રાજકોટ
News of Thursday, 10th September 2020

ગુજસીટોક કાયદાને પડકારતી રીટમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા એડવોકેટ જનરલને નોટીસ અપાતા ચકચાર

રાજકોટમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમના કાયદા હેઠળ ફરીયાદ થયેલ

રાજકોટ તા. ૧૦: ગુજરાત આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) કાયદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારતી અરજી દાખલ થતાં હાઇકોર્ટે એડવોકેટ જનરલને નોટીસ ફટકારતાં ચકચાર જાગી છે.

રાજકોટમાં સૌ પ્રથમ વાર થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુજરાત આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ અધિનિયમ (જી.ટી.સી.ઓ.સી.) કાયદા મુજબની ફરીયાદ થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઇ. જી. એમ. હડીયા દ્વારા દાખલ કરવામાં આવેલ જેમાં ઇમ્તીયાસ ઉર્ફે લાલો ભીખુભાઇ સહીતના ૧૧ લોકો સામે ફરીયાદ નોંધેલ જેમાં પોલીસ દ્વારા અમુક આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જેલ હવાલે કરવામાં આવેલ હતા.

આ કામમાં મહમદ હુશેન ઉર્ફે મમુ જહાંગીરભાઇ મકરાણી (બ્લોચ) નું નામ આ ફરીયાદમાં આરોપી તરીકે દર્શાવેલ હતું જેથી મમુ મકરાણીએ રાજકોટના એડવોકેટ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિરાટ પોપટ તથા ભગીરથસિંહ ડોડીયા મારફત સદરહું કાયદાને પડકારતી રીટ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલ અને હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવેલ કે આ કાયદો ગેરબંધારણીય છે, વ્યકિતના બંધારણીય અધિકારોનું હનન કરે છે. અને આ કાયદો અમલમાં આવ્યાની તારીખ પહેલાના ગુન્હાઓ ધ્યાને લઇ શકાય નહીં તથા આ કાયદામાં જામીનની કોઇ જોગવાઇ નથી તથા દશ વર્ષ દરમ્યાન થયેલા ગુન્હાઓ સંબંધે આ કાયદા નીચે ફરીયાદ નોંધવામાં આવે છે તથા પોલીસ અધિકારીઓને ફોન ટેપીંગની સત્તા આપવામાં આવે છે, પોલીસ અધિકારી સમક્ષ આપેલ નિવેદન પુરાવામાં ગ્રાહ્ય રહે છે જે તમામ બાબતો ગેરબંધારણીય છે અને વ્યકિતના બંધારણ મુજબના આરોપીના અધિકારો ઉપર તરાપ મારવા સમાન છે તથા આ કાયદાની જોગવાઇનો જો અમલ કરવામાં આવે તો ભારતીય બંધારણની જોગવાઇઓનો સ્પષ્ટપણે ભંગ થાય છે.

કાયદાની જોગવાઇઓની રજુઆતો કરી જુદા જુદા હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ ઉપરાંત જણાવેલ કે આ કાયદાને અગાઉ રાષ્ટ્રપતીઓ દ્વારા સંમતી આપવામાં આવેલ નહીં અને આ કાયદા પરત મોકલેલ હતો ત્યારબાદ સને-ર૦૧૯ માં આ કાયદાને રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી આપવામાં આવેલ હતી.

આ કાયદામાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ અને ઓર્ગેનાઇડઝ સીન્ડીકેટના સભ્યો વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવે છે. આ બાબતથી નારાજ થઇ આ ફરીયાદને તથા કાયદાને પડકારતી રીટ અરજદાર મહમદ હુશેન ઉર્ફે મમુ જહાંગીરભાઇ મકરાણી (બ્લોચ) દ્વારા દાખલ કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટની ડીવીઝન બેન્ચ દ્વારા એડવોકેટ જનરલને નોટીસ કરી સરકારને જવાબ દેવા તાકીદ કરેલ છે.

આ કામમાં આરોપી તરફે નામદાર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, કુલદીપભાઇ ચૌહાણ, ખોડુભા સાકરીયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:56 pm IST)