રાજકોટ
News of Thursday, 10th September 2020

પતિ-પત્નિ બંને એચઆઇવીગ્રસ્તઃ પત્નિએ જોડીયા સંતાનને જન્મ આપ્યો

સિવિલ હોસ્પિટલમાં તબિબોએ ડિલીવરી કરાવીઃ કલેકટર રેમ્યા મોહને નવજાત બાળકો અને માતાની સારસંભાળ માટે સુચના અપાવી

રાજકોટ તા. ૯: શહેરના એચઆઇવી ગ્રસ્ત પતિ-પત્નિને ત્યાં ખુશીનો સાગર ઘુઘવ્યો છે. પત્નિએ શહેરની સિવિલ હોસ્પિટલમાં જોડીયા સંતાન એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપતાં આ બંને દંપતિ ખુશખુશાલ બન્યું છે. નવજાત બંને બાળકની તબિયત ટનાટન છે. આ બાળકોની અને પ્રસુતા માતાની કોરોના કાળમાં ખાસ સારસંભાળ રાખવામાં આવે તે માટે કલેકટર રેમ્યા મોહને સુચનાઓ અપાવી હતી.

શહેરમાં રહેતી એક સગર્ભાને પ્રસુતિ માટે સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. કોરોના મહામારી ચાલી રહી હોઇ તેની પ્રસુતિ સલામત રીતે થાય તે માટે તબિબોની ટીમે ખાસ ખ્યાલ રાખ્યો હતો. વળી આ સગર્ભા ને અને તેના પતિને એચઆઇવી હોવાનું પણ તબિબોને માલુમ પડ્યું હોઇ સગર્ભાને કોઇ તકલીફ ન પડે તે માટે ખાસ ધ્યાન રખાયું હતું. તેણીએ બે બાળકો એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપતાં તે અને પતિ ખુશખુશાલ થઇ ગયા છે. કલેકટરશ્રી રેમ્યા મોહનને જાણ થતાં નવજાત બાળકો અને પ્રસુતા માતાને તમામ સારસંભાળ મળી રહે તે માટે યોગ્ય કરાવવા સુચના આપતાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વ્યવસ્થા કરાવી હતી.

(3:06 pm IST)