રાજકોટ
News of Thursday, 11th August 2022

સજ્‍જાદ હુસૈન : જટિલ ધૂનોની મધુરતાના ફનકાર

પ્રથમ નોકરી સોહરાબ મોદીની મિનર્વા મૂવીટોનમાં મહિને ૩૦ રૂ. થી લાગી : બાદમાં તે વાડિયા મુવીટોનમાં ગયા જયાં મહિને ૬૦ રૂપિયા મળતા : ફિલ્‍મ સંગીત ઉપરાંત તેઓ ભારતીય શાષાીય સંગીત (હિન્‍દુસ્‍તાની) તેમજ અરબી સંગીત અને સૂફી સંગીત વગાડવા માટે જાણીતા હતા : બડે ગુલામ અલીએ મુશ્‍કેલ લડીદાર તાન છેડી જેને સજ્જાદમિયાંએ મેન્‍ડોલીન પર વગાડીને સંભળાવી ત્‍યારે શ્રોતાઓ સ્‍તબ્‍ધ થઈ ગયા હતા! : ફિલ્‍મ ઉદ્યોગમાં બે સૌથી જટિલ સંગીતકારો રહ્યા છે, એક સલિલ ચૌધરી અને બીજા સજ્જાદ હુસૈન : તેઓ એકમાત્ર એવા સંગીતકાર હતા જેમની પાસે ક્‍યારેય આસિસ્‍ટન્‍ટ મ્‍યુઝિક ડિરેક્‍ટર નહોતા : એરેન્‍જરથી માંડીને ગવરાવવા સુધીનું બધું કામ પોતે જ કરી લેતા

મહાન સંગીતકાર સજ્જાદ હુસૈનને યાદ કરવા એ ફિલ્‍મ સંગીતના ઈતિહાસમાં ચર્ચા માટે ખૂબ જ મહત્‍વની વાત છે. એવા સમયે જયારે આપણું હિન્‍દી ફિલ્‍મ સંગીત અને ટેક્‍નોલોજીના પ્રયોગના સૌથી સમૃદ્ધ તબક્કામાં પહોંચી ગયું છે ત્‍યારે તેમના યુગના કલાકારને યાદ કરવા પ્રાસંગિક બની જાય છે. જેમણે તેમની કલા યાત્રામાં એ યુગમાં પણ ટેક્‍નોલોજીને બાકીની મહત્‍વપૂર્ણ બાબતોની જેમ જ આવરી લીધી હતી. ‘સંગદિલ', ‘સૈયાં', ‘ખેલ', ‘હલચલ'અને ‘રૂસ્‍તમ-સોહરાબ'જેવી ફિલ્‍મોમાંથી અનોખું સંગીત આપવામાં સફળ રહેલા સજ્જાદમિંયા ખરેખર તો તે સમયે પાર્શ્વગાયકો અને ગાયકો માટે એક અઘરા ફનકાર હતા જેમની સ્‍વરબધ્‍ધ ધૂન હાથ ધરવી એ દરેકની હિંમ્‍મત બહારની વાત હતી. તેમની મુશ્‍કેલ સંગીતની પરિભાષા સમજવી દરેક માટે શક્‍ય નહોતું. તેમ છતાં મોટાભાગના કલાકારોએ તેમની તબિયત અનુસાર શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.

સજ્જાદ હુસૈન જેઓ તેમની ધૂનને અરબી શૈલીના સંગીતના ટુકડાઓથી સજાવવામાં માહિર હતા. તેમણે આવા ઘણા પ્રયોગો મૌલિક રીતે શોધ્‍યા હતા. એજ રીતે હિન્‍દુસ્‍તાની શાષાીય સંગીતના વ્‍યાકરણમાંથી પસંદ કરીને રાગ-રાગણીઓના સ્‍વરોનો ઉપયોગ પણ તેમનું પ્રિય કાર્ય હતું. સજ્જાદ હુસૈન (૧૫ જૂન ૧૯૧૭, થી ૨૧ જુલાઈ ૧૯૯૫) એક ભારતીય ફિલ્‍મ સંગીતકારની સાથે એક કુશળ મેન્‍ડોલિનવાદક પણ હતા. તેમણે મુંબઈમાં ભારતીય ફિલ્‍મ ઉદ્યોગ માટે પાંચ દાયકાથી વધુ સમય માટે ઙ્કટોપ ગ્રેડઙ્ઘ પ્‍લેયર તરીકે મેન્‍ડોલિન વગાડ્‍યું હતું. જેમાં શીર્ષક-ગીત અને પૃષ્ઠભૂમિ સંગીત સહિત ૨૨,૦૦૦ થી વધુ ગીતો વગાડવામાં આવ્‍યા હતા. ફિલ્‍મ સંગીત ઉપરાંત તેઓ ભારતીય શાષાીય સંગીત (હિન્‍દુસ્‍તાની), તેમજ અરબી સંગીત અને સૂફી સંગીત વગાડવા માટે જાણીતા હતા.

સજ્જાદ હુસૈનનો જન્‍મ ૧૯૧૭ માં સીતામૌ મધ્‍યપ્રદેશમાં થયો હતો. બાળપણમાં તેમને તેમના પિતા મોહમ્‍મદ અમીર ખાન દ્વારા સિતાર શીખવવામાં આવી હતી. તેઓ કિશોરાવસ્‍થામાં વીણા, વાયોલિન, વાંસળી અને પિયાનો શીખ્‍યા. તેઓ એક કુશળ મેન્‍ડોલિન વાદકની સાથે એકોર્ડિયન, ગિટાર, ક્‍લેરનેટ, વાયોલિન, પિયાનો, બેન્‍જો પણ વગાડી જાણતા હતા. ૧૯૩૭માં સજ્જાદ હુસૈને ફિલ્‍મમાં સંગીત કંપોઝર તરીકે પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું અને તેમના મોટા ભાઈ નિસાર હુસૈન સાથે બોમ્‍બે રહેવા ગયા. તેમની પ્રથમ નોકરી સોહરાબ મોદીની મિનર્વા મૂવીટોનમાં મહિને ૩૦ રૂ. થી લાગી. બાદમાં તે વાડિયા મુવીટોનમાં ગયા જયાં તેમને મહિને ૬૦ રૂપિયા મળતા. પછીના કેટલાક વર્ષો દરમિયાન તેમણે સંગીતકારો મીર સાહબ અને રફીક ગઝનવીના સહાયક તરીકે અને શૌકત હુસૈન રિઝવી માટે કરાર વાદ્યવાદક તરીકે કામ કર્યું. ૧૯૪૦માં એક મિત્રએ સજ્જાદનો પરિચય સંગીતકાર મીર અલ્લાહ બક્ષ (અભિનેત્રી મીના કુમારીના પિતા) સાથે કરાવ્‍યો. તેની મેન્‍ડોલિન કુશળતાથી પ્રભાવિત થઈને અલીએ તેને સહાયક તરીકે નિયુક્‍ત કર્યા. થોડા સમય પછી, સજ્જાદ સંગીત નિર્દેશક હનુમાન પ્રસાદના સહાયક બન્‍યા. આ દરમિયાન તેમણે ફિલ્‍મ ગલી (૧૯૪૪) માટે બે ગીતો રચ્‍યાં ‘આગ લગે સાવન મેં'અને ‘અબ આજા દિલ ના લગે'(બંને નિર્મલા દેવીએ ગાયાં). સ્‍વતંત્ર સંગીત દિગ્‍દર્શક તરીકેની તેમની પ્રથમ ફિલ્‍મ દોસ્‍ત (૧૯૪૪) ઘણી હિટ રહી હતી. આ ગીતોમાં નૂરજહાં દ્વારા ગાયેલા ત્રણ ગીતોનો સમાવેશ થાય છે. કોઈ પ્રેમ કા દેખે સંદેસા, આલમ પર આલમ - સીતમ પર સીતમ અને બદનામ મોહબ્‍બત કૌન કરે હતા. પરંતુ જયારે ફિલ્‍મ નિર્માતા શૌકત હુસૈન રિઝવીએ ગીતની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેમની પત્‍ની નૂરજહાંને આપ્‍યો ત્‍યારે સજ્જાદ હુસૈને ફરી ક્‍યારેય નૂરજહાં સાથે કામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

 સજ્જાદમિયાંએ સુરૈયા, લતા મંગેશકર અને આશા ભોસલે સહિત ઘણા જાણીતા ગાયકો સાથે કામ કર્યું હતું. અનિલ બિસ્‍વાસ સહિત તેમના સમકાલીન લોકો દ્વારા તેમને ખૂબ માન આપવામાં આવતું હતું. સજ્જાદ હુસૈન દ્વારા કંપોઝ કરાયેલ શ્રેષ્ઠ ફિલ્‍મોમાંની એક ફિલ્‍મ રૂસ્‍તમ સોહરાબ (૧૯૬૩) હતી. જેમાં સુરૈયાએ ‘યે કૈસી અજબ દાસ્‍તાન હો ગયી હૈ'ગાયું હતું. મોહમ્‍મદ રફી, મન્ના ડે અને સઆદત ખાનના લતા મંગેશકરના સૌથી પ્રિય ગીતોમાંથી એક, ‘એ દિલરૂબા'અને ‘ફિર તુમ્‍હારી યાદ આયે સનમ'ની પ્રશંસા કરવામાં આવી હતી. પણ આ બધી બાબતોની સાથે સજ્જાદ પોતાની મસ્‍તીના પણ માસ્‍ટર હતા. નિષ્‍ણાતો માને છે કે ફિલ્‍મ ઉદ્યોગમાં બે સૌથી જટિલ સંગીતકારો રહ્યા છે. એક સલિલ ચૌધરી અને બીજા સજ્જાદ હુસૈન. કદાચ તેઓ એકમાત્ર એવા સંગીતકાર હતા જેમની પાસે ક્‍યારેય આસિસ્‍ટન્‍ટ મ્‍યુઝિક ડિરેક્‍ટર નહોતા. એરેન્‍જરથી માંડીને ગવરાવવા સુધીનું બધું કામ પોતે જ કરી લેતા.

૧૯૫૬ માં કોલકાતામાં એક સંગીત ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં બડે ગુલામ અલી, વિનાયક રાવ પટવર્ધન, અલી અકબર ખાન, અહેમદ જાન થિરકવા અને નિખિલ બેનર્જી જેવા મોટા દિગ્‍ગજો આવ્‍યા હતા. અહીં સજ્જાદ હુસૈને મેન્‍ડોલિન પર રાગ શિવરંજની અને હરિકૌંસ વગાડીને સૌને ચોંકાવી દીધા હતા. કારણ કે પશ્ચિમી વાદ્ય પર મક્કમ હિન્‍દુસ્‍તાની રાગ વગાડવો એ ખરેખર અઘરી બાબત હતી. આ પછી બડે ગુલામ અલીએ મુશ્‍કેલ લડીદાર તાન છેડી જેને સજ્જાદ હુસૈને મેન્‍ડોલીન પર વગાડીને સંભળાવી ત્‍યારે શ્રોતાઓ સ્‍તબ્‍ધ થઈ ગયા હતા!

સજ્જાદ હુસૈન તેમના વિવાદાસ્‍પદ વ્‍યક્‍તિત્‍વ માટે જાણીતા હતા. તેઓ તેમના ટૂંકા સ્‍વભાવ, દૃઢતા, મૂડી વર્તન અને સંપૂર્ણતાવાદી સ્‍વભાવને કારણે વારંવાર વિવાદોમાં આવતા હતા. તેના મૂડ અને મુશ્‍કેલ ધૂનને કારણે નિર્માતાઓ તેમનાથી દૂર રહેતા હતા. ફિલ્‍મ સૈયાં (૧૯૫૧)ના રેકોર્ડિંગ દરમિયાન ગીતકાર ડીએન મધોક સાથે અને ફિલ્‍મ સંગદિલ (૧૯૫૨)ના રેકોર્ડિંગ દરમિયાન અભિનેતા દિલીપ કુમાર સાથે તેમની અનબન થઈ હતી. તેણે લતા મંગેશકરની ગાયકી પર વાંધાજનક ટિપ્‍પણી કરી હતી જેના કારણે બંને વચ્‍ચે થોડો સમય અણબનાવ થયો હતો. તેમણે તલત મહમૂદને ‘ગલત મહમૂદ' અને કિશોર કુમારને ‘શોર કુમાર' કહ્યા અને નૌશાદના સંગીતની ટીકા પણ કરી. તેણે ફિલ્‍મીસ્‍તાનના શશિધર મુખર્જીની ઓફરને નકારી કાઢી હતી અને ફિલ્‍મ નિર્માતા-દિગ્‍દર્શક કે. આસિફ સાથે મતભેદોને કારણે મુગલ-એ-આઝમ (૧૯૬૦) ફિલ્‍મ માટે સંગીત આપવાની તક પણ ગુમાવી દીધી હતી. એકવાર, સજ્જાદ હુસૈનની ‘યે હવા યે રાત યે ચાંદની'(ફિલ્‍મ સંગદિલ) થી ખૂબ પ્રભાવિત થઈને સંગીતકાર મદન મોહને એ જ મીટર પર ‘તુઝે ક્‍યા સુનાઓં મેં દિલરૂબા, તેરે સામને મેરા હાલ હૈ'(ફિલ્‍મઃ આખરી દાઓ) ની રચના કરી. જયારે મદન મોહન એક કોન્‍સર્ટમાં સજ્જાદ પાસેથી પસાર થયા ત્‍યારે ગરમ સ્‍વભાવના સજ્જાદે તેને ‘આજ કલ તો પરછાઈએ ભી ઘૂમ ફિરને લગી હૈ' પર ટોણો માર્યો. મદન મોહને જવાબ આપ્‍યો કે નકલ કરવા માટે તેમને કોઈ વધુ સારો સંગીત નિર્દેશક મળ્‍યો નથી. આ જવાબથી સજ્જાદ હુસૈન અવાચક થઈ ગયા. આવી ટિપ્‍પણીઓએ તેમને ટાળી શકાય તેવું પાત્ર બનાવ્‍યું અને ઉદ્યોગના લોકો તેની અવગણના કરવા લાગ્‍યા. તેના વિવાદાસ્‍પદ વર્તનના પરિણામે, સજ્જાદને તેની ૩૪ વર્ષની લાંબી સંગીત કારકિર્દીમાં ૨૦ થી ઓછા ફિલ્‍મના અસાઇનમેન્‍ટ મળ્‍યા હતા. જો કે, સંગીત નિર્દેશક તરીકેની તેમની કારકિર્દીમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ એ ગીત છે જે તેમણે શ્રીલંકન સિંહલ ફિલ્‍મ ‘દૈવા યોગયા-૧૯૫૯' માટે રચ્‍યું હતું. દૈવા યોગાનું શૂટિંગ પુણેના પ્રસાદ સ્‍ટુડિયોમાં કરવામાં આવ્‍યું હતું અને તે મુખ્‍યત્‍વે તેમના દ્વારા રચિત ગીતોને કારણે શ્રીલંકામાં બોક્‍સ ઓફિસ પર હિટ રહી હતી. તે યુગમાં સિલોનની સૌથી લોકપ્રિય અભિનેત્રી-ગાયિકા રૂકમણી દેવીએ ગાયેલા ‘હાડા ગીલે અમા મિહિરે' અને ‘દોઇ દોઇ પૂથા' ગીતો હજુ પણ લોકપ્રિય છે. સંગીતકાર તરીકેની તેમની છેલ્લી ફિલ્‍મ આખરી સજદા (૧૯૭૭) હતી. જોકે તેમણે ૧૯૮૦ સુધી કોન્‍સર્ટમાં ભાગ લીધો હતો.

 ભારતમાં સજ્જાદ હુસૈન વિશે વ્‍યાપકપણે માનવામાં આવે છે કે આ સંગીત ઉસ્‍તાદ ખરાબ સ્‍વભાવ અને પરફેક્‍શનિસ્‍ટ હોવા છતાં ફિલ્‍મ ગીતના ગીતો, ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ, શાષાીય સંગીત અને તેમના ગાયકોના અવાજની ગુણવત્તાની ઊંડી પ્રશંસા માટે જાણીતા હતા. વાયોલિન, વીણા, જલતરંગ, વાંસળી, પિયાનો, બેન્‍જો, એકોર્ડિયન, હવાઇયન અને સ્‍પેનિશ ગિટાર, સિતાર, ક્‍લેરનેટ, વીણા અને મેન્‍ડોલીન - આ વાદ્યોમાં તેણે નિપુણતા મેળવી હતી. એક વ્‍યક્‍તિ માટે આ બધા સાધનો શીખવા અને તેમાં નિપુણતા મેળવવી તે વ્‍યક્‍તિ માટે ઘણું કહી જાય છે. સજ્જાદની સિગ્નેચર સ્‍ટાઈલ એક ગીતની વચ્‍ચે થોભવાની હતી. પીઢ સંગીત દિગ્‍દર્શક નૌશાદનું કહેવું હતું કે, ‘સજ્જાદ અત્‍યંત પ્રતિભાશાળી માણસ હતા. સંગીતમાં ખૂબ જાણકાર હતા. પરંતુ તેમનો સ્‍વભાવ તેમનો વિનાશક હતો.' ઉચ્‍ચ-પ્રતિષ્ઠિત સંગીત દિગ્‍દર્શક અનિલ બિસ્‍વાસે એકવાર કહ્યું હતું કે, ‘તમામ ધોરણો અનુસાર સજ્જાદ હુસૈન એક મૂળ પ્રતિભાશાળી સંગીત દિગ્‍દર્શક હતા. જેઓ અન્‍ય તમામ કરતા અલગ હતા અને તેમની દરેક સંગીત રચનામાં સૌથી મુશ્‍કેલ સંકેતો હતા જે તેમણે પોતે જ રચી હતી.'

ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીએ આવા ઉત્‍કૃષ્ટ સંગીતકારને પૂરેપૂરું સન્‍માન આપ્‍યું નથી. તેની પાછળ તેનો મૂડ હતો. ‘રૂસ્‍તમ સોહરાબ'ની સફળતા છતાં તેને કામ મળતું બંધ થઈ ગયું. તેઓ લગભગ અનામી બની ગયા અને ૨૧ જુલાઈ ૧૯૯૫ના રોજ આ દુનિયાને કાયમ માટે છોડી દીધી. સજ્જાદ હુસૈન તેમના જીવનના છેલ્લા વર્ષો દરમિયાન માહિમ, મુંબઈમાં ભારતના નટલવાલા ભવનમાં રહેતા હતા. તેમને પાંચ પુત્રો અને એક પુત્રી હતી. તેમના પાંચેય પુત્રો મુસ્‍તફા, યુસુફ, નૂર મોહમ્‍મદ, નાસીર અહેમદ અને અબ્‍દુલ કરીમ સંગીતકાર બન્‍યા. ખય્‍યામ અને પંકજ ઉધાસ તેમની અંતિમવિધિમાં હાજરી આપનાર એકમાત્ર નોંધપાત્ર ફિલ્‍મ હસ્‍તીઓ હતા.

 

 

ઇન્‍ટરવ્‍યુ આપવાનું કહેતા સજ્જાદ હુસૈને કહેલું ‘મૈ આપકી કોઇ મદદ નહીં કર શકતા' : યાસીન દલાલ

 મુંબઇમાં માહિમમાં એક દરગાહ આવેલી છે તેની બાજુમાં જ એનું ઘર હતું: સજ્જાદનો સ્‍વભાવ એટલો બધો ગુસ્‍સાવાળો કે કોઇને મારી પણ લેતા

પત્રકારત્‍વ ક્ષેત્રે જેમણે ખુબ જબરૂ ખેંડાણ કર્યું છે તેવા બહોળો અનુંભવ ધરાવતા શ્રી યાસીનભાઇ દલાલે પણ સજ્જાદ હુસૈન વિશે તેમના અનુંભવો અને પ્રસંગો વર્ણવ્‍યા હતા. તેમણે કહ્યું કે, સજ્જાદ હુસૈન ખુબજ સુપ્રીમ ટેલેન્‍ટેડ સંગીતકાર હતા પણ ખુબજ મૂડી હતા. એક વખત કોઇ જગ્‍યાએ એ કોઇના ઘરે બેઠા હતા ત્‍યારે નૈશાદનો ફોટો જોઇ બોલ્‍યા, ‘યે કિસ લંગુર કી તસવીર હૈ'. તેમની જીભ બહુ ખરાબ હતી. યાસીન દલાદ કહે છે, લગભગ ૨૦-૨૫ વર્ષ થયા હશે. હું સજ્જાદ હુસૈનનો ઇન્‍ટરવ્‍યું લેવા તેમના ઘરે ગયો, પગથિયાં ચડી ઘરમાં દાખલ થયો અને મારો પરિચય આપી ઇન્‍ટરવ્‍યું લેવા આવ્‍યાનું જણાવ્‍યું. સજ્જાદ હુસૈને કહ્યું, મૈ આપકી કોઇ મદદ નહીં કર શકતા. યાસીન દલાલે સજ્જાદ હુસૈનને કહ્યું આપ મહાન સંગીતકાર છો એક ઇન્‍ટરવ્‍યું આપો. તેમ છતાં સજ્જાદભાઇએ ના પાડી. એ વખતે એમનો ઇન્‍ટરવ્‍યું ન થઇ શક્‍યો.

યાસીન દલાલ કહે છે, સજ્જાદ હુસૈન ખુબ તોખાર મગજના હતા. ભલભલા લોકો એમનો ઇન્‍ટરવ્‍યું લેવા માટે તલપાપડ હતા પણ લઇ શક્‍તા નહોતા. સજ્જાદની પરિસ્‍થિતી ખુબજ ગરીબ હતી. મુંબઇમાં માહિમમાં એક દરગાહ આવેલી છે તેની બાજુમાં એનું ઘર હતું. સજ્જાદનો સ્‍વભાવ એટલો બધો ગુસ્‍સાવાળો કે કોઇને મારી પણ લેતા. જોકે તેમના જેવા પરફેક્‍શનિસ્‍ટ મળવા મુશ્‍કેલ. જો એ વખતે અંગ્રેજી વાંચ્‍યુ હોત તો મેં સજ્જાદ વિશે એક પુસ્‍તક લખી નાંખ્‍યુ હોત. યાસિનભાઇ દલાદ કહે છે, આજે મને ૮૧ મું વર્ષ ચાલે છે છતાં એમ થાય છે કે, તેના વિશે પુસ્‍તક લખવું જોઇએ. એક વખત સજ્જાદ હુસૈને કહેલું મારો અવાજ નાક માંથી નીકળે છે એટલે હું ગાઇ શક્‍તો નથી. યાસીન દલાલ કહે છે, હું નૌશાદજીને ત્રણ વાર મળ્‍યો અને ઇન્‍ટરવ્‍યું લીધા છે. જયારે સંગીતની વાત કરવાની હોય ત્‍યારે નૌશાદમિયાં પણ સજ્જાદ હુસૈનને ઉત્તમ સંગીતકારોમાં સ્‍થાન આપતા. જોકે સજ્જાદ એવું માનતા કે હિન્‍દી ફિલ્‍મોમાં બે જ ઉત્તમ સંગીતકારો છે સજ્જાદ પોતે અને ગુલામ હૈદર.!

 

પહેલે આપ અપને ચહેરે કે આરોહ-અવરોહ તો ઠીક કરો..

સજ્જાદ હુસૈનના અનેક કિસ્‍સાઓમાંના એક કિસ્‍સાને યાદ કરતા શ્રી અરવિંદભાઇ શાહે અકિલા ને જણાવ્‍યું હતું કે, કે.આસીફ જેવા દિગ્‍ગજ ફિલ્‍મ મેકરની એક ફિલ્‍મ આવેલી જેનું નામ હતું હલચલ જેમાં સજ્જાદ હુસૈનને સંગીત આપેલું આ ફિલ્‍મમાં જયારે પાંચ થી છ ગીતો રેકોર્ડ થઇ ગયા ત્‍યારે એક ગીત માટે કે.આસિફ રેકોર્ડિંગ રૂમમાં ગયા અને કહ્યું કે આ ગીતમાં આરોહ-અવરોહ માં અને ગીતમાં વિવિધ રીતે તેમની દ્રષ્ટિ એ શું જરૂરી છે અને શું ખૂટે છે તેની સહજ રીતે સજ્જાદ હુસૈનને રજૂઆત કરી. કે.આસીફ નો ચહેરો એ વખતે એકદમ ડાઘાવાળો હતો. તેમના ચહેરા પર ખીલના નીશાનથી ડાઘા રહી ગયા હતા. ત્‍યારે સજ્જાદે કે.આસીફને કહ્યું, ‘પહેલે આપ અપને ચહેરે કે આરોહ-અવરોહ તો ઠીક કરો ફિર મેરે ગીત કે આરોહ-અવરોહ કે બારે મેં કહેના.' આ સાંભળી કે.આસીફને ખુબજ દુઃખ થયુ અને સજ્જાદ હુસૈનને તેની ફિલ્‍મમાંથી કાઢી મુક્‍યા અને તેમની ફિલ્‍મોના બાકીના બીજા સંગીતકાર પાસે કરાવ્‍યા. જોકે સજ્જાદ હુસૈનના જે ગીત રેકોર્ડ થઇ ગયા હતા તેનો ફિલ્‍મ હલચલ માં સમાવેશ કરાયો હતો.

 

જયારે તલત મેહમૂદને એક ગીત માટે ૧૭ વાર રિહર્સલ કરાવ્‍યું...!

મહાન ગાયિકા લતા મંગેશકર કોઈપણ સંગીતકાર માટે ગાતા તો તેનો જન્‍મ સફળ થયો હોય તેમ લાગતું. સંગીતકારો અને ફિલ્‍મ નિર્માતાઓ પ્રયાસ કરતા કે એકવાર તેઓ ફિલ્‍મ સાઈન કરી લે તો અડધાથી વધુ કામ થઈ જાય. લતાજી પારસમણી હતા પરંતુ એક એવા સંગીતકાર હતા જેની સાથે લતા મંગેશકર પણ કામ કરતા ખચકાતા એ હતા સજ્જાદ હુસૈન. ખૂબ જ ઉદ્ધત, શંકાસ્‍પદ અને ગુસ્‍સાવાળો સ્‍વભાવ. કોઈને પણ ઠપકો આપવો તે તેના માટે સામાન્‍ય હતું. પછી ભલે તે કોઈ પણ હોય. પરફેક્‍શનિસ્‍ટ એવા કે દિલીપ કુમાર અને આમિર ખાન પણ તેમની સામે પાણી ભરે. તેણે તલત મેહમૂદને એક ગીત માટે ૧૭ વાર રિહર્સલ કરાવ્‍યું. ગીત જોરદાર હિટ થયા પછી પણ કહેતા રહ્યા કે કેટલાક સંગીતકારો સાથે તે બરાબર ચાલ્‍યું નથી!

 

લતાજી ઠીક સે ગાઓ, યે નૌશાદમિયાં કા ગાના નહીં હૈ...!

લતાબેન મંગેશકર સાથે સજ્‍જાદ હુસૈન અને તેમના પુત્ર નાસીર અહેમદ

લતા મંગેશકરને એકવાર એક ઇન્‍ટરવ્‍યુમાં પૂછવામાં આવ્‍યું હતું કે સંગીત નિર્દેશકોને ખુશ કરવા મુશ્‍કેલ છે? તેઓએ જણાવેલું કે તેની કારકિર્દીની શરૂઆતમાં બધી મુશ્‍કેલીઓ હતી કારણ કે તે હજી શીખી રહ્યા હતા અને ક્ષેત્રમાં નવા હતા. પરંતુ તે હંમેશા સજ્જાદ હુસૈનથી ડરતા કારણ કે તે ખૂબ જ ખાસ સંગીતકાર હતા. સજ્જાદ હુસૈનને મોટા અવાજમાં ગાવાનું પસંદ નહોતું. તે હંમેશા આગ્રહ રાખતા કે તમામ સંગીતનાં સાધનો સંપૂર્ણ રીતે ટ્‍યુન કરવામાં આવ્‍યાં હોય. તેણે આ સાથે ક્‍યારેય સમાધાન કર્યું નથી.

એક કિસ્‍સો છે કે, એકવાર લતાજી અને સજ્જાદ હુસૈન એક ગીત માટે રિહર્સલ કરી રહ્યા હતા. લતાજી સજ્જાદ સાહેબના કહેવા પ્રમાણે ગાતા ન હતા. સુર ક્‍યાંક અટકી રહ્યો હતો. ત્‍યારે સજ્જાદે ગર્જના કરી, ‘લતાજી, બરાબર ગાઓ, આ નૌશાદ મિયાંનું ગીત નથી.' સજ્જાદ હુસૈને લતા મંગેશકરને પણ ઠપકો આપ્‍યો હતો. આમ છતાં, તેઓ લતાજીના મહત્‍વ અને ક્ષમતાને માનતા હતા. તેઓ કહેતા કે ફક્‍ત લતા મંગેશકર જ તેમની જટિલ ધૂન સાથે ન્‍યાય કરી શકે છે. ૨૦૧૨માં એક અખબારને આપેલા ઈન્‍ટરવ્‍યુમાં લતાજીએ કબૂલ્‍યું હતું કે સજ્જાદ હુસૈન તેના પ્રિય સંગીતકાર હતા. આ એક અદ્‌ભૂત બાબત છે. ખેમચંદ પ્રકાશ, ગુલામ હૈદર, નૌશાદ, મદન મોહન અને સી.રામચંદ્ર જેવા દિગ્‍ગજ કલાકારો હોવા છતાં તેણીએ સજ્જાદ હુસૈનના નામ પર આંગળી રાખી જેથી તમે તે સંગીતકારની ઊંચાઈની કલ્‍પના કરી શકો છો.

 

 

જીવનમાં તમારી હોંશિયારી ઉપરાંત તમારો સ્‍વભાવ સારો ન હોય તો બધું જ નકામું જે સજ્જાદ હુસૈનને નડ્‍યું : અરવિંદભાઇ શાહ

સંગીતકાર નૌશાદ સાથે શું પૂર્વગ્રહ હતો તે તો બહાર આવ્‍યું નથી પરંતુ એણે તો પોતાના કૂતરાનું નામ નૌશાદ રાખ્‍યું હતું !

ભારતીય ફિલ્‍મી સંગીતકાર સજ્જાદ હુસૈન વિશે હિન્‍દી સિનેજગતના જેમને એનસાઇક્‍લોપીડિયા કહી શકાય તેવા એ.ટી. શાહ ના હુલામણા નામથી ઓળખાતા શ્રી અરવિંદભાઇ શાહે જણાવ્‍યું હતું કે, એક વખત સજ્જાદ હુસૈન ત્રણ મેંડોલીન લઇ રાજકોટ કાર્યક્રમ આપવા આવેલા. તેમની સાથે તેમના બે દીકરા પણ આવેલા. વિરાણી હાઇસ્‍કૂલના મધ્‍યસ્‍થખંડમાં તેમનો કાર્યક્રમ હતો ખુબ મજા આવી હતી. આખા ભારતમાં સજ્જાદ હુસૈન એકમાત્ર એવા કલાકાર હતા કે જે મેન્‍ડોલીન પર શાષાીય રાગો વગાડી જાણતા.! સજ્જાદમિયાં ના પાંચ દીકરાઓ ફિલ્‍મ લાઇનમાંજ આવ્‍યા. તેમાંના એક નાસીન હુસૈન પંકજ ઉધાસ સાથે મેંડોલીન વગાડે છે. અરવિંદભાઇ વધુમાં કહે છે, સજ્જાદ હુસૈનનો સ્‍વભાવ ખુબ તોછડો હોવાને કારણે આટલી બધી હોંશિયારી હોવા છતા જીવનમાં કંઇ કરી ન શક્‍યા. તેમનો એવો સ્‍વભાવ હતો તે ગમે તે વ્‍યક્‍તિને મનફાવે તેમ કહી દેતા. સજ્જાદ કાયમ કહેતા કે ઇશ્વરે બે જ વ્‍યક્‍તિના ગણામાં સ્‍વર મૂક્‍યા છે એક લતા મંગેશકર અને બીજા નૂરજહાં...! સજ્જાદને લતાજી અને તેના પરિવાર સાથે સારો ઘરોબો રહ્યો. દર મહિને-બે મહિને એકાદ આંટો મારી આવે. લતાજીના ઘરના બધાને સજ્જાદભાઇ આવે તે બહુ ગમતું. સંગદીલ અને રૂસ્‍ત ઔર સુહરાબ ફિલ્‍મના ગીતો શ્રેષ્ઠ આપ્‍યા. તેમાંય ‘એ દિલરૂબા' ખુબ વખણાયું હતું. એક કમનીસીબી કહી શકાય કે આવા સારા સંગીતકારનું આજે બધુ લુપ્ત થઇ ગયું. અરવિંદભાઇ કહે છે, જીવનમાં તમારી હોંશિયારી ઉપરાંત તમારો સ્‍વભાવ સારો ન હોય તો બધું જ નકામું જે સજ્જાદ હુસૈનને નડ્‍યું.

 ‘યે હવા યે રાત યે ચાંદની' ગીત આજે પણ એટલુંજ ગવાય છે. શ્રી એ.ટી.શાહ કહે છે, આ ગીત તલત મહેમૂદે ગાયું છે. તેના પરથી મદનમોહને જયારે ગીત બનાવ્‍યું ‘તુજે ક્‍યા સુનાઉં મે યે દીલરૂબા' ત્‍યારે મ્‍યુઝિક ડાયરેક્‍ટર એસોશીએશનની મીટિંગમાં બધા મદનમોહનના ખભે હાથ રાખી સજ્જાદે કહ્યું, ‘ઓરીજીનલ તો ચલતા હૈ લેકીન અબ તો મૈને સુના હૈ પરછાઇયાં ભી ચલને લગી હૈ' જવાબમાં મદન મોહને કહ્યું, મેં તમારા ગીતની કોપી નથી કરી પણ હું તમારો એટલો મોટો ચાહક છું અને મારે કંઇક તો તમને આપવું જોઇએ એટલા માટે આ ગીત બનાવ્‍યું. એક બીજો કિસ્‍સો યાદ કરતા શ્રી અરવિંદભાઇએ કહ્યું કે, ખુબ મોટા સંગીતકાર નૌશાદ સાહેબ માટે સજ્જાદને શું પૂર્વગ્રહ હતો તે તો બહાર આવ્‍યું નથી પરંતુ નૌશાદના નામ સાથે સજ્જાદે દાઝ કાઢ્‍યો. એણે તો પોતાના કૂતરાનું નામ નૌશાદ રાખ્‍યું હતું.! અને કૂતરાં પાસે વિવિધ કામ કરાવાતું. જોકે સજ્જાદનું સંગીતમાં નામ હતું.

 

 

સજ્‍જાદ હુસૈનની ફિલ્‍મોગ્રાફી

ગાલી (૧૯૪૪)

દોસ્‍ત (૧૯૪૪)

ધરમ (૧૯૪૫)

૧૮૫૭ (૧૯૪૬)

તિલસ્‍મી દુનિયા (૧૯૪૬)

કસમ (૧૯૪૭)

મેરે ભગવાન (૧૯૪૭)

રૂપલેખા (૧૯૪૯)

ખેલ (૧૯૫૦)

મગરૂર (૧૯૫૦)

હલચુલ (૧૯૫૧)

સૈય્‍યન (૧૯૫૧)

સંગદિલ (૧૯૫૨)

રૂખસાના (૧૯૫૫)

રૂસ્‍તમ સોહરાબ (૧૯૬૩)

મેરા શિકાર (૧૯૭૩)

આખીરી સજદા (૧૯૭૭)

પ્રશાંત બક્ષી

૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:39 pm IST)