રાજકોટ
News of Monday, 12th April 2021

રાજકોટમાં શાસ્ત્રીય સંગીતને જીવંત રાખનાર પંડિત હરિકાંતભાઇ સેવકનો જીવનદિપ બુઝાયો

રાજકોટ, તા.૧૨: રજકોટના શાસ્ત્રીય સંગીતના પાયામાંના એક પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત હરિકાંતભાઇ સેવકનો આજે ૮૪ વર્ષની વયે કોરોનાને કારણે જીવનદિપ બુઝાયો. સંગીતની દુનિયામાં તેઓ પ્રિય 'દાદુ' તરીકે ઓળખાતા. પુણ્ય ગુણ, અપાર સંગીતમય સમજ, સંગીતને વરેલા એવા હરિકાંતભાઇને યુવા સંગીતકારો માટે અત્યંત પ્રેમ હતો. તેઓએ અસંખ્ય વિદ્યાર્થીઓને તેના અથાક પ્રયત્નોને કારણે જ સંગીત શીખવા તરફ વાળ્યા હતા.

પંડિત હરિકાંતભાઇ સેવકનો જન્મ હવેલી સંગીત કીર્તંકરોના પરિવારમાં થયો હતો. મૂળ 'મહેતા' પણ તેઓએ 'રાગની સેવા' ના કારણે તેમનું કુટુંબ ઠાકુરજીની સેવામાં સમર્પિત કરેલું આથી તેમના નામ પાછળ 'સેવક' લાગેલું. તેમણે શાસ્ત્રીય સંગીત અને હવાલી સંગીતની પ્રારંભિક તાલીમ જૂનાગઢના પંડિત વિઠ્ઠલદાસ બાપોદરા પાસેથી મેળવી હતી.

પ્રતિષ્ઠિત 'ગુજરાત ગૌરવ પુરસ્કાર' (ગુજરાત સરકાર) અને 'સ્વરાધના રત્ન' (સુર સિંગર સંસદ, મુંબઇ) સહિત અનેક સન્માન તેમણે મેળવેલા. પંડિત હરિકાંતભાઇએ તેમના ભાઇ પંડિત અરૂણકાંત સેવક સાથે હરિવલ્લભ સમરોહ (જલંધર), તાનસેન સમરોહ (ગ્વાલિયર), હરિદાસ સંમેલન (મુંબઇ),  જેવા દેશભરના મોટા સમારોહમાં કલા-સ્તુતી કરી હતી.

ઔપચારિક રીતે પંડિત બાબુભાઇ અંધારિયા અને પંડિત રસિકલાલ અંધારિયાના ગૌરોવપૂર્ણ વિદ્યાર્થી હોવા છતાં, તેઓએ ૨૧ વર્ષ સુધી (૧૯૫૩ થી ૧૯૭૪ માં ખાન સાહેબના અવસાન સુધી) ઉસ્તાદ અમીર ખાન સાથેની તેમની સંગીતમય વિચારની પ્રક્રિયાના મોટા ભાગને આકાર આપ્યો હતો. ઉપરાંત તેમણે અન્ય સંગીતવાદ્ય પરંપરાઓનો માત્ર આદર કર્યો જ નહીં, પણ તેમના અવાજ અને સ્વભાવને જે યોગ્ય લાગ્યું તે આત્મસાત કરવાનો -યાસ કર્યો. તેમણે વિવિધ રાગમાં પણ અસંખ્ય બંદીશોની રચના કરી હતી.

રાજકોટમાં 'સુર મિલાન' સંસ્થા શરૂ કરનાર માના તેઓ એક હતા. આ બેનર હેઠળ તેમણે અનેક ઉગતા કલાકારોને બ્રેક આપ્યો હતો. રાજકોટમાં શાસ્ત્રીય એકેડમી શરૂ કરવાની હોય કે કોઇ મોટા કલાકારોને લાવવાના હોય હરિકાંતભાઇ સેવક કાયમ અગ્રેસર રહ્યા હતા. હાલ પણ તેઓ રાજકોટની એકેમી સાથે સંકળાયેલા હતા. આવા મહાન સંગીતકારની ખોટ રાજકોટ ને જ નહિં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે કદી નહીં પુરાય. હરિકાંતભાઇને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ.

(4:16 pm IST)