રાજકોટ
News of Thursday, 12th November 2020

આત્મનિર્ભર યોજનાએ ખરા અર્થમાં બનાવ્યા આત્મનિર્ભરઃ એડવોકેટ નિલમબેન લુંભાણી

આત્મનિર્ભરની રૂ.૨.૫૦ લાખની લોન થકી મારા આવનારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીશ

રાજકોટઃ સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે તેના સંક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના પગલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ ધંધા-વ્યવસાય બંધ રહ્યા અને તેની વ્યાપક અસરો પડી. તેમાં વકીલાતનું ક્ષેત્ર પણ બાકાત ન રહ્યું. ઉપરાંત નાના વ્યવસાયકારો, કારીગરો, મજૂર-શ્રમિક વર્ગ ઉપર માઠી અસરો વર્તાઈ. રાજય સરકારે આ પરિસ્થિતિનો તાગ મેળવી, તેને નિવારવા માટે તુરંત જ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ તથા ૨ જાહેર કરી. જેના પરિણામે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના લોકડાઉન બાદ ફરી લોકોના ધંધા-રોજગાર શરૂ કરવામાં પ્રાણવાયુ સાબિત થઈ રહી છે.  ત્યારે આ યોજનાના લાભાર્થી રાજકોટના ક્રિમિનલ એડવોકેટ નીલમબેન લુંભાણી પોતાના વ્યવસાયને ગતિ આપવા માટેનો નવો ઉત્સાહ અને દ્રઢ નિર્ધાર વ્યકત કરે છે.

આ અંગે વાત કરતા નીલમબેન જણાવે છે કે, 'લોકડાઉનનો સમયગાળો ખુબ જ કપરો હતો, હું ચિંતામાં હતી કે હવે આગળ શું થશે ? આવા સમયે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી, જે અમારા માટે પીઠબળ સમાન સાબિત થઇ,  આ યોજનાનાં લાભ લેવા માટેના ફોર્મ વિતરણની જાહેરાત થતા હું રાજકોટની જીવન કોમર્શિયલ બેન્કમાં ગઈ, જયાંથી મેં લોન વિશે માહિતી મેળવીને જરૂરી દસ્તાવેજો જોડીને લોન મેળવવા માટે અરજી કરી હતી. જે બાદ મારી અરજી સ્વીકારાતા મને આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂ. ૨.૫૦ લાખની લોન મળી છે. આ લોન થકી અત્યારે હું મારી ઓફિસનું રીનોવેશન કરાવી રહી છું, હવે હું ટેકનોલોજી સાથે તાલ મિલાવીને આધુનિક અપડેશન મુજબ કાર્ય કરીશ, હાલ મારી સગર્ભા અવસ્થાનો આઠમો મહિનો ચાલે છે, ત્યારે આ લોન થકી હું મારા આવનારા બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકીશ, ખરેખર ! આત્મનિર્ભર યોજના થકી જીવનમાં આગળ વધવાની અને ફરી વાર બેઠા થવાની આશા બંધાઈ છે, આ લોનને કારણે અમે ફરી એક વાર આત્મનિર્ભર બની રહ્યા છીએ અને આર્થિક રીતે ટેકો પણ મળ્યો છે.

        આમ, ગુજરાતની સંવેદનશીલ સરકારની આત્મનિર્ભર સહાય યોજનાએ સાચા અર્થમાં કેટલાય પરીવારોને લોન આપીને પુનઃ બેઠા કરીને તેઓને આત્મનિર્ભર બનાવ્યા છે.

(2:48 pm IST)