રાજકોટ જિલ્લા ભાજપમાં એક પછી એક વિવાદો સળગે છે
પડધરી ભાજપમાં ભડકોઃ તાલુકા પ્રમુખનું રાજીનામુ
હઠીસિંહ કહે છે પાર્ટીને વફાદાર રહયો છુ અને રહીશ, મોહનભાઇના કહેવાથી રાજીનામુ
રાજકોટ તા. ૧૧ :.. જિલ્લા ભાજપમાં એક પછી એક વિવાદો થતા રહે છે. કોટડા સાંગાણી સંગઠનની નિમણુકનો મામલો ટાઢો પડયો ત્યાં પડધરી તાલુકા ભાજપમાં વિવાદ વકર્યો છે. તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાએ પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અન્ય હોદેદારો પણ રાજીનામા આપે તેવી શકયતા છે. તાલુકા સંગઠનની નવેસરથી રચનાનો માર્ગ ખૂલ્લો થઇ રહ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણી વખતની અમૂક લોકોની ભૂમિકા અંગે પ્રદેશ સુધી ફરીયાદો પહોંચી છે. જૂથવાદ ચરમસીમાએ છે.
હઠીસિંહ જાડેજાએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે દાયકાઓથી ભાજપને વફાદાર રહી નિષ્ઠાથી કામ કર્યુ છે. પાર્ટીને કાયમ વફાદાર રહીશ. આ વખતે તાલુકા પંચાયત ભાજપની બની છે. જિલ્લા પંચાયતની એક બેઠક મળી છે. બીજી બેઠક ઉમેદવાર પસંદગીમાં ભૂલને લીધે ગઇ છે. મોહનભાઇ કુંડારીયાના કહેવાથી હું આજે જ જિલ્લા પ્રમુખને રાજીનામું આપી રહયો છું. મોહનભાઇએ રાજીનામું શા માટે માંગ્યુ તે મને ખબર નથી.