રાજકોટ
News of Wednesday, 9th September 2020

મોરબી રોડ ઉત્સવ સોસાયટીમાંથી સગીરા ગૂમઃ કાનો ભગાડી ફરિયાદ

બી-ડિવીઝન પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર રહેતી કોળી સગીરા ઘરેથી નાસ્તો લેવા ગયા બાદ ગૂમ થતાં શોધખોળ બાદ તેના માતાએ પોલીસને જાણ કરતાં અપહરણનો ગુનો નોંધાયો છે. પડોશમાં જ રહેતો વાળંદ શખ્સ ભગાડી ગયાની શંકા ફરિયાદમાં દર્શાવવામાં આવી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે અપહૃત સગીરાના માતાની ફરિયાદ પરથી મોરબી રોડ ઉત્સવ સોસાયટી-૪ વિશ્વેશ્વર સ્કૂલ પાસે રહેતાં કાનો અશોકભાઇ જોટંગીયા નામના વાળંદ શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં નાની દિકરી સત્તર વર્ષ સાત મહિનાની છે. પતિ હયાત નથી. મંગળવારે ૮મીએ બપોરે બે વાગ્યા આસપાસ તેની દિકરી ઘરેથી બાજુની ડેરીએ નાસ્તો લેવા જવાનું કહીને ગઇ હતી. પંદરેક મિનીટ વીતી જવા છતાં તે ન આવતાં તેણી દિકરીને શોધવા નીકળ્યા હતાં. પરંતુ પત્તો મળ્યો નહોતો. સગા સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી હતી. પરંતુ તે મળી નહોતો.

અગાઉ તેમની દિકરીને પડોશી અશોકભાઇ જોટંગીયાના પુત્ર કાના સાથે પ્રેમસંબંધ હોઇ જે તે વખતે તેના વડિલનું ધ્યાન દોરી હવે પછી આ સંબંધ આગળ નહિ વધારવા કાનાને સમજાવાયો હતો. પરંતુ આમ છતાં તે ફોનમાં વાત કરતો હોઇ તે ભગાડી ગયાની શંકા ઉપજતાં અશોકભાઇને ફોન કરીને પુછતાં તેણે દિકરો કાનો ફાકી લેવા ગાડી લઇને ગયા બાદ આવ્યો નથી તેમ કહેતાં અને કાનાને ફોન જોડતાં તેનો ફોન બંધ આવતો હોઇ એ જ ભગાડી ગયાની શંકા દ્રઢ બની હતી.

હેડકોન્સ .એચ. જે. જોગડાએ આ મુજબની ફરિયાદ નોંધતાં પીઆઇ એમ. બી. ઓૈસુરા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)