રાજકોટ
News of Tuesday, 8th September 2020

સિમેન્ટ કંપનીને આપેલ ચેક રિટર્ન થતાં જામનગરના શખ્સ સામે કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ૮ :  જામનગરના રહીશ કમલેશ રૂડાભાઇ ચુડાસમા સામે રૂ. ૩,૧ર,૦પ૩/- ચેક રીટર્ન થતા હાઇ-બોન્ડ સિમેન્ટ (ઇન્ડીયા) પ્રા. લિ. દ્વારા રાજકોટની કોર્ટમાં ફરીયાદ થતા અદાલતે આરોપી સામે પ્રોસેસ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામના આરોપી કમલેશભાઇ રૂડાભાઇ ચુડાસમા રહે. જામનગરવાળાએ ફરીયાદ હાઇ-બોન્ડ સિમેન્ટ (ઇન્ડીયા) પ્રા.લિ. પાસેથી આરોપીને ગર્વમેન્ટ તરફથી કાલાવડ પોલીસ સ્ટેશનના બાંધકામ અંગેનો કોન્ટ્રાકટ મળતા ફરીયાદી પાસેથી ખરીદ કરવા સંપર્ક કરતા ફરીયાદીને આરોપીને માંગ્યા મુજબનો સિમેન્ટ પુરો પાડેલ હોય. જેથી આ કામના આરોપીએ ફરીયાદી કંપનીને ચેક આપેલ જે ફરીયાદી કંપનીએ પોતાની બેંક એકાઉન્ટમાં ચેક વટાવવા નાંખતા એકસીડ અરેન્ડમેન્ટ ના શેરા સાથે ચેક પરત ફરેલ ત્યારબાદ ફરીયાદી કંપનીએ વકીલ રાકેશભાઇ દોશી મારફત આરોપીને લીગલ નોટીસ આપેલ હોવા છતાં આરોપીએ ફરીયાદી કંપનીને તેની ચેક મુજબની લેણી રકમ ચુકવેલ નહીં કે તેને નોટીસનો જવાબ આપેલ નહીં. જેથી આ કામના ફરીયાદી કંપનીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઇ કોર્ટે આરોપી કમલેશભાઇ રૂડાભાઇ ચુડાસમા રહે. જામનગરવાળા વિરૂધ્ધ પ્રોસેસ ઇશ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી હાઇ-બોન્ડ સિમેન્ટ (ઇન્ડીયા) પ્રા. લિ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી રાકેશભાઇ દોશી, ગૌતમ એમ. ગાંધી તથા વૈભવ કુંડલીયા રોકાયેલ છે.

(3:34 pm IST)