રાજકોટ
News of Friday, 8th October 2021

સાંજથી દોડવા લાગશે ઇલેકટ્રીક બસ : બસમાં CCTV કેમેરાની સુરક્ષા

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે મ.ન.પા.ના વિવિધ વિકાસકામો : બપોરે ૩.૩૦ વાગ્યે જિલ્લા ગાર્ડન શાળા નં. ૪૮ ખાતે મુખ્ય ડાયસ ફંકશન : શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ તેમજ ૧ અને ૩ BHK ફલેટનો ડ્રો થશે

રાજકોટ તા. ૮ : આજે રાજકોટ ખાતે પધારેલા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે આજે બપોરે ૩.૩૦ વાગ્યાથી મ.ન.પા.ના વિવિધ વિકાસકામોના લોકાર્પણો થનાર છે. જેમાં ઇલેકટ્રીક બસનું પણ લોકાર્પણ થનાર છે.

મહાનગરપાલિકા પાસે ઘણા સમયથી ઈલેકિટ્રક બસ આવી ગઈ છે પણ લોકાર્પણ હવે થઈ રહ્યું છે. આ ઈ-બસથી શહેરીજનોને વધુ આરામદાયક મુસાફરી મળશે. રાજકોટના બીઆરટીએસ રૂટ પર સૌથી પહેલા આ બસ દોડાવાશે. અત્યાર સુધી આ રૂટમાં ૧૦ ડીઝલ બસ ચાલતી તેને બદલે હવે ૧૬ ઈ-બસ ચાલશે આ કારણે બીઆરટીએસના એક સ્ટેશને દર ૧૦ મિનિટે એક બસ આવે છે પણ ઈ-બસ દર ૬ મિનિટે મળશે તેથી મુસાફરોનો સમય પણ બચશે. જોકે બસની સ્પીડ પહેલા જેટલી ૪૦ કિ.મી. પ્રતિ કલાક જ રહેશે.

નવી બસ ફુલ્લી એસી હશે. નવી સીટ અને ઈન્ટિયર હશે તેમજ મનોરંજન માટે એફએમ રેડિયો છે. ઉપરાંત બસની અંદર સીસીટીવી કેમેરાની સુરક્ષા પણ છે. મુસાફરોને આ ફાયદા ઉપરાંત મનપાને એજન્સીને ચૂકવાતા પ્રતિ કિ.મી.ના ભાડામાં અધધ ૫૦ રૂપિયાનો ફાયદો થશે. હાલ એક બસ દૈનિક ૧૯૦ કિ.મી. ચાલી રહી છે આ રીતે જોતા ૧૦ ડીઝલ બસ રોજનું ૫૦૦ લિટર ડીઝલ વાપરે છે. બસ બંધ થતા તેટલા ડીઝલનો વપરાશ ઘટશે અને તેટલું જ ઉત્સર્જન ઘટતા પર્યાવરણને પણ ફાયદો થશે. હાલ પ્રથમ તબક્કે ૧૬ બસ બીઆરટીએસ રૂટ પર મુકાઈ છે પણ તબક્કાવાર સિટીબસમાં પણ રૂપાંતરિત કરાશે તેમ રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર જયેશ કુકડિયાએ જણાવ્યું હતું.

આજે તા. ૮નાં ઇ-બસ લોકાર્પણ ૧ થી ૩ બીએચકે આવાસના ડ્રો તથા પ્રા.શાળા બિલ્ડીંગનું લોકાર્પણ મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે કરવામાં આવશે.

આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસીપલ કમિશનર અમિત અરોરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ તથા હાઉસિંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૮ શુક્રવારના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે,  પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮, જિલ્લા ગાર્ડન ખાતે, શ્રી પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ, ઈલેકટ્રીક બસનો શુભારંભ, EWS-1 અને MIG-1 આવાસોનો ફાળવણી ડ્રો રાજયના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર વોર્ડ નં.૧૪ નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિશોરભાઈ પરમાર, વોર્ડ નં. ૧૪ના પ્રભારી હસુભાઈ ચોવટીયા, પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી વિપુલભાઈ માખેલા, નરેન્દ્રભાઈ કુબાવત વિગેરે ઉપસ્થિત રહેશે.

(3:40 pm IST)