રાજકોટ
News of Tuesday, 13th July 2021

કાર સ્પીડથી ચલાવી વરસાદનું પાણી ઉડાડ્યા બાદ ઝઘડોઃ રામાપીર ચોકડીએ ભગા સોહલા પર હુમલો

રાજકોટ તા. ૧૩: ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી મેઇન રોડ પર સમર્પણ હોસ્પિટલ પાસે રહેતાં અને શ્રીલક્ષ્મીવંદન નામે સહકારી મંડળી ચલાવતાં ભગા ખેંગારભાઇ સોહલા (ઉ.વ.૩૦)ને રામાપીર ચોકડી ફાયર બ્રિગેડ પાસે સાંજે આઠેક વાગ્યે લાલા બોરીચા સહિતનાએ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. ભગાના સગાના કહેવા મુજબ ભગો રામાપીર ચોકડીએ ચાલીને રસ્તો પસાર કરી રહ્યો હતો ત્યારે લાલો બંબાટ સ્પીડથી કાર હંકારીને નીકળ્યો હતો અને વરસાદનું પાણી ઉડતાં ભગો આખો ભીંજાઇ ગયો હતો. આથી તેણે લાલાને ધ્યાન રાખીને થોડી ધીમે ચલાવવા કહેતાં લાલા સહિતે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો.

મનહરપુરમાં સળીયા, પાઇપથી મારામારીઃ ત્રણને ઇજા

માધાપર ચોકડી નજીક મનહરપુર-૧માં રહેતાં કૈલાસ મોહનલાલ તન્વર (ઉ.૨૨), સુરેન્દ્ર આયુરામ તન્વર (ઉ.૨૭)ને સાંજે ઘર નજીક સુનિલ, સાગર સહિતે ગાળો બોલવા મામલે ઝઘડો કરી સળીયાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. સામે પક્ષે સુનિલ માણેકભાઇ જોગાવત (ઉ.૨૧) પણ પોતાને સુરેન્દ્ર સહિતે પાઇપથી માર માર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આ અંગે ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(3:09 pm IST)