રાજકોટ
News of Thursday, 11th August 2022

કાલે ‘રક્ષા બંધન’ : ભાઇ-બહેન સ્‍નેહના તાંતણે બંધાશે

‘ભાઇને તિલક કરતી ભાલે અંતરના ઉભરાતા વ્‍હાલે, હીરની દોરી બાંધે હાથે અંતર કેરી ઉર્મિ સાથે' : ભાઇના કાંડે રાખડી બાંધી બહેનો આશીર્વાદ વરસાવશેઃ જનોઇ બદલવા સામુહીક આયોજનો : શાળા કોલેજોમાં પુર્વ દિને ઉજવણી

રાખડી બજારમાં છેલ્લી ઘડીની ખરીદી : આવતીકાલે ‘રક્ષાબંધન' હોય રાખડી બજારોમાં આજે જેલ્લી ઘડીની ખરીદી નિકળી પડી હતી. રૂદ્રાક્ષ, સોપારી, અક્ષત મઢેલી રાખડીઓનું ચલણ વધ્‍યુ છે. આ વર્ષે રાષ્‍ટ્રભક્‍તિનો રંગ ઉમેરાયો હોય તેમ તિરંગા રાખડીઓએ પણ આકર્ષણ જમાવ્‍યુ છે. તસ્‍વીરમાં નાનામવા રોડ પર મહેતા સીઝન સ્‍ટોર પર રાખડીની ખરીદી થતી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

રાજકોટ તા. ૧૦ : કાલે ‘રક્ષા બંધન'નો તહેવાર હોય ભાઇ બહેનના હૈયે હરખ છવાશે. શ્રાવણ સુદ પુનમના દિવસે ઉજવાતા રક્ષા બંધન પર્વે બહેની ભાઇના કાંડે રાખડી બાંધી આશીર્વાદ વરસાવે છે. રાખડીરૂપ સુતરના તાંતણામાં અમાપ શકિત સમાયેલી હોય છે.

રક્ષાબંધનને નાળીયેરી પૂનમ તરીકે પણ મનાવવામાં આવે છે. માછીમાર લોકો આ દિવસે દરીયાદેવનું પૂજન કરે છે.

ચોમેર રક્ષા બંધન પર્વનો ઉમંગ છવાયો છે. રાખડી બજારોમાં હજુએ છેલ્લી ઘડીની ખરીદીનો ધમધમાટ ચાલુ છે. રાખડી બાંધ્‍યા બાદ ભાઇ બહેન પરસ્‍પર મીઠાઇ ખવરાવી મો મીઠા કરતા હોવાની પણ આપણે ત્‍યાં પ્રણાલી હોય પેંડા, ગુલાબ જાંબુ, થાબડી, કાજુ કતરીની બજારોમાં પણ ખરીદી બરાબરની જામી છે.

શાળા કોલેજોમાં એક દિવસ પુર્વે જ વિદ્યાર્થી ભાઇ બહેનો રાખડી બાંધી આ તહેવારની ઉજવણી કરે છે. અમુક સંસ્‍થાઓ દ્વારા રાખડી બનાવવાની સ્‍પર્ધા પણ યોજવામાં આવે છે.

કાલે બળેવના જનોઇ ધારણ કરનાર સાધુ, બ્રાહ્મણ વર્ગ જનોઇ બદલવાની વિધિ પણ શુભ મુહુર્તમાં કરે છે. જેથી રાજકોટમાં અનેક સ્‍થળોએ જનોઇ બદલવા સમુહમાં આયોજનો પણ થયા છે. રક્ષાબંધન પર્વે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ

સમાજ દ્વારા ઉપાકર્મ વિધિ

યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા કાલે તા. ૧૧ ના ગુરૂવારે ઉપાકર્મ વિધિ (જનોઇ બદલવા) સવારે ૮ થી ૧૦ અને ત્‍યાર બાદ બપોરે ૧૨ વાગ્‍યે સ્‍વી કિરણબને તથા શૈલેષભાઇ મનુપ્રસાદ દવેના સ્‍મરણાર્થે તેમના પુત્રો નમનભાઇ દવે તરફથી જ્ઞાતિ ભોજન અભય ભારદ્વાજ કોમ્‍યુનીટીછ હોલ, પેરેડાઇઝ હોલની બાજુમાં, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા રોડ ખાતે રાખેલ હોવાનું હિતેષભાઇ દવેની યાદીમાં જણાવાયુ છે.

રાજગોર બ્રાહ્મણ યુથ કલબ

રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા રક્ષાબંધનના દિવસે જ્ઞાતિ સ્‍નેહમિલન સાથોસાથ સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજએલ છે. જેમાં દેવાયતભાઈ ખવડનો લોકડાયરો અને મહાપ્રસાદનો કાર્યક્રમ રક્ષાબંધનને તા.૧૧ને ગુરૂવારના સાંજે ૪ થી ૯ પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ, રૈયારોડ ખાતે રાખેલ છે.

(3:17 pm IST)