રાજકોટ
News of Monday, 12th April 2021

રાજકોટમાં કોરોના ગાંડોતુરઃ વધુ ૪૨ને ભરખી ગયો

નવા કેસ ૨૫૦ : કુલ કેસનો આંક ૨૨,૮૮૬ આજ દિન સુધીમાં ૧૯,૭૧૪ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૭.૦૯ ટકા થયો જ્જ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૪૫ પૈકી ૮ કોવિડ ડેથઃ હાલમાં ૨૭૪૯ દર્દીઓ સારવાર હેઠળ

 રાજકોટ તા. ૧૨: શહેર - જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૪૨નાં મૃત્‍યુ થયા છે. લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જયારે બપોર સુધીમાં ૨૫૦ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૧નાં સવારનાં ૮ વાગ્‍યા થી તા.૧૨નાં સવારનાં ૮ વાગ્‍યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્‍લાના ૪૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૪૫ પૈકી ૮ મૃત્‍યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્‍યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્‍પિટલમાં ૧૯૬બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૪૫૦ને પાર કરી ગયો છે ત્‍યારે શહેર - જિલ્લાનું આરોગ્‍ય તંત્ર ફરી હરકતમાં આવ્‍યું છે અને ટેસ્‍ટીંગ વધાર્યું છે. કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્‍પિટલમાં ૪૫ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૨૫૦ કેસ

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં   કુલ ૨૫૦ નવા કેસ સાથે શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ  ૨૨,૮૮૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૧,૮૧૦  સેમ્‍પલ લેવાયા હતા.જેમાં ૪૦૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૯૩ ટકા થયો  હતો. જયારે ૧૮૪ દર્દીઓ સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૭૧,૭૯૮ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૨૨,૮૮૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૩ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્‍પિટલ, ખાનગી હોસ્‍પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૨૭૪૯  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:37 pm IST)