રાજકોટ
News of Thursday, 10th September 2020

ત્રેપન કવાર્ટરમાં પારકી પરણેતર સાથે ફોનમાં વાત કરતાં માહિર પર હુમલો

યુવાનને મહિલાના પતિ સહિત ચાર જણે છરી-ધોકા-તલવારથી ઘાયલ કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૯: પોપટપરા ત્રેપન કવાર્ટરમાં રહેતાં મુસ્લિમ યુવાનને તે એક મુસ્લિમ પરિણીતા સાથે ફોનમાં વાત કરતો હોવાની બાબતમાં પરિણીતાના પતિ સહિતે આવી ધોકા-છરી-તલવારથી હુમલો કરી ઇજા પહોંચાડતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

પોલીસે આ અંગે પોપટપરા માઉન્ટેન પોલીસ લાઇન પાછળ ત્રેપન કવાર્ટર શેરી નં. ૨માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં માહિર યુનુસભાઇ ગોરી (સિપાહી) (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી ત્રેપન કવાર્ટરના જ અરબાઝ કુરેશી, રમીઝ કુરેશી, અજાન શેખ અને ઇમરાન સામે ગુનો નોંધ્યો છે.

માહિરે ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે સાંજે તે ઘર પાસે ચોકમાં બેઠો હતો ત્યારે અબાઝ અને તેના ભાઇ રમીઝ અને માસીના દિકરા અઝાન તથા ઇમરાને આવી 'તું કેમ મુસ્કાનને ફોન કરીને હેરાન કરે છે, જો તારે મુસ્કાન સાથે કોઇ પ્રકારના સંબંધ હોય તો તું ભુલી જજે, હવે તેને ફોન કરતો નહિ' તેમ કહેતાં તેણે મુસ્કાનબેનના પતિ અરબાઝ કુરેશીને કહેલ કે પોતે તેણીને ફોન કરતો નથી. તે સામેથી ફોન કરે છે.

આ પછી તેના માતા-પિતાએ મળી અરબાઝ સાથે સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ પણ ચારેયએ મળી છરી, ધોકા, તલવારથી હુમલો કરતાં માહિરને શરીરે ઇજાઓ થઇ હતી. તેણે બચાવો બચાવોની બૂમો પાડતાં તેના બાપુજી આવી ગયા હતાં અને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)