રાજકોટ
News of Thursday, 9th February 2023

વ્‍યાજખોરીના વધુ બે બનાવઃ રિક્ષાચાલક અને વાયરમેનને ધંધો મુકાવી દેવા ધમકી

દૂધ સાગર રોડના ફારૂક અને આનંદનગરના મહમદઅફઝલની ડીસીબીમાં ફરિયાદઃ આરીફ તથા શાબીર વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્‍યા : બહેનની સગાઇ માટે ૫૦૦૦ અને વાયરીંગ કામ માટે ૧૦,૦૦૦ વ્‍યાજે લઇ રોજના ૫૦ અને ૧૦૦ લેખે વ્‍યાજ ચુકવ્‍યું'તું: પુરેપુરા ચુકવી દેવાયા છતાં પઠાણી ઉઘરાણી

 

રાજકોટ તા. ૯: વ્‍યાજખોરીના વધુ બે કિસ્‍સામાં ડીસીબી પોલીસે ગુના દાખલ કર્યા છે. જેમાં એક રિક્ષાચાલકે ૫ હજાર વ્‍યાજે લઇ ચુકવી દીધા હોવા છતાં વધુ ૧૫૦૦ની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જ્‍યારે બીજા કિસ્‍સામાં ઇલેક્‍ટ્રીક વાયરીંગ કામ કરતાં યુવાને વ્‍યાજે લીધેલા ૧૦ હજાર ચુકવી દીધા છતાં વધુ ૧૦ હજાર માંગી ધમકી અપાતી હોવાનો આરોપ મુકાયો છે.

પોલીસે દુધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક ફારૂક  ઇકબાલભાઇ પરમાર (ઉ.૨૮)ની ફરિયાદ પરથી આરીફ ગફારભાઇ પઠાણ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે. ફારૂકે બહેનની સગાઇ પ્રસંગ માટે જરૂર હોવાથી દોઢ મહિના પહેલા ગંજીવાડાના આરીફ પાસેથી મિત્ર અરશીલ પઠાણ મારફત રૂા. પાંચ હજાર પાંચ ટકા વ્‍યાજે લીધા હતાં. રોજના ૫૦ લેખે ૧૦૦ દિવસ સુધીમાં તેને ૫ હજાર આપી દીધા હતાં. છતાં વધુ ૧૫૦૦ માંગી જો વ્‍યાજ નહિ આપ તો રિક્ષા ચલાવવા નહિ દઉ તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બીજા બનાવમાં આનંદનગર કોલોની કાળા પથ્‍થર ક્‍વાર્ટર નં. ૨૭૪માં રહેતાં અને ઇલેક્‍ટ્રીક વાયરીંગનું કામ કરતાં મહમદઅફઝલ કાસમભાઇ રાઉમા (ઉ.૩૬)ની ફરિયાદ પરથી શાબીર આમદભાઇ ભાણુ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો છે. મહમદઅફઝલે જણાવ્‍યા મુજબ તેની ઓળખ પાંચ મહિના પહેલા જંગલેશ્વરના શાબીર સાથે થઇ હતી. તે મહોબ્‍બત ખપે નામની ટ્રસ્‍ટની ઓફિસ છે ત્‍યાં બેસે છે. મારે નવેક મહિના પહેલા વાયરીંગ કામમાં જરૂર પડતાં શાબિર પાસેથી ૧૦ હજાર માંગતા તેણે ૪ ટકા વ્‍યાજે વ્‍યાજ કાપી ૮૮૦૦ આપ્‍યા હતાં. રોજના ૧૦૦ લેખે ૧૦૦ દિવસ પૈસા ચુકાવવાના હોઇ મેં આ રીતે કુલ ૧૨૪૦૦ ચુકવી દીધા હોવા છતાં તે વધુ દસ હજાર માંગી ધમકી આપે છે કે જો પૈસા નહિ દે તો વાયરીંગનું કામ નહિ કરવા દઉં. બંને ફરિયાદમાં એએસઆઇ હિતેન્‍દ્રસિંહ પી. ઝાલા અને હેડકોન્‍સ. ગિરીરાજસિંહ એસ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(3:24 pm IST)