રાજકોટ
News of Thursday, 11th August 2022

કોઠારીયા સોલવન્‍ટમાં ચાના વેપારીને ‘ તમારી રિક્ષામાં હવા નથી' કહી ઉઠાવગીરો રોકડનો થેલો લઇ છનનન

મવડીના ચાના ધંધાર્થી મનહરભાઇ કરિયાણાની દૂકાને ચાની ભુકી આપવા ઉભા ત્‍યારે રિક્ષાના ટાયરમાંથી હવા કાઢી નખાઇઃ વેપારી વ્‍હીલ ખોલવા પાનુ લેવા ગયા ત્‍યાં ૮૫ થી ૯૦ હજારની રોકડનો થેલો ચોરી બે શખ્‍સ ભાગ્‍યા

રાજકોટ તા. ૧૧: કોઠારીયા સોલવન્‍ટ સરકારી શાળા પાસે હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરમાં પ્રોવિઝન સ્‍ટોર પાસે ચાની ભુકીની ડિલીવરી આપવા આવેલા મવડીના વેપારી પ્રોૈઢને બે ગઠીયા ભેટી ગયા હતાં. એક શખ્‍સે ‘તમારી રિક્ષામાંથી હવા નીકળી ગઇ છે' તેમ કહેતાં પ્રોૈઢે જોતાં હવા ન હોઇ વ્‍હીલ બદલવા બાજુની દૂકાને પાનુ લેવા ગયા ત્‍યાં એ ગઠીયો રિક્ષામાંથી ઉઘરાણીના આવેલા રૂા. ૯૦ હજારનો થેલો લઇ બીજા સાગ્રીતના બાઇક પાછળ બેસી ભાગી ગયો હતો. વેપારીએ પકડો-પકડોની બૂમો પાડી પીછો ર્ક્‍યો હતો પણ ઉઠાવગીરો હાથમાં આવ્‍યા નહોતાં.

આ બનાવમાં પોલીસે મવડી પ્‍લોટ માલવીયાનગર પોલીસ સ્‍ટેશન પાછળ ન્‍યુ માયાણીનગર-૧માં રહેતાં અને પોતાના ભાઇ સુરેશભાઇ સાથે ઉમિયા ચા નામે એજન્‍સીમાં ડિલીવરીનું કામ સંભાળતાં મનહરભાઇ વિરજીભાઇ દરજી (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી બે અજાણ્‍યા શખ્‍સો સામે ચોરીનો ગુનો નોંધ્‍યો છે.

મનહરભાઇએ જણાવ્‍યું હતું કે હું બુધવારે સવારે નવેક વાગ્‍યે અમારી એજન્‍સી મવડી પ્‍લોટમાં છે ત્‍યાંથી ચાની પ્રોડક્‍ટ પિયાગો લોડીંગ રિક્ષા જીજે૦૩બીએક્‍સ-૩૦૬૬માં ભરીને અલગ અલગ દૂકાનોમાં ચાના પેકીંગની ડિલીવરી કરવા નીક્‍ળ્‍યો હતો. રિક્ષા લઇને હું સીધો ગોંડલ રોડ રસુલપરાના ખુણે શિવશક્‍તિ ચાની હોટલ ખાતે પહોંચ્‍યા હતો. ત્‍યાં ચા પાણી પીધા બાદ પારડી ગામે ગયો હતો. અલગ અલગ દૂકાનોમાં ચાની ભુકીના પાર્સલ આપ્‍યા હતાં અને અગાઉની ઉઘરાણી બાકી હતી તે રકમ લઇ થેલામાં મુકી બાદમાં કલ્‍પવન એરિયામાં ચાની પ્રોડક્‍ટ આપવા ગયો હતો.

એ પછી રિક્ષા લઇ રસુલપરા થઇ કોઠારીયા સોલવન્‍ટ ફાટક થઇ હુસેની ચોક પાસે રઇશ પ્રોવિઝન સ્‍ટોર પાસે પહોંચ્‍યો હતો. ત્‍યાંથી પોણા વાગ્‍યા આસપાસ કોઠારીયા સોલવન્‍ટની આગળ હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરમાં શ્રીજી પ્રોવિઝન સ્‍ટોર ખાતે ગયો હતો અને તેના માલિક વિનુભાઇને મળી ચાની ભુકી આપી હતી. તેમજ આગલા રૂપિયા બાકી હોઇ તે રકમ તેણે આપતાં મેં થેલામાં એ રોકડ મુકી હતી અને પરત મારી રિક્ષા પાસે આવ્‍યો હતો.

આ વખતે એક છોકરો ત્‍યાં ઉભો હતો અને તેણે મને ‘રિક્ષામાં હવા નીકળી ગઇ છે' તેમ કહેતાં મેં પાછળના વ્‍હીલમાં જોતાં તેમાં હવા નહોતી. આ વખતે મેં થેલો રિક્ષાની પાછળના ભાગે દરવાજો ખોલી ચાની ભુકીના પેકીંગ સાથે મુક્‍યો હતો અને રિક્ષાનો ઠાલો દરવાજો દઇ બાજુમાં દરજીની દૂકાને વ્‍હીલ ખોલવા માટે પાનુ લેવા ગયો હતો. પાછો આવ્‍યો ત્‍યાં અંદરથી ૮૫ થી ૯૦ હજારની રોકડ સાથેનો થેલો લઇ એક જાડીયો શખ્‍સ બીજા એક શખ્‍સના હોન્‍ડા પાછળ બેસીને ભાગી ગયો હતો. મેં દેકારો મચાવ્‍યો હતો અને પાછળ દોડયો હતો. પરંતુ બંને ભાગી જવામાં સફળ રહ્યા હતં. બાઇકના નંબર હું જોઇ શક્‍યો નહોતો.

એ પછી મેં મારા ભાઇ સુરેશભાઇને ફોન કર્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરી હતી. રોકડ લઇ ભાગી ગયેલા બંને શખ્‍સોમાંથી એક ૨૫થી ૨૭ વર્ષનો હતો. પીએસઆઇ એ. સી. સિંધવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)