હમણા જાન આવે છે, તમારા વાહન લઇ લ્યો...કહી રબારી ભાઇઓ પર હુમલો
સંત કબીર રોડ ગોકુલ આવાસ યોજના કવાર્ટરમાં બનાવ : સંજય અને વિરમને ઇજાઃ મેહુલ, કમલેશ, આશિષે મારકુટ કરી
રાજકોટ તા. ૯: સામા કાંઠે સંત કબીર રોડ પર રહેતાં અને દૂધનો ધંધો કરતાં રબારી યુવાન અને તેના ભાઇ પર પડોશમાં જ રહેતાં રબારી શખ્સોએ ઘર પાસે ઉભા રહેવા બાબતે ઝઘડો કરી માર મારવામાં આવતાં સારવાર લેવી પડી છે.
સંત કબીર રોડ ગોકુલ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને દૂધનો ધંધો કરતાં સંજય ગોકળભાઇ ખટાણા (ઉ.વ.૨૨)ને ઘર પાસે હતો ત્યારે પડોશમાં જ રહેતાં મેહુલ ખાંભલા, કમલેશ કળોતરા, આશિષ ઘીવડ સહિતે સ્કોર્પિયોમાં આવી ઝઘડો કરી માર મારતાં તેનો ભાઇ વિરમ ગોકળભાઇ ખાંભલા (ઉ.વ.૨૪) વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. જે પૈકી સંજયને સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો.
વિરમે જણાવ્યું હતું કે આજે આશિષના ઘરે લગ્ન પ્રસંગ હોઇ મારો ભાઇ અને હું અમારા ઘર નીચે બાઇક લઇને ઉભા હતાં ત્યારે મેહુલ સહિતે આવી અહિથી વાહન લઇ લ્યો, અહિ હમણા જાન આવશે તેમ કહેતાં તેને અમે લોકો સાઇડમાં જ ઉભા છીએ તેવું કહેતાં માથાકુટ કરી મારકુટ કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.