અને સિધા જ મેડીકલ સ્ટોરમાં જઇ દવા લઇ લેતા હોય છે. જયારે તંત્ર દ્વારા જાહેર કરાયેલ નવા નિયમ મુજબ કોઇપણ વ્યકિત તાવ, શરદી, ઉધરસની કેમીસ્ટો પાસે દવા લેવા આવે તો તેના નામ, સરનામા, ફોન નંબર સહિતની વિગતોની નોંધ લેવી દરેક કેમિસ્ટો માટે આ નિયમ ફરજીયાત બનાવાયો છે. પરંતુ હાલમાં કોઇપણ વ્યકિત આવી દવા લેવા આવે તો તેની પાસેથી કેમીસ્ટ વિગતો માંગે તો આ વ્યકિત કોઇપણ બહાનું બતાવી દવા લીધા વગર જ પરત ફરી જાય છે. તેમ નાના મવા સર્કલ નજીક આવેલ રાધે ફાર્મસીના શ્રી સમીરભાઇ જાવીયાએ જણાવ્યુ હતુ.

રાજકોટમાં આશરે એકાદ હજાર જેટલા મેડીકલ સ્ટોર્સ છે. આ મેડીકલ સ્ટોર્સની પ્રત્યેક દુકાનોમાંથી દરરોજ આશરે ૩૦ જેટલા લોકો તાવ, શરદી,ખાસીની દવા લઇ જતા હોય છે. જો આવા લોકોને અથવાા તેમના પરિવારજનોને કોરોનાના પ્રાથમીક લક્ષણો હોય તો તેમના અને આસપાસના કેટલાય લોકોને સંક્રમીત કરે અને તેનો આંકડો હજારોની સંખ્યામાં જાય.

તાજેતરમાં જ તંત્ર દ્વારા એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે કોઇપણ વ્યકિત તાવ, શરદી કે ઉધરસની દવા લેવા આવે તો દરેક મેડીકલ સ્ટોર્સના વેપારીને તેના નામ, સરનામા સહિતની વિગતોની નોંધ રાખી અને તેની વિગતો તંત્રને મોકલવી કેમીસ્ટ એસોસીએશનના અગ્રણીઓ સાથે આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ સાથે બેઠક પણ યોજાઇ હતી. જેમાં જણાવાયુ હતુ કે તાવ, શર્દી, ઉધરસની દવાઓ લઇ જનાર દર્દીઓની વિગતો અને તેના આધારે આવા દર્દીઓ સુધી પહોંચીને તંત્ર તપાસણી કરી જરૂર પડે તો કોરોનાના ટેસ્ટ કરાશે. લોકો ટેસ્ટ કરાવવા આગળ આવતા નહિ હોવાથી તંત્ર દ્વારા દવાઓની દુકાનો પાસેથી ડેટા મંગાવવામાં આવી રહયો છે. જો કે કેમીસ્ટના વેપારીઓએ પણ પુરતો સહયોગ આપવા જણાવાયું છે.

પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઇ રહી છે કે હાલમાં કોઇ દર્દી કે વ્યકિત તેના પરિવારજનો કે સગા સંબંધીઓ માટે દવા લેવા મેડીકલ સ્ટોરમાં તાવ, શરદી, ખાંસીની દવા લેવા જાય છે અને તેની પાસેથી  દવાના વેપારીઓ વિગતો માંગે તો પૈસા ભુલી ગયો, હમણા પુછીને આવુ, આવા અનેક બહાના બતાવી 'છુ' થઇ જાય છે. જેથી આ મામલે પણ તંત્રએ વિચાર કરવાની જરૂર છે.

આવા સામાન્ય લક્ષણવાળા દર્દી પોતાના જ વોર્ડમાં સરકારી કેન્દ્રમાં જઇ અને ત્યાંના તબીબ પાસેથી પ્રિસ્ક્રીપ્શન લખાવીને મેડીકલ સ્ટોર્સમાં જઇ દવા લ્યે તો દરેક વોર્ડના કેન્દ્રમાં પણ આવી નોંધ રહી શકે.

(12:05 pm IST)