રાજકોટ
News of Friday, 9th December 2022

રાજકોટમાં કોંગ્રેસના બે ગેરલાયક ઠરેલા કોર્પોરેટર માટે ફેબ્રુઆરીમાં વોર્ડ નં. 15માં પેટાચૂંટણી યોજાશે

ભાજપના ડો. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા ધારાસભ્ય બની જતા હવે કોર્પોરેટર પદ ઉપર તેઓ રહેશે કે કેમ?

રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ કોંગ્રેસમાંથી આપ માં ગયેલા બે કોર્પોરેટરો વસરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈને ગેરલાયક ઠેરવ્યા બાદ  ભાજપના રનીંગ કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા વિધાનસભાની ચુંટણીમાં વિજેતા થયા બાદ ધારાસભ્યબની જતા ઉપરોક્ત ચારેય કોર્પોરેટરોની જગ્યા ખાલી થઈ જવાથી પેટા ચૂંટણી યોજાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ મુદ્દે મનપાના ચૂંટણી વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોંગ્રેસના બે ગેરલાયક ઠરેલા કોર્પોરેટર માટે વોર્ડ નં. 15માં પેટાચૂંટણી યોજાશે. જ્યારે ભાજપના બન્ને મહિલા કોર્પોરેટરો ઓફિસ ઓફ પ્રોજેક્ટ નિયમ ઉપર બન્ને પદ ઉપર ચાલુ રહી શકે તેમ હોય ફક્ત બે બેઠકની ફેબ્રુઆરી મહિનામાં પેટા ચૂંટણી યોજાવાની સંભાવના જોવાઈ રહી છે.

રાજકોટ મહાનગર પાલિકામાં થોડા સમય પહેલા કોંગ્રેસના કોર્પોરેટર વસરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં તેમને ગેરલાયક ઠેરવવા માટે દરખાસ્ત કરવામાં આવેલ. જે અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ગત માસે બન્ને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવ્યાની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે બન્ને કોર્પોરેટરો હાઈકોર્ટમાં જવાની સંભાવના જોવાઈ રહી હતી, પરંતુ આજ સુધી હાઈકોર્ટમાં અરજી થયેલ નથી તેમ જાણવા મળેલ છે.

જ્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણીની કામગીરી પૂર્ણ થતા હવે મહાનગરપાલિકાએ આ બન્ને કોર્પોરેટરોના સ્થાને નવા કોર્પોરેટર ચૂંટી કાઢવા પેટા ચૂંટણીની તૈયારી આરંભી છે.

ભાજપના ડો. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા વિધાનસભાની ચૂંટણી લડતા તેઓ વિજયી થયા બાદ ધારાસભ્ય બની જતા હવે કોર્પોરેટર પદ ઉપર તેઓ રહેશે કે કેમ? તેવી ચર્ચા જાગેલ આ મુદ્દે ચૂંટણી વિભાગે જણાવેલ કે, બન્ને કોર્પોરેટરો ઓફિસ ઓફ પ્રોફિટ નિયમ મુજબ કોર્પોરેટર અને ધારાસભ્ય પદ ઉપર ચાલુ રહી શકે છે. ફક્ત તેમને એક પદનું ભથ્થુ તેમજ લાભ મળવા પાત્ર છે. આથી હવે ફક્ત કોંગ્રેસના બે કોર્પોરેટરો ગેરલાયક થતા તેમના સ્થાને વોર્ડ નં. 15માં પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં અલગ અલગ નિયમો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલ જગ્યાઓ મુજબ એક સાથે તમામ જગ્યાએ સંભવત ફેબ્રુઆરી માસમાં પેટા ચૂંટણી યોજાશે.

(9:16 pm IST)