રાજકોટ
News of Friday, 11th June 2021

વીજચોરીના ગુનામાં કારખાનાનાં માલીકની આગોતરા જામીન અરજી રદ કરતી સેસન્સ કોર્ટ

રાજકોટ, તા.૧૧: અદાલતે અલગ ડીવાઇસથી વીજચોરી કરતા કારખાના માલીકની આગોતરા જામીન અરજી ફગાવી દેતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રહિશ ચીરાગભાઇ મહેશભાઇ કમાણી કે જેઓ બહાલી હોલ પાસે પોતાનું કારખાનું ધરાવે છે ત્યાં આગળ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરતા, આરોપીનું વીજમીટર કબ્જે કરેલ હતું. તેમજ ફરી વખત પણ આરોપીનું વીજમીટર કબજે કરેલ હતું. મીટરની ડીસપ્લે બંધ હતી. જેથી બંને વખત મીટર બદલાવી નવુ મીટર મુકેલુ ત્યારબાદ મીટલ લેબ.માં ચેક કરી મીટર બનાવતી કંપનીમાં એક્ષપોર્ટ ઓપીનીયન લેવા મોકલેલ જયાંથી એવો સ્પષ્ટ અભિપ્રાય આવેલ કે, એક્ષટનર્લ ડીવાઇસ લગાડી વીજચોરી કરેલ છે. આ અગાઉ પણ અરજદાર ચીરાગ મહેશભાઇ કમાણીએ તેના કારખાનાની જગ્યામાં રૂમની અંદર સામેની દિવાલ ઉપર જમણી બાજુએ એક પેટી તથા અંદર મીટર લાગેલ હતું. મેઇન સર્વીસ કેબલ ૧૫૦ એમ.એમ.૨નો છે. મીટરની પેટીની સામે એક સ્ટીલનો ઘોડો રાખેલ તથા કાચની બરોબર સામે એક ઓટ્રો ટ્રાન્સફોર્મર જેવી ડીવાઇસ રાખી ચોરી કરતા પકડાતા વીજચોરીનું બીલ આપેલ હતું. જેથી જી.ઇ.બી.પોલીસ સ્ટેશને આરોપી સામે વીજચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ હતી.

આ કેસમાં આરોપીએ રાજકોટની સ્પે.અદાલતમાં આગોતરા જામીનની અરજી કરેલ સદરહું અરજીની સુનવણી ન્યાયમૂર્તિ અને સ્પે. કોર્ટના જજ શ્રી હિરપરાની અદાલતમાં થતા, પી.જી.વી.સી.એલ તરફે એડવોકેટ શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી તથા સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનીલભાઇ ગોગીયાની દલીલને ધ્યાને લીધેલ તેમજ સર્વોચ્ચ અદાલતે પ્રતીપાદીત કરેલ સિધ્ધાંતને ધ્યાને લઇ ન્યાયમૂર્તિ શ્રી હિરપરા સાહેબ આરોપીની આગોતરા જામીનની અરજી ના મંજુર કરેલ હતી.

સદરહું આગોતરા જામીનની અરજીમાં પી.જી.વી.સી.એલ તરફે નાયબ ઇજનેર શ્રી એમ.એમ.ગોહિલનું સોગંદનામુ કરવામાં આવેલ હતું. જેની અંદર તમામ હકિકતો જણાવેલ હતી. આરોપીને વીજચોરીનું રૂ૨૧,૪૨,૧૮૫-૪૩ તથા રૂ૫૧,૩૭,૪૪૯-૦૨ પૈસાનું બીલ આપેલ હતું. ન્યાયમૂર્તિશ્રીએ જણાવેલ કે, આરોપી દ્વારા રાજયની તીજોરીને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન કરેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે ફલીત થાય છે. તેવા સંજોગોમાં અરજી નામંજુર કરવામાં આવેલ.

આ કામમાં મુળ ફરીયાદીની પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ.મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનીલભાઇ ગોગીયા રોકાયેલા હતા.

(3:18 pm IST)