રાજકોટ
News of Thursday, 10th September 2020

ગાંધીગ્રામના રમેશભાઇ બારોટનું પડવલાથી રાજકોટ આવતી વખતે અકસ્માતમાં મોત

પોતાના સ્ક્રેપના ડેલેથી બાઇક હંકારી ઘરે આવતા'તા ને કોઠારીયા-ખોખડદળ વચ્ચે રિક્ષાએ ઠોકરે ચડાવ્યાઃ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામમાં રહેતાં સ્ક્રેપના ધંધાર્થી બારોટ પ્રોૈઢનું પડવલાથી રાજકોટ વચ્ચે કોઠારીયા-ખોખડદળ નજીક વાહન અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ગાંધીગ્રામ મિલન પાર્ક-૧માં રહેતાં રમેશભાઇ જાગાભાઇ બારોટ (ઉ.વ.૫૨) ગઇકાલે પડવલા ગામે આવેલા પોતાના પ્લાસ્ટીકના સ્ક્રેપના ડેલેથી બાઇક હંકારી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં કોઠારીયા અને ખોખડદળ ગામ વચ્ચેના રસ્તા પર એક રિક્ષાની ઠોકરે બાઇક ચડી જતાં રમેશભાઇ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે હોસ્પિટલ મારફત આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રમેશભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોલીસે અકસ્માત સર્જનાર રિક્ષા ચાલક અંગે તપાસ શરૂ કરી છે.

(11:51 am IST)