રાજકોટ
News of Friday, 11th June 2021

રામનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી પૂર્ણ કરવા ૧૦ સંસ્થાઓની ઉગ્રમાંગ

તંત્ર પાંચ વર્ષથી માત્ર વાતો જ કરે છેઃ કલેકટરને આવેદન પાઠવાયુ

કનૈયા ગ્રુપના હોદેદારોએ શ્રી રામનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી પૂર્ણ કરવા કલેકટરશ્રીને તથા મ્યુ. કમિશ્નરશ્રીને આ વેદનપત્ર પાઠવ્યુ તે વખતની તસ્વીર

રાજકોટ, તા. ૧૧ :. શહેરના ગ્રામદેવતા શ્રીરામનાથ મહાદેવના મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી બનાવવા કનૈયા ગ્રુપ સહીત ૧૦ થી વધુ સંસ્થાઓએ આજે જીલ્લા કલેકટર તથા મ્યુ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર માંગ ઉઠાવી હતી.

આ આવેદનમાં જણાવાયુ છે કે, લોકમાતા આજીમાતાની મધ્યે બિરાજમાન સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિર આવેલ છે. જે મંદિર પર લાખો લોકોની આસ્થા છે. લાખો લોકો દર્શન માટે આવે છે, તો મંદિરના નવનિર્માણનું કાર્ય ૫ વર્ષ પહેલા શરૂ કરેલ હતુ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ કામનું ખાતમુહુર્ત થયુ હતું.

પરંતુ આટલા વર્ષો વીતી ગયા ગ્રાન્ટ ફાળવાય ગઈ છતા પણ મંદિરનું નિર્માણ કાર્ય કાચબા ગતિએ ચાલી રહ્યુ છે તે અન્યાયી છે કેમ કે જો ખંઢેરી સ્ટેડીયમ ૨ વર્ષમાં થઈ શકે, નવુ બસ સ્ટેન્ડ ૧.૫ વર્ષમાં થઈ જાય, નવા બ્રીજ ૧ વર્ષમાં થઈ શકે તો આ મંદિરનું કાર્ય આટલા વર્ષોથી પૂર્ણ કેમ નથી થતુ ? તેવોે સવાલ ઉઠે છે. લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમાન મંદિરના નવનિર્માણ કાર્ય ઝડપથી શરૂ થઈ પૂર્ણ થાય તેવી માંગણી છે.

ઉપરોકત આવેદનપત્ર શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન-રામનાથ, ગૌ રક્ષા દળ-ગુજરાત, કનૈયા ગ્રુપ બેડીપરા-રાજકોટ, એકતા એજ લક્ષ્ય, હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ, સાર્વજનિક સેવા સમિતિ-રાજકોટ, ઓમ સાંઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી કોઠારીયા નાકા મામાસાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ, કુમ કુમ વગેરે દ્વારા કલેકટરશ્રી તથા મ્યુ. કમિશ્નરને પાઠવી મંદિર નિર્માણનુ કાર્ય ઝડપી બનાવવા માંગ ઉઠાવી છે.

(3:56 pm IST)