રાજકોટ
News of Thursday, 10th September 2020

હલેન્ડામાં એક જ રાતમાં ત્રણ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો : રિવોલ્વર અને કાર્ટીસ કબ્જે

સુત્રધાર રણજીત ઉર્ફ કરો ચોરીના ૧૬ ગુનામાં અને તેનો ભાઇ વિક્રમ ઉર્ફ વિકુની ૧૩ ગુનામાં સંડોવણીઃ બંનેએ જેને ચોરાઉ રિવોલ્વર, કાર્ટીસ અને મોબાઇલ ફોન વેંચવા આપ્યા હતાં તે માસીયાઇ ભાઇ અનિલ ઉર્ફ હિતેષ વાજેલયા પકડાયો : પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમની મયુરભાઇ પટેલ, કુલદિપસિંહ જાડેજા તથા નગીનભાઇ ડાંગરની બાતમી પરથી કામગીરી : દિવસે રણજીત અને વિક્રમ બળદગાડુ લઇ ગામડામાં બળદ, બકરા, ઘોડાના વેપારીનો સ્વાંગ રચી રેકી કરવા જતાં અને રાતે ચોરી કરતાં

ડીસીપી પ્રવિણકુમાર મીણા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ ધાખડા, પીએસઆઇ જોગરાણા અને પીએસઆઇ રબારી તથા ટીમ અને મુદ્દામાલ સાથે પકડાયેલો અનિલ ઉર્ફ હિતેષ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: હલેન્ડામાં ગયા મહિને એક જ રાતમાં ત્રણ મકાનોમાં ચોરી અને ચોરીના પ્રયાસનો ગુનો બન્યો હતો. ક્રાઇમ બ્રાંચે આ ભેદ ઉકેલી નાંખ્યો છે. બે રીઢા તસ્કર ગોંડલના વાસાડના રણજીત ઉર્ફ કરો ધીરૂભાઇ સોલંકી તથા વિક્રમ ઉર્ફ વિકુ ધીરૂભાઇ સોલંકીએ આ ચોરી કરી હોવાનું ખુલ્યું છે. એક મકાનમાંથી આ બંનેએ પરવાનાવાળી રિવોલ્વર અને દસ કાર્ટીસ પણ ચોરી કર્યા હતાં. પોલીસે આ મુદ્દામાલ તેમજ મોબાઇલ ફોન સાથે હાલ હુડકો ચોકડી સર્વિસ રોડથી ગોંડલ રોડ ચોકડી તરફ જતાં મામાપીરના મંદિર નજીક રહેતાં મુળ વાસાવડના અનિલ ઉર્ફ હિતેષ સુરેશભાઇ વાજેલીયા (દેવીપૂજક) (ઉ.૩૫)ને ગોંડલ ચોકડીથી કોઠારીયા ચોકડી વચ્ચેના રસ્તા પરથી દબોચી લીધો છે. આ બંને તસ્કરોનો સગા માસીનો દિકરો થાય છે.

હલેન્ડામાં ગયા મહિને ત્રણ મકાનમાં ચોરી થઇ હતી અને સહકારી મંડળીમાં ચોરીનો પ્રયાસ થયો હતો. એક મકાનમાંથી પરવાનાવાળી રિવોલ્વર અને દસ કાર્ટીસ પણ ચોરાતાં આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. વાસાવડના રીઢા તસ્કર બંધુએ ચોરી કર્યાનું અને તેણે ચોરેલા માલ પૈકીની રિવોલ્વર, કાર્ટીસ તથા ત્રણ મોબાઇલ ફોન પોતાના માસીયાઇ ભાઇ અનિલ ઉર્ફ હિતેષ વાજેલીયાને વેંચવા આપ્યાની બાતમી મયુરભાઇ પટેલ, કુલદીપસિંહ જાડેજા તથા નગીનભાઇ ડાંગરને મળતાં પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમે અનિલને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે માસીયાઇ ભાઇઓ ગોંડલના વાસવાડમાં રહેતાં રણજીત ઉર્ફ કરો ધીરૂભાઇ સોલંકી (ચારોલીયા) તથા વિક્રમ ઉર્ફ વિકુ ધીરૂભાઇ સોલંકી ચોરાઉ રિવોલ્વર, કાર્ટીસ અને ત્રણ મોબાઇલ ફોન વેંચવા આપી ગયાનું અને એક લોખંડનો ગણેશીયો પણ મુકી ગયાનું કબુલતાં આ મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

સુત્રધાર રણજીત ઉર્ફ કરો અને વિક્રમ ઉર્ફ વિકુ હાથમાં આવ્યા હતાં. આ બંને દિવસના સમયે બળદગાડામાં બેસી જે તે ગામમાં બળદ, બકરા કે ઘોડા વેંચવાના બહાને વેપારીનો સ્વાંગ રચીને રેકી કરવાની અને રાતે બંધ મકાનમાં ચોરી કરવાની ટેવ ધરાવે છે. આ રીતે બંનેએ ડઝન-ડઝન ગુના આચરેલા છે. ક્રાઇમ બ્રાંચે અનિલ પાસેથી રૂ. ૬૫ હજારની રિવોલ્વર, ૧ હજારના કાર્ટીસ અને ત્રણ મોબાઇલ ફોન તથા ગણેશીયાો, ડીસમીસ મળી રૂ. ૭૫૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બંને ભાઇઓ બંધ મકાનના દરવાજાના નકુચા તાળા ગણેશીયા, ડીસમીસથી તોડીને મકાનમાં ઘુસવાની ટેવ ધરાવે છે. એક જ જગ્યાએ રહેતા નથી. સતત રહેણાક બદલતા રહે છે. ગામના ખરાબામાં મુખ્ય માર્ગથી અંદરના ભાગે રોકાય છે. જેથી ગામમાંથી કોઇ બહાર આવે તો નજરે પડી શકે. રાત્રે જ ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે. આંતર જીલ્લા તસ્કર તરીકે બંને કુખ્યાત છે.

રણજીત ઉર્ફ કરો સામે કાલાવડ, પાટણવાવ, કોટડા સાંગાણી, બીલખા, મેંદરડા, કેશોદ, ચાણસ્મા, ઉમરાળા, ધ્રાંગધ્રા, જસદણ, દામનગર, સાવરકુંડલામાં ચોરીના ૧૬ ગુના નોંધાયા છે. જ્યારે વિક્રમ ઉર્ફ વિકુ સામે બીલખા, કોટડા સાંગાણી, કેશોદ, ભાડલા, દામનગર, બરવાળા, જસદણ, ગોડલ, મેંદરડા સહિતના ગામોમાં ચોરીના ૧૩ ગુના નોંધાયા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા સહિતે આ કામગીરી કરી હતી.

ટીમને ૧૫ હજારનું ઇનામ ડિટેકશન કરનારી ટીમને પોલીસ કમિશનરે પંદર હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

(4:01 pm IST)