રાજકોટ
News of Wednesday, 9th September 2020

રા. લો. સંઘમાં ફરી ભાજપના બન્ને જુથો વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ

બેય જુથની લડાઇના કારણે પાર્ટી અને સરકારની આબરૂનું ઘોવાણ : ઢાંકેચા જુથના આગેવાનોએ મુખ્યમંત્રીની મુલાકાત લીધીઃ હવે પ્રદેશ પ્રમુખને મળવાની તૈયારી

રાજકોટ, તા., ૯: રાજકોટ લોધીકા સહકારી સંઘમાં ભાજપના અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચા જુથની સતાલક્ષી લડાઇથી પાર્ટી અને સરકારની પ્રતિષ્ઠાને થઇ રહેલ  નુકશાન નિવારવા ઉપરના ઇશારા મુજબ ફરી સમાધાન માટે પ્રયાસો શરૂ થયાના વાવડ મળે છે. ઉમેદવારી વખતે થયેલું સમાધાન ગણતરીની કલાકોમાં જ હચમચી ગયા બાદ  હવે બંન્ને જુથને એકબીજા પર વિશ્વાસ રહયો નથી છતા હાઇ કમાન્ડની ઇચ્છા મુજબ સમાધાન માટે બેઠક થાય તો હાજર રહેવાની બંને જુથે તૈયારી બતાવી છે. ગઇકાલે ઢાંકેચા જુથના ટેકેદાર ગણાતા ડી.કે.સખીયા, ભાનુભાઇ મેતા, ભરત બોઘરા વગેરે મુખ્યમંત્રીને મળ્યા હતા. તેમની મુલાકાતનું સતાવાર કારણ ગમે તે દર્શાવાય પરંતુ રા.લો.સંઘનો મુદ્દો ચર્ચામાં મોખરે રહયો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તબિયતના કારણસર મળી શકેલ નહિ. તેમને ફરી મળવાનો પ્રયાસ થશે. રાજકોટના સહકારી ક્ષેત્રમાં કયા એક (સ્થાનિક) નકારાત્મક ભેજાને કારણે વિવાદ થઇ રહયા છે તેની નામજોગ અને ઉદાહરણો સાથે પ્રદેશ પ્રમુખ સમક્ષ રજુઆત કરવાની તૈયારી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ રૈયાણી જુથ પણ મુખ્યમંત્રી કક્ષાએ સંપર્કમાં છે. જરૂર પડે તો આ જુથ પણ પ્રદેશ પ્રમુખને મળશે.

 

રા.લો.સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી ટુંક સમયમાં થવા પાત્ર છે. સમાધાન છતા ૩ બેઠકો પર ચુંટણી થયેલ. સમાધાન પછી બંન્ને જુથ એક-બીજાને સતત પછાડવા પ્રયાસ કરી રહયું છે. ઢાંકેચા જુથે પોતાની રીતે રા.લો.સંઘમાં ૩ સભ્યોની નિમણુંક કરાવેલ. રૈયાણી જુથે પોતાની રીતે ત્રણેય નિમણુંક સ્થગીત કરાવી છે. પાર્ટીના જિલ્લા પ્રમુખ સામે પાર્ટીના જ ધારાસભ્યએ પાર્ટીની જ સરકારમાંથી સ્ટે મેળવ્યો તે બાબત ઝઘડાની પરાકાષ્ઠા દર્શાવે છે.  રા.લો.સંઘમાં દેખીતી રીતે ઢાંકેચા ુથ પાસે ૮ અને રૈયાણી જુથ પાસે ૭ સભ્યો છે. ઇતરમાંથી ચુંટાયેલા એક સભ્ય ગમે તે તરફ પાસુ પલ્ટાવી શકે છે. સહકારી ક્ષેત્રમાં કોઇનું વલણ કાયમી હોતુ નથી. જેની પાસે બહુમતી રહે તે ચેરમેનની ચુંટણી જીતી શકે તે સ્વભાવીક છે. અત્યારે બહુમતી માટેની જ લડાઇ છે. જો ભાજપના બે જુથોની લડાઇ ચાલુ રહે તો સહકારી ક્ષેત્ર અને પાર્ટીને મોટુ નુકશાન થાય તેમ છે. તાલુકા-જિલ્લા પંચાયતોની ચુંટણી માથે આવી રહી છે તે વખતે બંન્ને જુથોની વરવી લડાઇ પાર્ટી માટે ચિંતાજનક બની છે. અમુક સહકારી આગવેવાનોએ ફરી બંન્ને જુથને સાથે બેસાડવા માટે આશાસ્પદ પ્રયાસો હાથ ધર્યા છે. એકાદ બેઠક થઇ જાય પછી ચિત્ર સ્પષ્ટ થશે. જો સમાધાન ન થાય તો હજુ પણ નહિ ધારેલા કાવાદાવા જોવા મળશે તેમ ભાજપના વર્તુળો જણાવે છે.

(3:53 pm IST)