રાજકોટ
News of Monday, 12th April 2021

અમૃત ઘાયલ હોલમાં સીનર્જી ગ્રુપ દ્વારા ૨૦૦ બેડની કોવિડ હોસ્‍પિટલ

દર મહિને મ.ન.પા.ને ૧ાા લાખ ભાડુ આપશે : સરકાર દ્વારા નિયત ચાર્જ લેવાશે : ઓક્‍સીજન બેડના પ્રતિદિન ૯૫૦૦ અને સાદા બેડના પ્રતિદિન ૭૦૦૦ના ચાર્જથી કોરોના દર્દીની સારવાર થશે : નવી ખાનગી કોવિડ શરૂ થતાં હવે બેડની અછત દુર થશે : મેયર પ્રદિપ ડવ - મ્‍યુ. કમિશનર ઉદિત અગ્રવાલ કોરોના પર કાબુ મેળવવા સતત પ્રયત્‍નશીલ

રાજકોટ તા. ૧૨ : શહેર - જિલ્લામાં તથા આસપાસના ગામડાઓમાં કોરોનાનો કહેર વધ્‍યો છે. ખાનગી અને સિવિલ હોસ્‍પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે ક્‍યાંય બેડ ઉપલબ્‍ધ નથી ત્‍યારે મેયર પ્રદિપ ડવ તથા મ્‍યુ. કમિશનર ઉદિત અગ્રવાલે પરિસ્‍થિતિ કાબુમાં લેવા યુનિવર્સિટી રોડ પર નવનિર્મિત અદ્યતન લકઝરિયસ એરકન્‍ડીશનડ એવા અમૃત ઘાયલ કોમ્‍યુનિટી હોલને કામચલાઉ ધોરણે હોસ્‍પિટલમાં ફેરવવા નિર્ણય લીધો હતો.

આ અંગે મેયર પ્રદિપ ડવે જાહેર કર્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દર્દીઓની સંખ્‍યા વધતી જાય છે તેની સામે હોસ્‍પિટલોમાં બેડની સંખ્‍યા મર્યાદિત છે. આથી હવે કામ ચલાઉ હોસ્‍પિટલો ઉભી કરવી પડે તેમ છે. કોવિડ હોસ્‍પિટલમાં ઓક્‍સીજન રાખવું જરૂરી હોય તેના માટે સેન્‍ટ્રલી એરકન્‍ડીશનડવાળી જગ્‍યા જરૂરી હોઇ મ.ન.પા.ના યુનિવર્સિટી રોડ પર આવેલ નવનિર્મિત અદ્યતન લકઝરીયર્સ એરકન્‍ડીશનડ કોમ્‍યુનિટી હોલમાં કામચલાઉ ધોરણે કોવિડ હોસ્‍પિટલ ઉભી કરવા નિર્ણય લેવાયો હતો.

મેયરશ્રીએ આ તકે વધુમાં જણાવ્‍યું હતું કે, આ કામચલાઉ હોસ્‍પિટલમાં ૧૫૦ થી ૨૦૦ બેડની સુવિધા તથા ઓક્‍સિજન અને વેન્‍ટીલેટર વગેરે સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી અને સમગ્ર કોવિડ હોસ્‍પિટલ શહેરમાં કોવિડ ક્ષેત્રે સફળ નિવડેલા સીનર્જી હોસ્‍પિટલ ગ્રુપને સોંપવા નિર્ણય લેવાયો છે.

આ હોસ્‍પિટલ સંચાલકો કોવિડ દર્દીના જે વર્તમાન ચાર્જ તેમાં ઘટાડો કરી રાહત દરથી હોસ્‍પિટલમાં દર્દીઓને દાખલ કરવા તૈયાર થયા છે.  આ જે નવી ખાનગી કોવિડ સીનર્જી હોસ્‍પિટલ શરૂ થશે. તેના ચાર્જ અંગે મ્‍યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવેલ કે, ઉકત અમૃત ઘાયલ હોલમાં જે નવી કોવિડ હોસ્‍પિટલ શરૂ થશે તેમાં ઓકસીજન બેડનો સરકારે નિયત કરેલ ચાર્જ ૧૧૫૦૦ છે પરંતુ આ હોસ્‍પિટલમાં ઓકસીજન બેડના પ્રતિદિન ૯૫૦૦નો ચાર્જ લેવાશે. જ્‍યારે ઓકસીજન વગરના સાદા બેડનો પ્રતિદિન રૂા. ૭૦૦૦નો ચાર્જ લેવાશે.

 

(3:38 pm IST)