રાજકોટ
News of Friday, 11th June 2021

રાજકોટમાં પોલીસ અધિકારીની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના કેસમાં આરોપીઓને ત્રણ વર્ષની સજા

રાજકોટ, તા., ૧૧: રાજકોટના પોલીસ અધિકારી પર હુમલો કરવાના તથા ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં આરોપીઓને ૩ વર્ષની સખત કેદની સજા કોર્ટે ફરમાવી રૂ પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

સદર કેસની હકીકત એવી છે કે આ કામના આરોપીઓ ભુપતભાઇ મલાભાઇ બાંભવા તથા સંજય ભુપતભાઇ બાંભવાનાઓએ તા.ર૩-૬-૧૬ના રોજ ફરીયાદી આસીસ્ટન્ટ સબ ઇન્સપેકટર ભીખાભાઇ ફકીર મહંમદ પરમારનાઓએ આરોપીના દીકરાની ઇકો કાર નં. જી.જે. ૩ એફ.કે. પ૦ં૯૬ વાળી રોકી લાઇસન્સ ન હોવાના કારણે કાયદેસર ડીટેઇન કરતા આ કામના આરોપીઓએ ફરીયાદી સાથે જપાજપી કરી ધક્કો મારી નીચે પછાડી દઇ ફરીયાદીને પોતાની કાયદેસરની ફરજ બજાવા રૂકાવટ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ.

ફરીયાદીએ બી ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવેલી. જેના આધારે ચાર્જશીટ થતા સદર કેસ ન્યાયધીશ શ્રી એમ.એસ.અમલાણીની કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષના મૌખીક તથા દસ્તાવેજી પુરાવાના આધારે તથા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાના પ્રસ્થાપીત સિધ્ધાંતોને ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીઓને ૩ વર્ષની સખત કેદની સજા અને રૂપીયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો પણ હુકમ ફરમાવેલ છે.

કોર્ટે વધુમાં ખાસ એ પણ નોંધ્યું છે કે આરોપીઓ સામે જે ગુનો પુરવાર થયેલ છે તે સમાજ વિરોધી ગુનો છે. સમાજમાં પોલીસ  અધિકારીઓ કોઇ પણ વાર તહેવાર કે રજા જોયા વગર સમાજ માટે તથા દેશ માટે પોતાનો જીવ જોખમમાં મુકી પોતાની ફરજ હર હંમેશ બજાવતા હોય છે. તેમાં આ પ્રકારના લોકો પોલીસ અધિકારીઓ ઉપર ફરજમાં રૂકાવટ કરે અને તેઓ પર હુમલો કરે તે બાબતે દયા દાખવી શકાય નહી. એક પોલીસ અધિકારી ઉપર હુમલો કરવો એ ખુબ જ ગંભીર બાબત છે. જેના આધારે ન્યાયાધીશશ્રી એમ.એસ.અમલાણીએ બંને આરોપીઓને ૩ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે.

(3:19 pm IST)