રાજકોટ
News of Monday, 11th October 2021

ખરીદી અંગેના પત્ર બાબતે કારોબારી અધ્યક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદઃ સ્વભંડોળ સિવાઇની દરખાસ્તો પેન્ડીંગ

જિલ્લા પંચાયતની બેઠકમાં સહદેવસિંહ બોલ્યા અમને અન્યાય થાય છે તો જનતાનું શું થતુ હશે?

રાજકોટ તા. ૧૧ :.. જિલ્લા પંચાયતની આજની કારોબારી બેઠકમાં 'જેમ' આધારિત ખરીદીના પત્ર અંગે કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા અને વહીવટી તંત્રના અધિકારીઓ આમને સામને આવી જતા અધ્યક્ષે જિલ્લા વિકાસ અધિકારી અથવા હિસાબી અધિકારી લેખિત સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી ગ્રાન્ટ આધારિત વિકાસ કામોની દરખાસ્તો પેન્ડીંગ રાખેલ. સ્વભંડોળના કામોને મંજૂરી આપી હતી. કારોબારી નિયત સમય કરતા ર૦ મીનીટ મોડી અને ધારણા કરતા વહેલી પુરી થઇ ગઇ હતી.

ડી. ડી. ઓ. એ કારોબારી અધ્યક્ષને 'જેમ' પોર્ટલ મારફતની ખરીદી અંગે જવાબી પત્રમાં કારોબારી અધ્યક્ષને જણાવેલ કે સરકારના પરિપત્ર મુજબ જિલ્લા પંચાયતની જરૂરીયાતોની ખરીદ પ્રક્રિયા માટે અધિકારીઓની સમિતિ રચાયેલ છે. અન્ય કોઇ સમિતિઓએ ખરીદ પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. સરકાર દ્વારા જે તે ખર્ચ માટે બજેટ મંજૂર કરાવીને વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય જેથી આ હેતુ માટે  અન્ય કોઇ સમિતિ પાસે ખર્ચ મંજુરીના પ્રશ્ન રહેતો નથી.

કારોબારી અધ્યક્ષે જણાવેલ કે આ પત્ર મુજબ એવુ અર્થઘટન થાય છે કે કારોબારીને સ્વભંડોળ સિવાઇ કોઇ ખર્ચ મંજૂર કરવાની સતા નથી. જો આવુ જ હોય તો કારોબારી પાસે મંજૂરીની દરખાસ્ત શા માટે આવે છે ? સરકારના પરિપત્રોની અમને જાણ શા માટે કરવામાં આવતી નથી ? ડી. ડી. ઓ.ના પત્રના મુદા નં. ૩ અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી હું સ્વભંડોળ સિવાઇના કામોમાં કારોબારીમાં નિર્ણય કરીશ નહિં.

જો કે આ બાબતે ડી. ડી. ઓ. શ્રી દેવ ચૌધરી અને હિસાબી અધિકારી આર. ડી. ભુવાએ જણાવેલ કે ચેરમેનને લખાયેલ પત્ર માત્ર ઇ-માર્કેટ પ્લેસ (જેમ) પોર્ટલ મારફત થતી ખરીદોને  લગતો જ છે. કારોબારીમાં આવતી તમામ દરખાસ્તોને લાગુ પડતો નથી. પત્રના મથાળે અને અંદર 'જેમ' ની ખરીદીનો ઉલ્લેખ છે. મુદા નં. ૩ પણ 'જેમ' સંદર્ભમાં જ છે. જયાં આ હેતુ લખેલ છે. ત્યાં 'જેમ' ની ખરીદીનો હેતુ તેવુ ઉમેરીને ચેરમેનને  નવો પત્ર અપાશે. માત્ર ગેરસમજણ છે. સમિતિના અધિકાર પર કોઇ તરાપ નથી.

દરમિયાન વહીવટી તંત્રમાં એવી ચર્ચા ચાલે છે કે ડી. ડી. ઓ.નો પત્ર 'જેમ' સંદર્ભે છે. કારોબારી અધ્યક્ષને કોઇએ ચોકકસ હેતુથી ગેરસમજણ તરફ પ્રેર્યા હોય તે સંભવ છે.

(3:49 pm IST)