રાજકોટ
News of Tuesday, 8th September 2020

જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રિ.ઓડીટના મુદ્દે ગાજીઃ ડી.ડી.ઓ.નો પરિપત્ર રદ કરતો ઠરાવ

ઠરાવ સાથે ડી.ડી.ઓ. સહમત ન હોવાથી વિકાસ કમિશનરને મોકલાશે

રાજકોટઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે ઉપાધ્યક્ષ સુભાષ માકડીયાની અધ્યક્ષતામાં મળેલ. તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં ડીડીઓ અનિલકુમાર રાણાવાસિયા, ડે.ડી.ડી.ઓ. રામદવસિંહ ગોહિલ અને ગોંડલીયા,  કારોબારી અધ્યક્ષ કિશોર પાદરીયા ઉપસ્થિત છે. નીચેની તસ્વીર સભ્યોની છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૮: જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે પ્રમુખ અલ્પાબેન ખાટરીયાની ગેરહાજરીમાં ઉપપ્રમુખ સુભાષ માકડીયાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં બહુચર્ચીત પ્રી-ઓડીટના પરીપત્ર બાબતે ગરમાગરમ વિસ્તૃત ચર્ચા થયેલ. સરકારના ૧૯૮૮ના પરીપત્ર મુજબ જિલ્લા પંચાયતમાં વિકાસકામોના વર્ક ઓર્ડર અને બીલોનું પ્રિ-ઓડીટ કરવામાં આવે છે. તાલુકા કક્ષાએ ૧૫૦૦૦ની ઉપરની અને જિલ્લા કક્ષાએ ૪૦૦૦૦ની ઉપરની રકમના કામમાં પ્રિ-ઓડીટ કરવાની પ્રથા છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ આ પધ્ધતીમાં સુધારો કરતો પરીપત્ર કરેલ તે મુજબ વર્ક ઓર્ડરના પ્રિ-ઓડીટના બદલે ચેક લીસ્ટ ભરવાની પ્રથા દાખલ કરી છે. આ અંગેના પરીપત્ર સામે ઘણા સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. ડી.ડી.ઓ.નો પ્રિ-ઓડીટ બાબતના પરીપત્રનો અમલ મોકુફ કરવા અને જુની પધ્ધતી યથાવત રાખવા સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. સભામાં સચિવ તરીકે ડી.ડી.ઓ. તેની સાથે સહમત ન હોવાથી આ ઠરાવ વિકાસ કમિશનરને મોકલવામાં આવશે.

પ્રિ-ઓડીટ અંગેની ચર્ચામાં ચંદુભાઇ શીંગાળા, અજૂન ખાટરીયા, કે.પી.પાદરીયા, વિનુભાઇ ધડુક વગેરેએ ભાગ લીધો હતો. વિકાસ કામોમાં થતો વિલંબ નિવારવા માટે પધ્ધતીમાં સુધારો કરાયાની દલીલ ડી.ડી.ઓ.એ કરી હતી. સભ્યોએ તે દલીલ સ્વીકારેલ નહી અને ઠરાવ કર્યો હતો. સભ્યોએ જિલ્લા પંચાયત કક્ષાએ વર્કઓર્ડરના પ્રિ-ઓડીટ માટે ૪૦૦૦૦થી ઉપરની રકમના કામની મર્યાદા છે તે વધારીને પાંચ લાખ કરવાની સરકારને ભલામણ કરી છે.

સરકાર દ્વારા ૪.૯૧ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે તેના ઉપયોગ માટે કામના સુચન કરવા ડી.ડી.ઓ.એ સભ્યોને અનુરોધ કર્યો હતો. ઉપરાંત સરકાર દ્વારા પંચાયતને જેટીંગ મશીન આપવામાં આવનાર છે. ગ્રામ પંચાયતોને નિયત રકમથી તેનો લાભ આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રસ્તાના કામો માટે પણ સામાન્ય સભામાં ચર્ચા થઇ હતી. આજે પ્રમુખ સહીત અડધો ડઝનથી વધુ સભ્યો ગેર હાજર હતા પડતર વિકાસ કામોની બહાલી માટે આચારસંહીતા પુર્વે વધુ એક વખત સામાન્ય સભા બોલાવવાની દિશામાં ચર્ચા થઇ હતી.

૩૦પ પૈકી ૧૨૧ રસ્તાને નુકશાનઃ મરામત ચાલુ : અર્જુન ખાટરિયાએ મુદ્દો ઉઠાવ્યો

રાજકોટઃ જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં અર્જુન ખાટરિયાએ ખરાબ રસ્તાઓ અંગેનો મુદ્દો ઉઠાવી ત્વરીત મરામત કરવા વહીવટી તંત્રને અનુરોધ કર્યો હતો. બાંધકામ વિભાગના અધિકારી શ્રી પરમારે સામાન્ય સભામાં જણાવેલ કે જિલ્લા પંચાયતના કાર્યક્ષત્રમાં આવતા રાજકોટ જિલ્લાના કુલ ૩૦૫ રસ્તાઓ પૈકી ૧૨૧ રસ્તાઓને ભારે વરસાદના કારણે નુકશાન થયું છે તેની કુલ લંબાઇ ૧૪૪ કી.મી. જેટલી થાય છે. ૩૪ રસ્તાઓમાં ડામર કામ (થીગડા) ચાલુ છે. ૮૭ કી.મી.ના માર્ગની મરામત થઇ ગઇ છે. રસ્તાની સુધારણાનું બાકીનું કામ આવતા ૧૫ દિવસમાં પુર્ણ થઇ જશે.

(3:42 pm IST)