રાજકોટ
News of Wednesday, 8th December 2021

ખેતીની જમીન ખરીદ કર્યા બાદ રાજકોટની વૃદ્ધાને કબ્જો ન આપ્યોઃ બે ભાઈઓ સામે ગુન્હો

નાનાવડીયાના દિનેશ સાગઠીયા તથા મનસુખ સાગઠીયા સામે કોટડાસાંગાણી પોેલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ, તા. ૮ :. કોટડાસાંગાણીના નાનાવડીયા ગામે રાજકોટના વૃદ્ધાએ જમીન ખરીદ કર્યા બાદ કબ્જો ન આપનાર બે શખ્સો સામે જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ બાલુબેન વિરજીભાઈ ખીમસુરીયા (ઉ.વ.૭૦) રહે. રઘુવીરપાર્ક, સરકારી પ્રાથમિક શાળાની સામે મોટામૌવા કાલાવડ રોડ રાજકોટ રહે. મુળ મોટામહિકા, તા. ગોંડલએ દિનેશ સામતભાઈ સાગઠીયા તથા મનસુખ સામતભાઈ સાગઠીયા રહે. બન્ને નાનાવડીયા તા. કોટડાસાંગાણી સામે કોટડાસાંગાણી પોેલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમા જણાવ્યા મુજબ ફરીયાદીએ આરોપીના માતાની માલિકીની ખેતીની જમીન વેચાણ દસ્તાવેજ નં. ૯૦૫૪ તા. ૫-૮-૨૦૦૮થી પુરતો અવેજ ચૂકવી ખરીદ કરેલ. દસ્તાવેજ કર્યા બાદ જમીન સોંપી આપવા ફરીયાદીએ અવારનવાર કહેવા છતાં આરોપીઓએ કબ્જો સોંપ્યો ન હતો. ફરીયાદી આ જમીનનો કબ્જો લેવા જતા ત્યારે તેને ઉકત બન્ને શખ્સો ધમકી આપી કબ્જો છોડવાના બદલામાં ૫ લાખ રૂપિયાની માંગણી કરી ગેરકાયદેસર રીતે ફરીયાદીની માલિકીની જમીન પચાવી પાડી હતી.

આ ફરીયાદ અન્વયે કોટડાસાંગાણી પોલીસે ઉકત બન્ને ભાઈઓ સામે ૪૦૬, ૪૪૭, ૫૦૬, ૧૧૪ તથા ગુજરાત સરકારના જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે.

(11:51 am IST)