રાજકોટ
News of Thursday, 10th September 2020

પૈસાની લેતીદેતીમાં સમરસ કોવિડના વોર્ડ બોય દિપકને ચાર શખ્સોએ ધોકાથી ફટકાર્યો

સહકારનગર રોડ પર વડલા નીચે બનાવઃ યુવાનના પિતાએ અગાઉ પૈસા લીધા'તાઃ ઉઘરાણી મામલે નિરવ ગોહેલ, વિશાલ ગોહેલ અને બે અજાણ્યા તૂટી પડ્યાની ફરિયાદ

રાજકોટ તા. ૯: સહકાર નગર મેઇન રોડ પર ગાયત્રીનગર શાક માર્કેટવાળી શેરીમાં બાલાજી કૃપામાં ભાડેથી રહેતાં અને સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતાં દિપક કિશોરભાઇ પરમાર (ઉ.વ.૨૪) નામના દરજી યુવાન પર સહકાર રોડ પર વડલા નીચે ચાર શખ્સોએ હુમલો કરી ધોકાથી અને ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.

ભકિતનગર પોલીસે દિપકની ફરિયાદ પરથી પુનિત સોસાયટી સુતા હનુમાનવાળી શેરીમાં રહેતાં નિરવ બિપીનભાઇ ગોહેલ અને વિશાલ બિપીનભાઇ ગોહેલ તથા બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. દિપકના કહેવા મુજબ તે હાલ સમરસ કોવિડમાં વોર્ડ બોય તરીકે નોકરી કરે છે. તેના પિતાએ અગાઉ નિરવ પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. આ રકમ ભરપાઇ કરી દીધી હતી. હવે વધુ વ્યાજ આપવાની ના પાડતાં ઝઘડો કરી પોતાના પર નિરવ, વિશાલ અને બે અજાણ્યાએ ધોકાથી હુમલો કરી બંને પગે ઇજા કરી હતી અને શરીરે ઢીકા-પાટુ મારી ગાળો દીધી હતી. એએસઆઇ એસ.વી. ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)