રાજકોટ
News of Tuesday, 8th September 2020

ગેરકાયદે ઇંધણ ભરતા બે પંપ પર એસઓજી ત્રાટકી

કુવાડવા રોડ સોખડાના રસ્તે સોમનાથ બોરવેલ તથા ચાંદની હોટલ પાસે એકતા એન્ટરપ્રાઇઝમાં મોડી રાત્રે કાર્યવાહી : બાયોડિઝલના નામે વાહનોમાં ઇંધણ પુરી અપાતુ હતું: ભાવેશ બાલધા, દિક્ષીત વઘાસીયાના સોમનાથ બોરવેલ અને શાબીર જુણેજા તથા મયુર ઉર્ફ મહેશ શીંગડીયાના એકતા એન્ટરપ્રાઇઝ નામના ધંધાના સ્થળે કાર્યવાહીઃ બંને સ્થળેથી ૧૧૭૦૦ લિટર જ્વલંતશીલ પ્રવાહી મળી કુલ રૂ. ૮,૯૫,૯૦૪નો મુદ્દામાલ કબ્જેઃ પુરવઠા તંત્રને જાણ કરાઇ : વાહનોમાં નુકસાન કરે અને પ્રદુષણ ફેલાવે તેવું ઇંધણ ગેરકાયદેસર રીતે ભરી અપાતું હોવાની પોલીસ કમિશનરને થયેલી રજૂઆત અંતર્ગત પીઆઇ આર.વાય. રાવલ, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર અને ટીમના દરોડા

રાજકોટ તા. ૮: શહેરના કુવાડવા રોડ પર સાત હનુમાનથી સોખડા જવાના રસ્તા પર બે સ્થળે બાયોડિઝલના નામે વાહનોમાં ગેરકાયદે ઇંધણ પુરી આપતાં બે પંપો ધમધમતાં હોવાની માહિતી પોલીસ કમિશનરને મળતાં મોડી રાતે શહેર એસઓજીની ટીમે દરોડા પાડી ગેરકાયદે ધમધમતાં બે પંપ પર કાર્યવાહી કરી જ્વલંતશીલ પ્રવાહીનો હજારો લિટર જથ્થો, બેરલો, કેરબા, રોકડ, ફયુલ પંપ મળી કુલ રૂ. ૮,૯૫,૯૦૪નો મુદ્દામાલ કબ્જે કરી બંને ધંધાના સંચાલકોને હાજર થવા નોટીસ પાઠવી છે. તેમજ આ મામલે પુરવઠા તંત્રને પણ જાણ કરવામાં આવી છે.

એસઓજીની ટીમે મોડી રાતે કુવાડવા રોડ સાત હનુમાનથી સોખડા તરફ જતાં સ્વસ્તિક હોસ્પિટલની બાજુમાં સોમનાથ બોરવેલ નામના ધંધાના સ્થળે ત્રાટકી રૂ. ૫,૩૩,૬૦૦નું ૯૨૦૦ લિટર જ્વલંતશીલ પ્રવાહી (જેને બાયો ડિઝલ હોવાનું કહેવાય

છે તે) તથા ખાલી કેરબા, બેરલ, ફયુલ પંપ મળી રૂ. ૬,૩૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ જગ્યાનું સંચાલન ભાવેશ બાલધા અને દિક્ષીત વઘાસીયા કરતાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

આ જ રીતે સોખડાના પાટીયે ચાંદની હોટલની બાજુમાં એકતા એન્ટરપ્રાઇઝ નામથી ધંધો કરતાં શાબીર આદમભાઇ જૂણેજા અને મયુર ઉર્ફ મહેશ બાબુભાઇ શીંગડીયાના ધંધાના સ્થળે દરોડો પાડી ત્યાંથી રૂ. ૧,૩૭,૫૦૦નું ૨૫૦૦ લિટર જ્વલંતશીલ પ્રવાહી, બે ફયુલ પંપ, રોકડા રૂ. ૨૩૮૦૪ મળી કુલ રૂ. ૨,૬૧,૩૦૪નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આમ બંને ગેરકાયદે પંપ પરથી એસઓજીની ટીમે કુલ રૂ. ૬,૭૧,૧૦૦નું ૧૧૭૦૦ લિટર પ્રવાહી (બાયો ડિઝલ) તથા સાધનો મળી કુલ રૂ. ૮,૯૫,૯૦૪નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને સ્થળના સંચાલકોને બપોરે એસઓજી કચેરીએ હાજર થવા નોટીસ પાઠવવામાં આવી હતી. તેમજ આ અંગે આગળની કાર્યવાહી કરવા માટે પુરવઠા તંત્રને જાણ કરવામાં આવી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના પરથી એસઓજીના પીઆઇ આર.વાય. રાવલ, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અજયકુમાર શુકલા, કૃષ્ણદેવસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. આ બંને સ્થળ પર અમુક શખ્સો વાહનોમાં નુકસાન થાય અને પ્રદુષણ ફેલાય તેવું ગેરકાયદેસર ઇંધણ ભરી આપતાં હોવાની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત થઇ હતી. તે અંતર્ગત તપાસ કરવા સુચના અપાઇ હોઇ પીઆઇ આર.વાય. રાવલે અલગ-અલગ ટીમો બનાવી બંને સ્થળે મોડી રાતે કાર્યવહી કરી હતી.

આ ગેરકાયદે બાયોડિઝલના પંપો કયારથી ધમધમતા હતાં? ખરેખર સંચાલકો કોણ છે? બાયોડિઝલ ઓરિજીનલ છે કે પછી બાયોડિઝલના નામે ભળતું મિકસ કરેલુ કેમિકલ ધાબડવામાં આવતું હતું? તે સહિતના મુદ્દે આગળની તપાસ પુરવઠા તંત્રની તપાસ બાદ આગળ ધપશે. નોંધનીય છે કે ગયા મહિને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ આવ્યા ત્યારે પણ બાયોડિઝલના ગેરકાયદે વેંચાણ બંધ થવા જોઇએ ત મતલબની રજૂઆત થઇ હતી. દરમિયાન શહેર એસઓજીએ આવા બે ગેરકાયદે પંપો પર બાયોડિઝલનના નામે વેંચાતા પ્રવાહીનો હજારો લિટરનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી માટે પુરવઠા વિભાગને જાણ કરતાં ગેરકાયદે આ રીતે બાયોડિઝલ વેંચનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

(3:05 pm IST)