રાજકોટ
News of Monday, 10th May 2021

રાજકોટ જેલમાં હત્યાના ગુનાના બે પાકા કેદી અરવિંદ અને સુરેશ કાચ ખાઇ ગયા

અરવિંદના બહેન ગુજરી ગયા હોઇ ઘરેથી કોઇ તેડવા ન આવતાં માઠુ લાગ્યું: અરવિંદે સુરેશની થેલીમાંથી કાચ લીધા'તાઃ સુરેશને ખબર પડતાં પોતે ફસાઇ જશે તેવું લાગતાં ગભરાઇને તે પણ વધેલા કાચ ખાઇ ગયો : સુરેશ અગાઉ સિવિલ હોસ્પિટલની બારી તોડી ભાગી ગયો હતો

રાજકોટ તા. ૧૦: પોપટપરામાં આવેલી સેન્ટ્રલ જેલમાં અવાર-નવાર કેદીઓ કાચ ખાઇ જતાં હોવાના બનાવ બને છે. વધુ એક કિસ્સામાં હત્યાના ગુનાના બે પાકા કામના કેદીઓએ કાચ ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

અરવિંદ કેશુભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) અને સુરેશ ધનજીભાઇ મકવાણા (ઉ.વ.૩૮) બંને પાકા કામના કેદી છે. હત્યાના ગુનામાં સામેલ છે અને ભાવનગરના વતની છે. બંનેએ રાતે કાચ ખાઇ લેતાં હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ કેદી અરવિંદના બહેન ગુજરી ગયા હોઇ તેમ છતાં તેને ઘરના કોઇ લોકો તેડવા ન આવતાં તેને માઠુ લાગી ગયું હતું. કેદી સુરેશની થેલીમાં કાચ પડ્યા હોઇ તે અંગે તે જાણતો હોઇ તેમાંથી કાચ કાઢી ખાઇ લીધા હતાં.આ પછી સુરેશને પોતાની થેલીમાંથી કાચ કાઢી અરવિંદ ખાઇ ગયો હોઇ પુછતાછમાં પોતાનું નામ ખુલશે તેવો ભય લાગતાં તે પણ વધેલા કાચ ખાઇ ગયો હતો. સુરેશને અગાઉ સિવિલ હોસ્પિટલ પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો ત્યારે બારી તોડી ભાગી ગયો હતો. જો કે બાદમાં તેને થોડા દિવસ પછી પકડી લઇ ફરી જેલહવાલે કરાયો હતો.

(12:00 pm IST)