રાજકોટ
News of Thursday, 10th September 2020

ભગવતીપરામાં ભૂગર્ભની કુંડીમાં ત્રણ મજુર પડી ગયા : ૧ ગંભીર

ચોક અપ થઇ ગયેલી પાઇપલાઇન સફાઇ કરતી વખતે એક મજુર કુંડીમાં પડી ગયો : તેને બચાવવા બીજા બે કુંડીમાં ગયાને ત્રણેય ફસાઇ ગયા : ૧૦૮માં ત્રણેયને સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા

રાજકોટ તા. ૧૦ : શહેરના ભગવતીપરા વિસ્તારમાં આજે સવારે ભૂગર્ભ ગટરની લાઇન સાફ કરતી વખતે ત્રણ મજુર કુંડીમાં પડી જતા ત્રણેય ઘવાયા હતા. આ તમામને તાબડતોડ સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલે પહોંચાડતા ત્યાં ૧ મજૂરની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવેલ.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ ભગવતીપરા વિસ્તારના છેડે મોર્ડન સ્કુલ સામે, વિનાયક ફલેટ પાસે ભુગર્ભ ગટરની કુંડીમાં ત્રણ મજુરો ફસાયા હોવાનો કોલ ફાયરબ્રિગેડને મળતા તાત્કાલીક ફાયરબ્રિગેડની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે અગાઉ સ્થાનિક લોકોએ કુંડીમાં પડી ગયેલ ત્રણેય મજુરોને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે સારવાર માટે મોકલી આપેલ.

સિવિલ હોસ્પિટલ ખાતે બાબુભાઇ ધરજીયા (ઉ.૩૦) નામના મજુર બેભાન હાલતમાં હોઇ તેની તાત્કાલિક સારવાર શરૂ કરાયેલ. તેઓની સ્થિતિ વધુ નાજુક હોવાનું તબીબોએ જણાવેલ. જ્યારે તેના સાથી મજુરો નાગજીભાઇ ધનજીભાઇ ધરજીયા (ઉ.વ.૫૦) અને રામભાઇ તખાભાઇ લાલાણીને સામાન્ય ઇજાઓ થઇ હતી. તેઓને પણ સારવાર માટે દાખલ કરાયેલ.

આ બનાવ અંગે મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભગવતીપરા વિસ્તારના છેડે આવેલ વિનાયક ફલેટ ચોક પાસે મોર્ડન સ્કુલ સામે ભૂગર્ભ ગટરની ચોકઅપ થઇ ગયેલી પાઇપલાઇનની સફાઇ કામગીરી ખાનગી કોન્ટ્રાકટ મંગાભાઇના ઉકત ત્રણેય મજુર કરી રહ્યા હતા તે વખતે મુખ્ય કુંડીમાં ખોદાણકામ કરતી વખતે એક મજુર કંુડીમાં ઉંડે સુધી પડી જતા તેની સાથેનો અન્ય બે મજુરો તેને બચાવવા કંુડીમાં ઉતર્યા પરંતુ તેઓ પણ કુંડીમાં ફસાઇ જતાં અંદર ગુંગણામળ થવા લાગી અને શરીરે નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.

આ દરમિયાન સ્થાનિક લોકોએ ત્રણેયને બહાર કાઢી અને ૧૦૮ બોલાવી ત્રણેયને સારવાર માટે દાખલ કરી દીધા હતા.

(તસ્વીર : અશોક બગથરીયા)

(2:57 pm IST)