રાજકોટ
News of Wednesday, 9th September 2020

રાજકોટ જિલ્લામાં ૧૪ તલાટીઓ કોરોનાની ઝપટમાં : બહુ જરૂરી સિવાયની કામગીરી મોકુફ રાખવા માંગણી

અન્ય ૮ સહિત પંચાયતના કુલ રર કર્મચારીઓને કોરોનાની અસર

રાજકોટ, તા., ૯: જિલ્લામાં ફરજ બજાવતા ૧૪ જેટલા તલાટીઓ કોરોનાની લપેટમાં આવી ગયા છે. તલાટીઓએ સર્વે સહીતની અનેક કામગીરી કરવાની હોવાથી મોટા પ્રમાણમાં જનસંપર્કમાં આવવાનું થાય છે તેથી તેના સ્વાસ્થ્ય પર જોખમ રહે છે. હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને તલાટીઓ પાસે જે કામગીરી છે તેમાં અત્યંત જરૂરી સિવાયની કામગીરી મોકુફ રખાવવા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે સરકારને અપીલ કરી છે.

તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચિરાગ ગરૈયાએ જણાવ્યા મુજબ જેતપુર, લોધીકા, જસદણ, કોટડા સાંગાણી, ઉપલેટા, પડધરી વગેરે તાલુકાઓના ૧૪ તલાટીઓને કોરોના લાગુ પડી ગયો છે જેમાંથી ૮ જેટલા હજુ સારવાર હેઠળ છે. તે ઉપરાંત કલાર્ક, વિસ્તરણ અધિકારી, કોમ્પ્યુટર ઓપરેટર, ટીડીઓ સહીત ૮ કર્મચારીઓને પણ કોરોનાની અસર થઇ છે. પંચાયત હસ્તક ફરજ બજાવતા  રર થી વધુ કર્મચારીઓને કોરોના લાગ્યો છે. પંચાયતના આ કર્મચારીઓ કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી રહયા છે. સરકારે બહુ જરૂરી સિવાયની કામગીરીમાંથી  તલાટીઓને અળગા રાખી તે કામગીરી હાલ પુરતી મોકુફ રાખવી જોઇએ તેવી અમારી માંગણી છે. રાજય કક્ષાનું તલાટી મંડળ આ બાબતે સરકારમાં વિધિવત રજુઆત કરશે.

(11:43 am IST)