રાજકોટ
News of Saturday, 10th June 2023

માધાપર ચોક બ્રીજ : આર એન્‍ડ બીએ BRTSથી બંને તરફ જામનગર રોડ ૨ ફૂટ નીચો લઇ લેતા કોર્પોરેશન ચોંકી ઉઠયું

તાકિદે પત્ર પાઠવી રોડ ફરી ઉંચો લઇ લેવા તાકિદ : નહી તો ચોમાસામાં બેફામ પાણી ભરાશે : માધાપર અને પોપટપરાના બે મોટા વોંકળામાં સફાઇ થતાં માધાપર ચોકડીએ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્‍યા થશે હલ

રાજકોટ તા. ૯ : શહેરના માધાપર ચોકડીએ રાજ્‍ય સરકારના આર એન્‍ડ બી વિભાગ દ્વારા ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રીજના કામના કારણે બીઆરટીએસથી બંને તરફ જામનગર રોડનું લેવલ બે ફૂટ નીચુ આવતા માધાપર ચોકડીએ ફરી પાણી ભરાશે. આ રસ્‍તાનું લેવલ કરવા કોર્પોરેશને આર એન્‍ડ બી ને તાકિદ કરી છે.

આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ દર વર્ષે ચોમાસામાં માધાપર ચોકડીએ પાણી ભરાવવાની સમસ્‍યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્‍યારે મનપા તંત્ર દ્વારા પ્રી-મોન્‍સુન કામગીરી અંતર્ગત આ વર્ષે પ્રથમ વખત માધાપર અને પોપટપરાના બે મોટા વોંકળાની બાંધકામ વિભાગ દ્વારા મોટા સાધનો દ્વારા છેલ્લા બે મહિનાથી સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. વોંકળામાં પાણી ભરાવવાના કારણે વોર્ડ નં. ૧, ૨ અને ૩ના કેટલાક વિસ્‍તારોમાં ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્‍યા ઉઠવા પામે છે.

માધાપર અને પોપટપરાના બે મોટા વોંકળાની સફાઇ દરમિયાન માધાપર ચોક બ્રીજના કામે આર એન્‍ડ બી એ બીઆરટીએસ બંને તરફ જામનગર રોડ તરફનો રસ્‍તો બે ફૂટ નીચો લઇ લેવાનું ધ્‍યાને આવ્‍યું છે. જેના કારણે આ વર્ષે પણ ચોકડીએ ફરી ખૂબ પાણી ભરાવવાની શક્‍યતાઓ તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે.વરસાદ પહેલા આ રોડનું લેવલ કરવા કોર્પોરેશને આર એન્‍ડ બી વિભાગને તાકિદ કરી છે. આ રોડ ઉંચો આવ્‍યા બાદ વરસાદનું પાણી સીધુ વોંકળામાં જઇ શકે જેથી ચોકડીએ પાણી ભરાવવાની સમસ્‍યા હલ થઇ શકશે.

(5:53 pm IST)