રાજકોટ
News of Saturday, 11th June 2022

પડવલામાં ચોરીનું આળ મુકી કારખાનેદારે પટ્ટાથી ફટકારતાં ઘવાયેલા એમપીના સોનુનું મોતઃ બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

અઠવાડીયા પહેલા યોટી ક્‍વાર્ટઝ નામના કારખાનાના માલિક વિજય પટેલે બેફામ ફટકાર્યો હતોઃ રાતે રાજકોટ હોસ્‍પિટલમાં મોતઃ શાપર પોલીસે આરોપીને સકંજામાં લીધોઃ મૃતક સોનુના માતાને પણ ગાળો દીધી હતીઃ

રાજકોટ તા. ૧૧:શાપરના પડવલા ગામે રહેતાં અને ત્‍યાં પાવડર કોટીંગના કારખાનામાં કામ કરતાં મુળ મધ્‍યપ્રદેશના વ્‍યાલય ગામના સોનુ મહેશભાઇ આહિરવાર (ઉ.વ.૧૯) નામના યુવાન પર અઠવાડીયા પહેલા કારખાનામાંથી રોકડ ચોરી લીધાનું આળ મુકી કારખાનેદારના ભાઇ વિજય પટેલે ધાતુના બક્કલવાળા કમરપટ્ટાથી બેફામ મારતાં શરીરે મુંઢ ઇજાઓ થઇ હતી અને ડાબા હાથનું કાંડુ ભાંગી ગયું હતું. આ મામલે શાપર પોલીસે મારામારીનો ગુનો નોંધ્‍યો હતો. ગત મોડી રાતે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સોનુએ દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમતાં હત્‍યાની કલમનો ઉમેરો કરવા તજવીજ થઇ રહી છે. પોલીસે આરોપીને સકંજામાં લીધો છે.

બનાવ અંગે શાપર પોલીસે સોનુ સારવારમાં હતો ત્‍યારે તેના પિતા મહેશભાઇ ફુલ્લેભાઇ આહિરવાર (અનુ. જાતી) (ઉ.વ.૪૪) (રહે. હાલ પડવલા ગામની સીમ, ઓમ ઇન્‍ડસ્‍ટ્રીય એરિયા, ઓનેસ્‍ટ પ્‍લાસ્‍ટીક કારખાનાની ઓરડીમાં)ની ફરિયાદ પરથી વિજય પટેલ (રહે. પડવલા રોડ ઇશ્વર ક્રેઇન સામે યોગી ક્‍વાર્ટઝ કારખાનાના માલિ) વિરૂધ્‍ધ એટ્રોસીટી, મારામારીની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો. સારવારમાં ગત રાતે સોનુએ દમ તોડી દેતાં કલમ ૩૦૨નો ઉમેરો કરવા તજવીજ થઇ રહી છે.

મહેશભાઇએ પોલીસને જણાવ્‍યું હતું કે પોતે મુળ એમપીના છે અને વીસ બાવીસ વર્ષથી પડવલા રહી કારખાનામાં કામ કરે છે. પોતાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં સોનુ મોટો હતો. સોનુ પડવલામાં યોગી ક્‍વાર્ટઝમાં કામ કરતો હતો. તા. ૪/૬ના રોજ મહેશભાઇ તેના કામ પર હતાં ત્‍યારે તેના પત્‍નિ જાનકીબેને જાણ કરી હતી કે તેને ભત્રીજા શુભમનો ફોન આવ્‍યો છે અને આપણા દિકરા સોનુ પર કારખાનેદાર વિજયભાઇએ ચોરીનો આરોપ મુક્‍યો છે અને તે સોનુને કમરપટ્ટાથી માર મારે છે. આથી મહેશભાઇ તેના પત્‍નિને લઇને સોનુના કારખાને જતાં અંદર ગેઇટ પાસે જ તેના  દિકરાને તેના શેઠ વિજયભાઇ માર મારતા જોવા મળતાં તેણે સોનુને વધુ માર ન મારવા વિનંતી કરી હતી. જેથી તેણે તારા દિકરાએ ચોરી કરી છે. તેમ કહી વધુ માર મારી પતિ-પત્‍નિ બંનેને ગાળો દઇ કાઢી મુક્‍યા હતાં. ત્‍યાં જ વિજયભાઇના ભાગીદાર ઉમેશભાઇ આવી જતાં સોનુને વધુ મારથી બચાવ્‍યો હતો. સોનુને મહેશભાઇ ઘરે લઇ ગયા હતાં. તેને વાંસા, થાપા, સાથળ, પગના નળા, ગળા પર મારના નિશાન હતાં. ડાબા હાથના કાંડામાં સોજો હતો. શાપર સારવાર અપાવ્‍યા બાદ રાજકોટ સિવિલમાં દાખલ કર્યો હતો.

શાપર પીએસઆઇ કે. એ. ગોહિલે મારામારી, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વિજય પટેલ વિરૂધ્‍ધ કાર્યવાહી કરી હતી. દરમિયાન ગત રાતે સોનુએ દમ તોડી દેતાં બનાવમાં હત્‍યાની કલમનો ઉમેરો કરવા તજવીજ થઇ રહી છે. જુવાનજોધ દિકરાના મોતથી મજૂર પરિવારના લોકો શોકમાં ગરક થઇ ગયા હતાં. 

(12:25 pm IST)