રાજકોટ
News of Thursday, 11th August 2022

કચ્‍છના જાડેજા રાજાઓના નામ આગળ બાવા શબ્‍દ કેમ લાગે છે?

સોશ્‍યલ મીડિયામાં ઐતિહાસિક રસપ્રદ વાતો સાથે ફરી રહેલ કલીપ

રાજકોટ : સોશ્‍યલ મીડિયામાં એક ઓડીયો કલિપ ફરી રહી છે. જેમાં કોઇ વ્‍યક્‍તિ આદેશ, જી-નામ, ઓમ નમોનારાયણ બોલીને આખી વાત વર્ણવે છે. તેઓ કહે છે કે કચ્‍છના જાડેજા વંશજોને શા માટે નામ આગળ બાવાશ્રી શબ્‍દ લગાડવામાં આવે છે તેનું જીતુભા જાડેજાબાપુએ સરસ વર્ણન કર્યુ છે. આ વાત ઇ.સ. ૧૭૮૫ ની છે. અમદાવાદના સુબા શેરબુલંદખાને કચ્‍છ ઉપર ચડાઇ કરી હતી. કચ્‍છના રાજાને પડકાર ફેંકયો હતો કે કાં ઇસ્‍લામ કબુલ કરો અને કાં અમારી સામે યુધ્‍ધ કરો.

એક તરફ કચ્‍છ ભુજની ૭ હજાર લોકોની હિન્‍દુ સેના હતી અને સામે બાદશાહ બુલંદખાનની ૩૪ હજાર સભ્‍યો સાથેની સેના હતી. આ સમયે જયપુરના સતનામી અખાડાના સાધુઓ હીંગળાજની યાત્રાએ જઇ રહ્યા હતા અને ભુજમાં પડાવ નાખ્‍યો હતો. આથી મુંજાયેલા કચ્‍છના રા દેશલજીએ આ સાધુઓને અરજ કરી કે ધર્મનો સવાલ છે. જો ધર્મનું રક્ષણ કરવા તમે સાથ આપો તો આગળ વધી શકાય. આમ આ સાધુ બાવાઓ પણ યુધ્‍ધે ચડયા. ૧૪૦૦ બાવાઓએ શહીદી વહોરી. છેવટે બુલંદખાનની સેનાએ હાર માની ભાગવુ પડયુ.

આ રીતે ધર્મની રક્ષા કાજે ખેલાયેલ યુધ્‍ધમાં જીત મળતા ખુશ થયેલા રા દેશલજીએ બાવાઓને કહ્યુ. માંગો તમારે શું જોઇએ છે.

જે માંગો તે મળશે. ત્‍યારે આ સાધુ બાવાઓએ કહેલ કે અમે તો સાધુ છીએ અમારે શું જોઇએ. જો તમારે આપવુ જ હોય તો એક સંકલ્‍પ આપો કે હવેથી તમારા જાડેજાઓના નામ આગળ કાયમ માટે બાવા શબ્‍દ લગાડવામાં આવે. જેથી અમે સાધુ બાવા તરીકે કરેલ કાર્યની કાયમી યાદ રહી જાય અને તમારા જાડેજાઓને પેઢી દર પેઢી એ સ્‍મૃતિમાં રહે કે જો સાધુઓનો સાથ ન મળ્‍યો હોત તો અમારી શું હાલત થઇ હોત.

(5:09 pm IST)