રાજકોટ
News of Thursday, 11th August 2022

ગોંડલમાં ૧૬ વર્ષના સમીર પઠાણને મિત્ર ઉમંગ ગોસ્‍વામીએ છરીના ઘા ઝીંક્‍યાઃ ગંભીર ઇજા

રાતે લોજમાંથી છુટી મિત્ર મિત સાથે ઘરે જતો'તો ત્‍યારે ઉમંગે અટકાવ્‍યોઃ મિતને ઉભા રહેવાનું કહી સમીરને સબજેલ પાસે લઇ જઇ તૂટી પડયોઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૧: ગોંડલમાં પંચપીરની દરગાહ પાસે મફતીયાપરામાં રહેતાં સમીર હારૂનભાઇ પઠાણ (ઉ.વ.૧૬) પર રાત્રીના બે વાગ્‍યે ગોંડલની સબ જેલ નજીક તેના જ મિત્ર ઉમંગ ગોસ્‍વામીએ છરીથી હુમલો કરી ગળા, માથામાં આડેધડ ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ ગોંડલ પોલીસને જાણ કરી હતી.

સમીર એક બહેનથી નાનો છે. તેના પિતા વર્ષો પહેલા બીજા લગ્ન કરી અલગ જતાં રહ્યા હોઇ પોતે માતા ઝુબેદાબેન અને મોટી બહેન સાથે રહે છે. માતા સાથે નોનવેજની હોટલમાં કામ કરવા ઉપરાંત રાતે અન્‍ય લોજમાં કામ કરવા જાય છે. મોડી રાતે બે વાગ્‍યે લોજનું કામ પુરુ કરી મિત્ર મિત ભરવાડ સાથે ઘર તરફ જતો હતો ત્‍યારે રસ્‍તામાં તેના જ વિસ્‍તારનો ઉમંગ ગોસ્‍વામી મળ્‍યો હતો.

ઉમંગે મીતને તું અહિ ઉભો રહે મારે સમીરનું કામ છે તેમ કહી બાઇકમાં સમીરને બેસાડયો હતો અને થોડે દૂર સબ જેલ પાસે લઇ જઇ છરીના ઘા ઝીંકી દીધા હતાં. દેકારો થતાં મિત્ર મીત ભરવાડ દોડી ગયો હતો. એ સાથે જ ઉમંગ બાઇક ચાલુ કરી ભાગી ગયો હતો. મીત લોહીલુહાણ હાલતમાં મિત્ર સમીરને તેની ઘરે લઇ ગયો હતો. ત્‍યાંથી માતા ઝુબેદાબેને તેને ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ખસેડયો હતો. જુના મનદુઃખમાં હુમલો થયો કે અન્‍ય કારણોસર? તેની તપાસ ગોંડલ પોલીસ કરે છે. સમીરને ગળામાં ઇજા થઇ હોઇ બોલી શકતો ન હોઇ પોલીસ સારવાર બાદ તેની પાસેથી વિગતો મેળવશે.

(10:51 am IST)