રાજકોટ
News of Wednesday, 9th September 2020

રાજકોટ- સૌરાષ્ટ્રનાં નામાંકિત ડો.યોગેન્દ્રભાઈ માંકડને કોરોનાઃ પત્નિ જહાનવીબેન પણ પોઝીટીવ

જહાનવીબેનની તબીયત નાજુકઃ વોકહાર્ટની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ,તા.૯: રાજકોટ સૌરાષ્ટ્રનાં નામાંકિત અને માનભર્યું સ્થાન ધરાવતા ડો.યોગેન્દ્રભાઈ માંકડ અને તેમના પત્નિ જહાનવીબેનને કોરોના પોઝીટીવ આવતા તબીબી જગત અને તેમનાં અનેક ચાહકો અને સાગઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ બંને વોકહાર્ટની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયાં જહાનવીબેન માંકડની તબીયત વધુ નાદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

જયારે ખાનગી હોસ્પિટલોની શરૂઆત થઈ ત્યારે રાજકોટ શહેરનાં સરદારનગર મેઈનરોડ પર ''પાંડુરંગ કિલનીક''નામે ડો.યોગેન્દ્રભાઈ માંકડે દર્દીઓની સારવાર શરૂ કરેલી. તેમનાં સચોટ નિદાન અને લાગણીશીલ સ્વભાવે અનેક દર્દીઓને સાજા કર્યા છે. રાજકોટ સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં ફેમેલીમાં જનરલ પ્રેકટીસનર્સ તરીકે ડો.યોગેન્દ્ર માંકડનું નામ આજે પણ માનભેર લેવાય છે. અનેક ફેમેલીનાં ડોકટર તરીકે તેઓ આજે પણ સક્રિય રહ્યા છે. મેલેરિયા, ફાલ્સીફેરમ જેવા રોગોનું નિદાન રીપોર્ટ કરાવ્યા પહેલા આપી દેવાની આવડત, હાર્ટએટેકનાં દર્દીઓના શ્વાસ પરથી તેમની તકલીફ જાણવાની તેમની માસ્ટરીએ અનેક લોકોનાં જીવ બચાવ્યા છે.

હાલ કોરોનાનાં કહેર વચ્ચે પણ ડો.યોગેન્દ્રભાઈ માંકડે દવાખાનું ચાલુ રાખેલું. કારણ તેમનાં કેટલાય પેશન્ટ આ પરિસ્થિતિમાં હેરાનગતી ન ભોગવે તે  માટે તેમણે લોકોનું નિદાન કરવાનું ચાલુ રાખેલું. હાલ લગભગ તેમની ઉંમર ૭૫ વર્ષથી વધુ છે. તેમને વર્ષો પહેલાં પગની તકલીફ થયેલી. આજે તેઓ બહુ ચાલી શકતા નથી છતાં તેઓ દર્દીઓ માટે હોસ્પિટલે આવતા હતા. ડો.યોગેન્દ્રભાઈ બેડમીન્ટનનાં ખુબ સારા પ્લેયર તેમણે અનેક ફોરેનની ડિગ્રીઓ પણ મેળવી છે. તેમને એક દીરકી છે અને લગ્ન પછી અમેરિકામાં રહે છે.

અંગત વર્તુળોમાંથી એવી પણ માહિતી મળી હતી કે જહાનવીબેન માંકડને કોરોનાની સાથે ફાઈબ્રોસીસની તકલીફ થતાં હાલ તબીયત નાજુક છે. જયારે ડો.યોગેન્દ્રભાઈ માંકડને પણ કોરોના થયો છે જો કે તેમની તબીયત સારી છે. સૌરાષ્ટ્રનાં નામાંકિત ફિઝિશ્યન ડો.યોગેન્દ્રભાઈ માંકડને કોરોનાનાં સમાચાર આવતા તેમનાં દર્દીઓ અને બહોળા ચાહક વર્ગમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે.

(4:17 pm IST)