રાજકોટ
News of Saturday, 10th June 2023

‘બ્રહ્મ વિકાસ આયોગ'ની માંગને બળવતર બનાવવા જુલાઇમાં સંમેલનઃ મોનિશ જોશી

રાજકોટ તા. ૧૦: ગુજરાત બ્રહ્મસમાજના ૭ર લાખથી વધુ ભૂદેવો છેલ્લા કેટલાય વર્ષોથી સમાજના ઉત્‍કર્ષ માટે બ્રહ્મ વિકાસ આયોગની માંગને સરકાર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઇ જવાબ આપવામાં આવ્‍યો નહીં.

આ અંગે વધુ બ્રહ્મ વિકાસ આયોગ સમિતિના કન્‍વીનર ડો. યજ્ઞેશભાઇ દવેને સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અગ્રણીઓ રૂબરૂ મળીને ગુજરાતમાં વસતા ૭ર લાખ બ્રાહ્મણોના આર્થિક, શૈક્ષણિક, સામાજીક અને સ્‍વાસ્‍થ્‍ય સંસ્‍કૃતિ ઉત્‍કર્ષ માટે બ્રહ્મવિકાસ આયોગની ફરી બ્રહ્મસમાજ દ્વારા માંગ કરવામાં આવશે.

રાજય સરકાર દ્વારા અન્‍ય જ્ઞાતિઓ જેવી કે ગુજરાત સરકાર દ્વારા ક્ષત્રિય ઠાકોર વિકાસ નિગમ, આદીવાસી જાતિ વિકાસ નિગમ, ગૌપાલક વિકાસ બોર્ડ, મુસ્‍લીમ વેલ્‍ફેર બોર્ડ જેવી સંસ્‍થાઓની રચના કરેલી છે. ત્‍યારે બ્રહ્મ આયોગની સ્‍થાપના કરવામાં આવે તેવી માંગણી બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવે છે.

વધુમાં બ્રહ્મ યુવા અગરણી અને એડવોકેટ મોનિશ જોશીએ જણાવ્‍યું કે ઘણા વર્ષોની માંગણીને સરકાર દ્વારા કોઇ પરિણામ ન આપવામાં આવતા સમસ્‍ત બ્રહ્મસમાજ ગુજરાત રાજય દ્વારા બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિની રચના કરી સરકાર સમક્ષ તાલુકા, જિલ્લા વાઇઝ આવેદન પત્ર આપી વિકાસ આયોગની માંગણી કરી છે. પરંતુ સરકાર દ્વારા સ્‍વીકારવામાં આવી નથી. જેની સામે અવાજ ઉઠાવવા જૂલાઇમાં વિશાળ સંમેલનની તૈયારી કરાઇ છે.

આંધ્રપ્રદેશ, રાજસ્‍થાનમાં બ્રાહ્મણ વેલ્‍ફેર કોર્પોરેશનની સ્‍થાપના કરવામાં આવી છે. જેમાં બ્રાહ્મણના ઉત્‍કર્ષ માટે વિવિધ યોજનાઓ હેઠળ વર્ષે રૂા. ૧પ૦ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે. વળી ગુજરાત સરકારે સતાવાર આયોગ નિગમ બનાવ્‍યા છે જેવા કે અનુસુચિત જાતિ વિકાસ નિગમ, આદિવાસી વિકાસ નિગમ, માલધારી વિકાસ બોર્ડ, મુસ્‍લિમ વેલ્‍ફેર બોર્ડ, જૈનને લઘુમતિના કાયદા પણ એજ છે.

આંધ્ર પ્રદેશ અને રાજસ્‍થાનમાં બ્રાહ્મણો માટે બ્રાહ્મણ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન છે. તે બ્રાહ્મણના ઉત્‍કૃષ્‍ટ માટે અનુદાન આપી રહેલ છે. રજીસ્‍ટર્ડ મંદિરના પુજારીઓને પગાર આપે છે તેથી એજ રીતે આવા આયોગની ગુજરાતમાં રચના થાય તો અહીંના સમુદાયને સરકારી અનુાદન દ્વારા લાભ થશે અને તેમાંથી બ્રાહ્મણ બાળકો માટે છાત્રાલયો અને અન્‍ય જરૂરી શૈક્ષણિક લાભો માટે શિષ્‍યવૃતિ માટે આથિૃક મદદ, બ્રહ્મભવન, બ્રાહ્મણ ગુરૂકુળ, કર્મકાંડ કરતા ભૂદેવોને આર્થિક મદદ વગેરે ઘણા કાર્યો માટે નાણા વાપરી શકાય છે.

સરકાર પાસે આ એક માંગ છે. આ કોઇ રાજકીય પ્રેરીત નથી' સૌ ભૂદેવોને ઉત્‍કર્ષક અને એકતા માટે આ કાર્યમાં જોડાવવા એડવોકેટ મોનિશ જોશી (મો. ૯૦૩૩૩ ૦૦૦૦૧) એ યાદીમાં અંતમાંઅ નુરોધ કર્યો છે.

(4:04 pm IST)