રાજકોટ
News of Monday, 13th June 2022

મોરબી રોડ પર બુલડોઝર ધણધણ્‍યુ : ૧૮ કરોડની જમીન ખુલ્લી

ટી.પી. સ્‍કીમ નં. ૧૪,૧પ,૧૭ (ડ્રાફટ)ની ૬૦૦૦ ચો.મી.માં થયેલ ગેરકાયદેસર બાંધકામોનું ડીમોલીશન

રાજકોટ તા. ૧૩ : શહેરના મોરબી રોડ પરના રીઝર્વેશન પ્‍લોટમાં ગેરકાયદેસર બાંધકામો શરૂ થતાં આજે સવારે મનપાની ઇસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ત્રણેય પ્‍લોટમાં ડિમોલેશન હાથ ધરી ૬ હજાર ચો.મી. રૂા. ૧૮ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મ્‍યુનિ. કમિશનર અમીત અરોરાના આદેશ અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે સવારે ટાઉન પ્‍લાનીંગ સ્‍કીમ નં. ૧૪ (ડ્રાફટ), ૧૫ (ડ્રાફટ), ૧૭ (ડ્રાફટ)ના રીઝર્વેશન પ્‍લોટમાં થયેલ દબાણો મહાનગરપાલિકામાં દુર કરવા ડિમોલેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં ટી.પી. સ્‍કીમ નં. ૧૪ રાજકોટ (ડ્રાફટ) અનામત પ્‍લોટ ૧૬-સી માં ૭૦૦ ચો.મી.ના ૨ કરોડના કોમર્શિયલ પ્‍લોટમાં, ટી.પી. સ્‍કીમ નં. ૧૫ રાજકોટ (ડ્રાફટ) અનામત પ્‍લોટ ૨૦-એ શોપીંગ સેન્‍ટરના ૧૦૦૦ ચો.મી.માં ૩ કરોડની જમીન તથા ટી.પી. સ્‍કીમ નં. ૧૭ (ડ્રાફટ) એફ-પી નં. ૧૭-એ માં વાણીજ્‍ય વેચાણ હેતુના ૪૩૨૨ ચો.મી.ના ૧૩ કરોડના પ્‍લોટમાંથી દબાણો દુર કરવામાં આવ્‍યા હતા.

(4:24 pm IST)