રાજકોટ
News of Thursday, 10th September 2020

પેરોલ જંપ કરી ભાગતો ફરતો હત્યાના ગુનાનો આરોપી ગોપાલસિંહ પકડાયો

ક્રાઇમ બ્રાંચે રામરણુજા સોસાયટીમાંથી પકડી લીધોઃ ૨૦૧૬માં લીંબડીમાં મિત્રની હત્યા કરી હતી

રાજકોટ તા. ૯: સુરેન્દ્રનગરના લીંબડીમાં વર્ષ ૨૦૧૬માં હત્યાના ગુનામાં સંડોવાયેલો ગોપાલસિંહ વનરાજસિંહ રાણા (ઉ.વ.૨૬-રહે. ભલગામડા તા. લીંબડી, રહે. હાલ રામરણુજા સોસાયટી-૪, કોઠારીયા રોડ)ને તે જેલમાંથી પેરોલ રજા મળ્યા બાદ રજા પુરી થવા છતાં હાજર થયો ન હોઇ અને ભાગતો ફરતો હોઇ તેને ક્રાઇમ બ્રાંચે તેના ઘર નજીકથી પકડી લીધો છે.

હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા અને કોન્સ. દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી ગોપાલસિંહને પકડી લેવાયો છે. કોવિડ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે. વર્ષ ૨૦૧૬માં હરનાથસિંહ અનિરૂધ્ધસિંહ રાણા હું લીંબડી જાવ છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ બે દિવસ સુધી તેનો પત્તો ન માળતાં તપાસ કરતાં લીંબડી સુરેન્દ્રનગર હાઇવે પર ગેબનશાપીરની દરગાહ પાછળથી તેની હત્યા કરાયેલી લાશ મળી હતી.

આ ગુનામાં લીંબડી મામત ચોકમાં રહેતાં ગોપાલસ્િંહ રાણાની ધરપકડ થઇ હતી. તે અને હરનાથસિંહ બંને મિત્રો હતાં. દારૂ પીધા બાદ બોલાચાલી થતાં હરનાથસિંહને ગોપાલસિંહ પોતાની જ રિક્ષામાં બેસાડી લઇ ગયેલ અને માથામાં ચીનાઇ માટીની ડીસ ફટકારી હત્યા કરી હતી. ગોપાલસિંહને ગત ૩૦/૭/૧૭ના રોજ સુરેન્દ્રનગરથી રાજકોટ જેલમાં મોકલાયો હતો. અહિથી ૨૯/૨/૨૦ના રોજ પેરોલ મળ્યા હતાં. ૮/૩ના પેરોલ પુરા થયે તે હાજર થયો નહોતો. પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, વિક્રમભાઇ ગમારા, અંશુમાનભાઇ ગઢવી, કોન્સ. પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા અને જીજ્ઞેશ મારૂએ આ કામગીરી કરી હતી.

(4:04 pm IST)