રાજકોટ
News of Tuesday, 8th September 2020

સમરસ હોસ્ટેલમાં આજથી ૫ માળમાં ઓકસીજન લાઇન નાખવાનું શરૂ : કેન્સર હોસ્પિટલ તૈયાર કરવાનો પ્રારંભ

કેન્સર હોસ્પિટલમાં ૨૦૦ નવા બેડ મળશે : આજે ખાનગી હોસ્પિટલોને ૩૫ વેન્ટીલેટર આપી દેવાશેઃ સિવિલમાં પૂરતા વેન્ટીલેટર ઉપલબ્ધ છે : સિવિલમાં હાલ હજુ ૧૦૦ બેડ ખાલી : કલેકટરની 'અકિલા' સાથે વાતચીતઃ આરોગ્ય સચિવનો રાજકોટમાં સતત પડાવ હોય રાજકોટ અંગે ધડાધડ નિર્ણય લેવાઇ રહ્યા છે : આજે પણ મિટીંગ

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે સવારે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના જે પેશન્ટ છે અને વાત કરી શકે છે તે તેમના મોબાઇલથી અથવા તો જે તે દરેક માળના કન્ટ્રોલ રૂમના મોબાઇલથી વિડીયોકોલીંગથી પોતાના નજીકના સગાજનો સાથે વાતચીત કરી શકે છે, આ બાબતે મંજૂરી અપાઇ ગઇ છે, ગઇકાલથી શરૂ થઇ કરી દેવાયું છે.

કલેકટરે જણાવ્યું હતું કે, હવે ચૌધરી હાઇસ્કુલ ખાતે પણ કન્ટ્રોલ રૂમ રહેશે, દર્દીના સ્વજનોને ત્યાં રખાશે અને ત્યાંથી પણ વિડીયોકોલીંગ કરી શકશે. આજે ત્યાં ખસેડાઇ જશે.

તેમણે જણાવેલ કે, સિવિલમાં ગઇકાલ મોડી રાત દરમિયાન ૧૦૦ બેડ ખાલી હતા, આજે બપોરે કે ત્યારબાદ રિપોર્ટ આવશે, આજે સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવીની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ તથા અન્ય બાબતે મીટીંગ યોજાઇ છે, શ્રી જયંતિ રવી રાજકોટમાં હોય રાજકોટ અંગે ધડાધડ નિર્ણયો લેવાઇ રહ્યા છે, ગાંધીનગરથી મંજૂરીની રાહ જોવી પડતી નથી.

નવી હોસ્પિટલ અંગે તેમણે જણાવેલ કે, સમરસ હોસ્પિટલ તૈયાર થઇ રહી છે, કોરોનાના સામાન્ય દર્દી કે જે ૩૧૭ છે, તેમને રખાયા છે, અને વધુ અસરવાળા ૧૫૦ દર્દી સમરસ હોસ્ટેલમાં અલગ રખાયા છે. કલેકટરે ઉમેર્યું હતું કે, સમરસ હોસ્ટેલમાં ૧ થી ૩ ટાઇપ પ્રકારના દર્દીઓ અંગે વ્યવસ્થા કરાઇ છે, કુલ ૫૧૨ બેડની વ્યવસ્થા છે, અને આજથી સમરસ હોસ્ટેલમાં ૫ થી ૯ કુલ ૫ માળમાં ઓકસીજન લાઇન નાંખવાનું શરૂ કરી દેવાયું છે.

વેન્ટીલેટર અંગે તેમણે ઉમેર્યું હતું કે, વેન્ટીલેટર સિવિલમાં પૂરતા છે, અને રાજકોટની જે કોવિડ-૧૯ ખાનગી હોસ્પિટલો છે તેમની ગઇકાલે કુલ ૫૦ વેન્ટીલેટરની માંગણી હતી તેમાંથી ૩૫ વેન્ટીલેટર આજે અપાઇ જશે, જેથી કરીને છેલ્લી ઘડીએ દર્દીને શિફટેડ કરવાની બાબત ન બને.

તેમણે જણાવેલ કે, રાજકોટની કેન્સર હોસ્પિટલ આજથી તૈયાર કરાઇ રહી છે, ત્યાં અન્ય તમામ સુવિધા ઉપલબ્ધ છે, કેન્સર હોસ્પિટલના ૨૦૦ નવા બેડ ઉપલબ્ધ બનશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, ખાનગી હોસ્પિટલો વધુ પૈસા પડાવતા હોવાની કુલ ૮ ફરિયાદોમાંથી ઓરેન્જ હોસ્પિટલને સીટી પ્રાંત શ્રી ગઢવીએ નોટીસ ફટકારી આજે જવાબ માટે બોલાવ્યા છે, અને નિલકંઠ હોસ્પિટલના સત્તાધીશો પાસે વધુ પૈસા લેવા અંગે દર્દીઓને નાણા પરત અપાવાયા છે.

(12:06 pm IST)