રાજકોટ
News of Thursday, 10th September 2020

'જુગ જુગ જીવો નરેન્દ્રભાઇ' : શહેર ભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' સ્વરૃપે ઉજવાશે જન્મ દિવસ

મેયર બંગલે મળી બેઠક : સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ, દિવ્યાંગોને સાધન સહાય સહીતના કાર્યક્રમોની રૃપરેખા તૈયાર

રાજકોટ : આગામી ૧૭ સપ્ટેમ્બરના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ હોય પ્રદેશ ભાજપની યોજના મુજબ 'સેવા સપ્તાહ' તરીકે ઉજવણી કરવા શહેર ભાજપ દ્વારા આયોજન કરાયુ છે. જેની તૈયારી અર્થે મેયર બંગલે એક બેઠક શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં મળી હતી. ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ડે. મેયર અશ્વિન મોલીયા, ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી વગેરે તેમજ અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારીએ કરેલ. જયારે સાંધિક ગીત મનીષ ભટ્ટે રજુ કરેલ. સપ્તાહભર કાર્યક્રમોની વિગતો જાહેર કરાઇ હતી. જેમાં તા. ૧૪ થી ૧૭ સુધી દરેક વોર્ડમાં જરૃરીયાતમંદ દિવ્યાંગ લોકોને સાધન સહાય, વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ, માસ્ક વિતરણ, રકતદાન કેમ્પ, નોન કોવિડ હોસ્પિટલોમાં ફ્રુટ વિતરણ સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા  છે.  સમગ્ર બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી અને પી. નલારીયને જહેમત ઉઠાવી હતી.

(4:14 pm IST)